સૌના ચહેરા પર હાસ્ય પાથરનાર રાજુ શ્રીવાસ્તવ ગમગીન કરી ગયા

21 September 2022 03:56 PM
Entertainment India
  • સૌના ચહેરા પર હાસ્ય પાથરનાર રાજુ શ્રીવાસ્તવ ગમગીન કરી ગયા

♦ બોલિવુડ અને ટીવીના આકાશનો ચમકતો હાસ્ય સિતારો ખરી પડયો

♦ કાનપુરમાં મધ્યમવર્ગમાંથી આવનારા રાજુ શ્રીવાસ્તવે પોતાનુ સપનુ સાકાર કરવા મુંબઈમાં ગુજરાન ચલાવવા ઓટો રીક્ષા પણ ચલાવેલી: અનિલ કપુરની ‘તેજાબ’ ફિલ્મે કોમેડીયન તરીકે ઓળખ આપી: બોલિવુડની ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવ્યા બાદ ટીવી શો ‘ધી ગ્રેટ ઈન્ડિયન લાફટર’ દેશભરમાં લોકપ્રિયતા અપાવી: અમિતાભ બચ્ચનની મિમીક્રી ખુદ બચ્ચન સામે કરીને કહેલું- આપ અમારા અન્નદાતા છો

મૃત્યુ સામે લાંબા સમય સુધી બાથ ભીડીને મશહુર કોમેડીયન રાજુ શ્રીવાસ્તવે આજે છેલ્લા શ્વાસ લેતા કોમેડીના આકાશનો એક તેજ ચમકતો સિતારો ખરી પડયો છે. મુંબઈમાં ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન કરી પ્રારંભીક દિવસોમાં ફિલ્મોમાં નાની નાની કોમેડીયનની ભૂમિકા ભજવીને રાજૂ શ્રીવાસ્તવ લાંબા સંઘર્ષ બાદ સફળતાના શિખરો સર કર્યા હતા. પોતાના હુન્નરથી લોકોને પેટ પકડીને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ આજે લોકોને રડાવી ગયા છે.

રાજુ શ્રીવાસ્તવનો જન્મ કાનપુરના એક મધ્યમવર્ગીય પરિવારમાં 25 ડિસેમ્બર 1963માં થયો હતો. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું, જેઓ ખુદ પણ એક કવિ હતા અને બલાઈ કાકાના નામથી જાણીતા હતા. રાજુને પિતા તરફથી વારસામાં હુનર મળ્યો હતો. રાજુ બાળપણથી સારી મિમિક્રી કરતા હતા.

ઓટો રિક્ષા ચલાવીને કરી હતી કેરિયરની શરૂઆત: કાનપુરની ગલીઓમાંથી નીકળીને માયાનગરી મુંબઈની સફર કરતા રાજુ ભૈયાએ પોતાની ટેલેન્ટના જોરે લોકો પર રાજ કર્યુ હતું. 1982માં રાજુ શ્રીવાસ્તવ પોતાનું સપનુ સાકાર કરવા મુંબઈ આવ્યા હતા. શરૂઆતના દિવસોમાં ગુજરાન ચલાવવા રાજુએ ઓટો રિક્ષા પણ ચલાવી હતી.

બાદમાં ટેલેન્ટના જોરે રાજૂને ફિલ્મોમાં નાનામોટા રોલ મળવા લાગ્યા હતા. રાજુએ બોલીવુડમાં અનિલ કપુરની ફિલ્મ ‘તેજાબ’થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેના કોમેડી રોલની ખૂબ જ પ્રશંસા થઈ હતી. બાદમાં સલમાનખાનની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં ટ્રક કલીનરનો રોલ પણ કર્યો હતો. આ સિવાય રાજુ શાહરુખખાનની સાથે ફિલ્મ ‘બાઝીગર’માં કોલેજ સ્ટુડન્ટનો રોલ કર્યો હતો.

આ સિવાય બોલીવુડની ફિલ્મો- ‘આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા’માં બાબા ચિન ચિન અને ‘વાહ તેરા કયા કહેના’ ફિલ્મમાં બન્ને ખાનના આસિસ્ટન્ટનો તેનો રોલ વખણાયો હતો. અમિતાભ બચ્ચનની એવરગ્રીન મીમીક્રી: રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનના ફેન હતા. ‘શોલે’ તેમની ફેવરીટ ફિલ્મ હતી અને આ ફિલ્મ જોયા પછી રાજુએ અમિતાભની નકલ- મીમીક્રી કરવાનું શરૂ કર્યુ હતું. તેણે અમિતાભની જેમ ઉઠવા-બેસવાનું શરૂ કર્યું હતું.

અમિતાભની મીમીક્રી કરવા બદલ તેને પ્રથમવાર 50 રૂપિયા ઈનામમાં મળ્યા હતા. ટીવી કોમેડી શોએ નસીબ બદલ્યું: હિન્દી ફિલ્મોમાં નાની મોટી કોમેડી ભૂમિકા ભજવનાર રાજુ શ્રીવાસ્તવને 2005માં સ્ટાર વન પર પ્રસારીત કોમેડી શો ‘ધી ગ્રેટ ઈન્ડીયન લાફટર ચેલેન્જ’થી મોટો બ્રેક મળ્યો હતો. આ શોએ તેની જિંદગી બદલી નાખી. સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે લોકો તેને ઓળખતા થયા.

આ શોથી રાજુ કોમેડી કીંગ બનેલા અને ઘેર ઘેર તે ગજોધર ભૈયાના ઉપનામથી પણ જાણીતા થયા. જો કે આ શોમાં રાજુ ઉપવિજેતા બન્યા હતા. આ ઉપરાંત રાજુ મશહુર રિયાલીટી શો ‘બિગ બોસ-3’, કોમેડી શો મહામુકાબલા સીઝન-6 અને ‘નચ બલિયે’ જેવા શોમાં પણ તે ચમકયા હતા.

બિગ બીને કહેતા હતા અન્નદાતા: રાજુ શ્રીવાસ્તવ મીમીક્રી કરવામાં માહિર હતા. તેમાંય અમિતાભ બચ્ચનની મીમીક્રી કરીને પ્રશંસા મેળવી છે. રાજુએ ખુદ અમિતાભ બચ્ચન અને તેના પરિવાર સામે જ અમિતાભની મીમીક્રી કરી છે, આ મામલે અમિતાભે કયારે રાજુ સામે વાંધો નથી ઉઠાવ્યો. એક એવોર્ડ શોમાં જ રાજુએ ત્યાં ઉપસ્થિત બીગ બીને કહ્યું હતું- સર, આપ તો અમારા અન્નદાતા છો. આપની મીમીક્રી કરીને અમે અમારું ઘર ચલાવીએ છીએ.

રાજકીય કારકિર્દી: ફિલ્મ અને સ્ટેન્ડ અપ કોમેડીયનથી લોકપ્રિયતા મેળવનાર રાજુએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. સમાજવાદી પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણી માટે કાનપુર બેઠક માટે ટિકીટ ફાળવી હતી, જો કે રાજુએ તેમ કહીને ટિકીટ પરત કરી દીધી હતી કે તેને પાર્ટીના સ્થાનિક એકમ પાસેથી પુરતો સપોર્ટ નથી મળ્યો. બાદમાં રાજુ શ્રીવાસ્તવ ભાજપમાં જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ રાજુ શ્રીવાસ્તવને પોતાના સ્વચ્છતા અભિયાન માટે નોમિનેટ કર્યા હતા. રાજુએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક મ્યુઝીક વિડીયો તૈયાર કર્યા હતા.

ડોકટરોની સલાહ પર અમિતાભે વોઈસ નોટ મોકલી કહ્યું-રાજુ ઉઠો. બસ, બહુત હુઆ
રાજુ શ્રીવાસ્તવ બીગ-બીની મિમીક્રીમાં એટલા તો પરફેકટ હતા કે ખુદ અમિતાભ બચ્ચન પણ તેનાથી પ્રભાવિત હતા. રાજૂ શ્રીવાસ્તવ જયારે પોતાની જિંદગીના અંતિમ દિવસોમાં જિંદગી અને મોતનો સામનો કરી રહ્યા હતા ત્યારે ડોકટરોએ અમિતાભ બચ્ચનને ખાસ આગ્રહ કર્યો હતો કે તેઓ કોમેડિયન માટે વોઈસ ઓવર નોટ મોકલે. ડોકટરોને આશા હતી કે પોતાના પ્રિય સ્ટારના અવાજની અસર રાજૂ પર પડશે.
Comedian Raju Srivastav Was Big Fan Of Amitabh Bachchan Once Confessed  Actor Runs The Livelihood Of His House - Raju Srivastav: बिग बी को अन्नदाता  मानते थे राजू श्रीवास्तव, कहते थे- आपकी
અમિતાભે તરત જ કેટલાક વોઈસ નોટ રેકોર્ડ કરીને મોકલ્યા. જાણકારી મુજબ એક વોઈસ નોટમાં અમિતાભે કહ્યું હતું- રાજૂ ઉઠો, બસ બહુત હુઆ, અભી બહુત કામ કરના હૈ’. જો કે રાજૂ જેની મિમીક્રી કરતા હતા તેવા તેના પ્રિય અભિનેતા ખુદ બચ્ચનનો વોઈસ પણ તેમને બેઠા ન કરી શકયો.

રાજુની લવ સ્ટોરી ફિલ્મી: લગ્ન માટે 12 વર્ષ રાહ જોવી પડેલી!
રાજુ શ્રીવાસ્તવની પત્નીનું નામ શિખા છે અને તેમના બે બાળકો અંતરા અને આયુષ્યમાન છે, રાજુને શિખાને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. તેમણે શિખાને પહેલીવાર ફતેહપુરમાં પોતાના ભાઈના લગ્નમાં જોઈ હતી અને પહેલી નજરે જ તેને દિલ દઈ બેઠા હતા. ત્યારે જ તેણે નિર્ણય કર્યો હતો કે લગ્ન કરીશ તો આ છોકરી સાથે એક ઈન્ટરવ્યુમાં રાજુએ જણાવ્યું હતું કે જયારે મને ખબર પડી કે શિખા તેની ભાભીના કાકાની દીકરી છે તો તેણે પોતાના ભાઈઓને મનાવી લીધા.
Raju Srivastav की पत्नी के हुस्न के आगे बॉलीवुड हसीनाएं भी हैं फेल, गजोधर  भैया इसी खूबसूरती पर हुए फ़िदा
જો કે રાજુ શિખાને કંઈ કહેવાની હિમત નહોતા કરી શકયા. ત્યારબાદ તે પોતાનું નસીબ અજમાવવા 1982માં મુંબઈ ચાલ્યા ગયા, જયાં ખૂબ જ સંઘર્ષ કરી જીવનમાં કંઈક હાંસલ કર્યા બાદ તેણે શિખા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. રાજુ શિખાને પત્ર લકતા પણ પોતાની લાગણી વ્યકત કરી શકતા નહોતા. બાદમાં શિખાના ઘેર લગ્નનો પ્રસ્તાવ મૂકયો અને 27 મે 1993માં શિખા સાથે લગ્ન કર્યા.


Related News

Loading...
Advertisement
Advertisement