કચ્છમાંથી ચોમાસાની વિદાય : ગુજરાતમાં સરેરાશ 40 ઇંચ વરસાદ નોંધાયો

22 September 2022 11:14 AM
kutch Gujarat
  • કચ્છમાંથી ચોમાસાની વિદાય : ગુજરાતમાં સરેરાશ 40 ઇંચ વરસાદ નોંધાયો

► ગુજરાતમાં વરસાદની રેલમછેલ સર્જનાર ચોમાસાની પાછુ ખેંચાવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ

► રાજ્યભરમાં સર્વત્ર ઉઘાડ અને સ્વચ્છ માહોલ : તબક્કાવાર અન્ય ભાગોમાંથી ચોમાસુ પાછું ખેંચાશે : સિઝનનો 118.07 ટકા વરસાદ નોંધાયો.

રાજકોટ,તા. 22 : ગુજરાતમાં વરસાદની રેલમછેલ સર્જનાર ચોમાસાની વિદાય શરુ થઇ ગઇ છે અને કચ્છના સરહદી ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ગુજરાતમાં સિઝનનો કુલ 40 ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે અને તે 118.07 ટકા થવા જાય છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે ભારતમાંથી નૈઋત્ય ચોમાસાની વિદાયની શરુઆત થઇ ગઇ છે.

પશ્ચીમ રાજસ્થાન તથા કચ્છના સરહદી ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ચોમાસાની વિદાય રેખા હાલ નલીયા, જોધપુર, બિકાનેર અને ખજુવાલામાંથી પસાર થઇ રહી છે. લખપત, બાડમેર, જેસલમેર સહિતના ભાગોમાં હવામાન સ્વચ્છ બની ગયું છે. ભેજ ઘટી ગયો છે. તાપમાનમાં વધારો છે અને એન્ટી સાયક્લોનીક પવનો ફુંકાવા લાગ્યા છે. 2017 પછી છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત ચોમાસાની વિદાય આટલી વ્હેલી છે. આ પૂર્વે 2017માંથી 27 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરુ થઇ હતી. જ્યારે 2019માં છેક 9 ઓક્ટોબરથી ચોમાસાએ વિદાય લેવાનું શરુ કર્યું હતું.

ગત વર્ષે પણ ચોમાસાની વિદાય 6 ઓક્ટોબરથી શરુ થઇ હતી. રિપોર્ટમાં જો કે એમ દર્શાવાયું છે કે ઉતર-પશ્ચીમ ભારતમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા અટકી પડવાની શક્યતા છે. લો પ્રેસર અને સરક્યુલેશન સિસ્ટમને કારણે વિદાયમાં વિઘ્ન સર્જાશે. સામાન્ય રીતે પંજાબ અને હરિયાણામાંથી 20 સપ્ટેમ્બર અને દિલ્હીમાંથી 25 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેવા લાગતુ હોય છે પરંતુ આ વખતે તેમાં થોડુ થશે. હાલ મધ્ય મધ્યપ્રદેશમાં લો પ્રેસર સિસ્ટમ સર્જાઇ છે અને દક્ષિણ-પશ્ચીમ ઉતરપ્રદેશ તરફ આગળ ધપતી હોવાથી ઉતર ભારતના રાજ્યોમાં આવતા ત્રણ-ચાર દિવસમાં વરસાદ થઇ શકે છે.અને ત્યારપછી વિદાયની પ્રક્રિયા સર્જાશે.ગુજરાતમાં સૌ પ્રથમ કચ્છમાંથી ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં વરસાદ પણ ઘટી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં માત્ર 7 તાલુકામાં હળવા ઝાપટા પડ્યા હતા. આ સાથે રાજ્યમાં ચોમાસાનો કુલ વરસાદ 1003.78 મીમી અર્થાત 40 ઇંચથી વધુ વરસી ગયો છે. રાજ્યમાં ચોમાસામાં સરેરાશ 850 મીમી વરસાદ વરસતો હોય છે તેની સરખામણીએ 1003.78 મીમી પાણી વરસતા સરેરાશ કરતાં 118.07 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે 130 તાલુકામાં 20 થી 40 ઇંચ તથા 34 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ પડ્યો છે. મહત્વની વાત એ છે કે તમામેતમામ તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ થયો હોવાના કારણે અછતની કોઇ શક્યતા રહેતી નથી. ઝોનવાઇઝ વરસાદના આંકડા ચકાસવામાં આવે તો કચ્છમાં સૌથી વધુ 185.13 ટકા વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં 131.15 ટકા, ઉતર ગુજરાતમાં 120.83 ટકા, સૌરાષ્ટ્રમાં 108.21 ટકા વરસાદ નોંધાયો છે. એકમાત્ર મધ્ય ગુજરાતમાં સરેરાશ 100 ટકા વરસાદ થઇ શક્યો નથી અને 93.27 ટકા વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા બોટાદ જિલ્લાઓમાં સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકાથી વધુ થઇ ગયો છે. ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 100 ટકા વરસાદ થઇ શક્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ 86.01 ટકા તથા ભાવનગર જિલ્લામાં 89.20 ટકા વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં 99.65 ટકા પાણી વરસ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો 60.59 ટકા વરસાદ વિંછીયા તાલુકામાં નોંધાયો છે. રાજકોટ શહેરમાં સરેરાશ કરતાં 104.72 ટકા વરસાદ પડી ગયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement