અમેરિકાએ વ્યાજ દર 0.75 ટકા વધાર્યો : ડોલર સામે રૂપિયો 80.60ના તળિયે

22 September 2022 11:23 AM
India World
  • અમેરિકાએ વ્યાજ દર 0.75 ટકા વધાર્યો : ડોલર સામે રૂપિયો 80.60ના તળિયે

♦ અમેરિકાના પગલાથી દુનિયાભરના શેરબજારો મંદીમાં : ભારતીય સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ તૂટ્યો

♦ પ્રારંભિક કામકાજમાં જ રૂપિયામાં 62 પૈસાનો ધરખમ કડાકો : એશિયાના તમામ દેશોની કરન્સી ડાઉન : આવનારો સમય હજુ પડકારજનક રહેવાના એંધાણથી ગભરાટ

મુંબઇ, તા. 22
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રીજી વખત વ્યાજ દરમાં મોટો વધારો કરવાને પગલે દુનિયાભરના શેરબજારોમાં ગાબડા વચ્ચે ભારતમાં કરન્સી માર્કેટમાં પણ પ્રત્યાઘાત વર્તાયો છે અને ડોલર સામે રુપિયો કડડભૂસ થઇને નવા તળિયે ધસી ગયો છે.

મોંઘવારીનો મુકાબલો કરવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં કેટલો વધારો કરે છે તેના પર દુનિયાભરની નજર હતી. ગઇરાતે 0.75 ટકાનો વ્યાજ દર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કેટલાક દિવસોથી એવી આશંકા વ્યક્ત થતી હતી કે મોંઘવારી અને આર્થિક મંદીના ખતરાને ધ્યાનમાં રાખીને એક ટકાનો અભૂતપૂર્વ વ્યાજ દર વધારો કરાશે પરંતુ ફેડરલ રિઝર્વે 0.75 ટકાનો વધારો કર્યો હતો. અમેરિકામાં આ સાથે વ્યાજ દર 3 થી 3.25 ટકા થયો છે. આવતા મહિનાઓમાં પણ મોંઘવારી સામે લડવા આ નીતિ ચાલુ રાખવાનો ઇશારો દર્શાવવામાં આવ્યો હતો.

અમેરિકી વ્યાજ દર વૃધ્ધિને પગલે દુનિયાભરના નાણા બજારોમાં પ્રત્યાઘાતો વર્તાયા હતા. અમેરિકાની સાથોસાથ આજે એશિયાના માર્કેટો પણ નબળા પડી ગયા હતા. જાપાન, હોંગકોંગ, સિંગાપુર, ચીન સહિતના એશિયન બજારોમાં મંદી હતી. ભારતીય શેરબજાર પણ રેડઝોનમાં હતું. સેન્સેક્સ 200 પોઇન્ટના કડાકાથી 59210 હતો જે ઉંચામાં 59346 તથા નીચામાં 58973 હતો. નિફટી 66 પોઇન્ટ ગગડીને 17651 હતો જે ઉંચામાં 17689 તથા નીચામાં 17580 હતો. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ફોસીસ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, સન ફાર્મા, ટીસીએસ, વિપ્રો, સિપ્લા, ઓએનજીસી વગેરેમાં ગાબડા હતા. મંદી બજારે પણ બજાજ ફાયનાન્સ, મારુતિ, નેસ્લે, અદાણી પોર્ટ, બ્રિટાનીયા, આઈસર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ જેવા શેરો ઉંચકાયા હતા.

કરન્સી માર્કેટ આજે મંદીમાં ધસી પડ્યું હતું. ડોલર સામે રુપિયો 62 પૈસા તૂટ્યો હતો અને 80.60ના નવા તળિયે ધસી ગયો હતો. ફેડરલ રિઝર્વના પગલાની અસર ઉપરાંત યુક્રેન સામેના યુધ્ધમાં રશિયન પ્રમુખ પુતિને ત્રણ લાખ અનામત જવાનોને મેદાનમાં ઉતારતા અને અણુ હુમલાનો વિકલ્પ પણ ખુલ્લો હોવાનું જાહેર કરતાં તેનો પણ પ્રત્યાઘાત પડ્યો હતો. ડોલર સામે અગાઉ રુપિયાએ 80.35ની ઐતિહાસિક નીચી સપાટી બનાવી હતી. તે પણ આજે તૂટી ગઇ હતી અને સવારે ડોલર સામે રુપિયો 80.60 સાંપડ્યો હતો. અત્યાર સુધીનો આ સૌથી નીચો ભાવ છે.

ગત વર્ષની બોન્ડ યીલ્ડ 5 બેસીસ પોઇન્ટ વધીને 7.28 ટકા થઇ હતી. માત્ર ભારત જ નહીં એશિયાઇ દેશોની કરન્સી પણ દબાણમાં રહી હતી. ભવિષ્યમાં હજુ વ્યાજ દર વધારાનો ખતરો ઉભો હોવાના કારણે કરન્સીમાં દબાણ રહ્યું છે. દક્ષિણ કોરિયાની કરન્સી એક ટકા, ફિલીપાઈન્સની 0.73 ટકા, ચીનની 0.6 ટકા, જાપાનની 0.57 ટકા, થાઈલેન્ડની 0.51 ટકા, તાઇવાનની 0.5 ટકા, મલેશિયાની 0.36 ટકા, સિંગાપુરની 0.28 ટકાનો ઘટાડો સુચવતી હતી.

અમેરિકી ફેડરલ રિઝર્વેના નિવેદનમાં એવો ગર્ભિત ઇશારો પણ કરવામાં આવ્યો છે કે 2023માં વ્યાજ દર અંદાજ કરતાં પણ વધુ રહી શકે છે અને ચાર ટકાથી પણ વધી શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ માસાંતે ધિરાણ નીતિની સમિક્ષા કરવાની છે અને તેના દ્વારા પણ અપેક્ષા કરતાં મોટો વ્યાજ દર વધારો કરવામાં આવે તેવી શંકા ઉભી થવા લાગી છે. લીકવીડીટી ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઘટીને અને મોંઘવારી પણ પડકારજનક છે ત્યારે રિઝર્વ બેન્કે પણ વ્યાજ દર વધારવાનું પગલુ લીધા સિવાય છૂટકો ન હોવાનું નિષ્ણાંતોનું માનવુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement