વિમેન્સ ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડમાં ડંકો: 23 વર્ષ બાદ વન-ડે શ્રેણીમાં આપ્યો પરાજય

22 September 2022 09:56 AM
India Sports World
  • વિમેન્સ ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડમાં ડંકો: 23 વર્ષ બાદ વન-ડે શ્રેણીમાં આપ્યો પરાજય

♦ ત્રણ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચમાં ભારતની 88 રને જીત સાથે જ શ્રેણી પણ કબજે: કેપ્ટન હરમનપ્રિતે 111 બોલમાં ઝૂડ્યા અણનમ 143 રન, રેણુકા સિંહે ખેડવી ચાર વિકેટ

♦ આ પહેલાં ભારતે 1999માં ઈંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી 2-1થી જીતી’તી

નવીદિલ્હી, તા.22
ભારતીય મહિલા ટીમે બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડને 88 રને કચડી શ્રેણીમાં 2-0ની ‘અજેય’ લીડ હાંસલ કરી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર રમીને વન-ડે શ્રેણી પર કબજે કર્યો છે. આ પહેલાં ભારતે ઈંગ્લેન્ડમાં 1999ની સાલમાં વન-ડે શ્રેણી 2-1થી જીતી હતી. ટીમ ઈન્ડિયાની જીતની હિરો કેપ્ટન હરમનપ્રીત કૌર રહી હતી જેણે રેકોર્ડ સદી બનાવી હતી જ્યારે રેણુકા સિંહે ઘાતક બોલિંગ કરતાં ચાર વિકેટ ખેડવી હતી. ભારતે પાંચ વિકેટે 333 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ 44.2 ઓવરમાં 245 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પહેલાં ભારતીય મહિલા ટીમે કેપ્ટન હરમનપ્રિત કૌર (અણનમ 143 રન)ની સદી અને હરલીન દેઓલ (58 રન)ની શાનદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હરમનપ્રિતે 111 બોલનો સામનો કરતાં પોતાની અણનમ ઈનિંગમાં 18 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા જ્યારે હરલીને 72 બોલનો સામનો કર્યો હતો જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ હતી.

બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતને પહેલો ઝટકો બીજી જ ઓવરમાં લાગ્યો જ્યારે શેફાલી વર્મા (આઠ રન) કેટ ક્રાસની બોલિંગમાં બોલ્ડ થઈ હતી. ત્યારબાદ સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયાએ બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. જો કે ભાટિયા 12મી ઓવરમાં આઉટ થનારી ટીમની બીજી ખેલાડી રહી જેણે 26 રન બનાવ્યા હતા.

મંધાનાએ ત્યારબાદ 51 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રનનું યોગદાન આપ્યું હતું. પૂજા વસ્ત્રાકરે 18 રન બનાવ્યા અને દીપ્તી શર્મા 15 રન બનાવીને અણનમ રહી હતી. ઈંગ્લેન્ડની પાંચેય બોલરો લોરેન બેલ, ક્રાસ, ફ્રેયા કેમ્પ, ચાર્લી ડીન અને સોફી એક્લેસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.

બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લીશ ટીમની શરૂઆત ખરાબ રહી અને તેણે 47 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટૈમી બ્યોમૉન્ટ 6 રને આઉટ થઈ તો એમ્મા લમ્બ 15 અને સોફિયા ડૉન્ક્લે 1 રન બનાવી ચાલતાં થયા હતા. ત્યારબાદ એલિસ (39 રન), ડેનિયેલા વેટ (65 રન) અને ઐમી જોન્સ (39 રન)એ ક્રિઝ પર ટકી રહેવાની કોશિશ કરી પરંતુ ભારતીય બોલરોએ તેમને ફાવવા દીધી નહોતી.

પોતાની છેલ્લી શ્રેણી રમી રહેલી ઝૂલન ગોસ્વામીએ સાત ઓવરમાં 31 રન આપ્યા પરંતુ એક પણ વિકેટ લઈ શકી નહોતી. બીજી બાજુ રેણુકાએ 57 રન આપીને ચાર, હેમલતાએ છ રન આપીને બે તો શેફાલી વર્મા-દીપ્તી શર્માએ એક-એક વિકેટ મેળવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement