ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચાયા બાદ પણ તોફાની છમકલાં : રાત્રે બે સ્થળે દૂધ ઢોળાયું

22 September 2022 11:35 AM
Rajkot Top News
  • ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચાયા બાદ પણ તોફાની છમકલાં : રાત્રે બે સ્થળે દૂધ ઢોળાયું
  • ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચાયા બાદ પણ તોફાની છમકલાં : રાત્રે બે સ્થળે દૂધ ઢોળાયું

રાજકોટમાં ચુનારાવાડ અને મોરબી રોડ પર પોલીસની કાર્યવાહી : દૂધ વાહન રોકી રોડ પર કેરેટના ઘા કરી વિરોધ પ્રદર્શન, ચાર માલધારી યુવાનો સામે નામ જોગ ફરિયાદ દાખલ

રાજકોટ, તા.22 : ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચાયા બાદ પણ તોફાની છમકલાં થયા છે. રાજકોટમાં રાત્રે બે સ્થળે દૂધ ઢોળાયું હતું. જેમાં ચુનારાવાડ અને મોરબી રોડ પર પોલીસે કાર્યવાહી કરી હતી. મોરબી રોડ પર, વેલનાથપરા બ્રિજ પાસે દૂધ વાહન રોકી રોડ પર કેરેટના ઘા કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં ચાર માલધારી યુવાનો સામે નામ જોગ ફરિયાદ દાખલ થઈ છે.

શહેરના મોરબી રોડ પર દૂધની અનેક કોથળીઓ ઢોળી નખાઈ હતી. આખા રોડ ઉપર દુધના પેકેટ જોવા મળ્યા હતા. આ તમામ કોથળીઓમાંથી દૂધ ઢોળી નખાતા રોડ પર દૂધની રેલમ છેલમ થઈ હતી. રાત્રે દસેક વાગ્યાના બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એમ.સી. વાળાએ ’સાંજ સમાચાર’ને જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે, મોરબી રોડ પર મોટા પ્રમાણમાં દૂધની કોથળીઓ પડી છે અને તેમાંથી દૂધ ઢોલી નખાયું છે. જેથી પોલીસે પહોંચી તપાસ હાથ ધરી છે.

એસીપી ટંડેલ, પીઆઈ એમ.સી. વાળા સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આ બનાવમાં કોઈ વાહનને અટકાવી ટોળાએ ઘટનાને અંજામ આપ્યો? કોઈએ બળજબરી પૂર્વક દૂધ ઢોળ્યું? વગેરે સવાલોના જવાબ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એક વીડિયો સામે આવ્યો હતો કોઈ અજાણ્યા દૂધ વાહનને રોકી કેટલાક યુવાનો દુધના કેરેટ રોડ પર પછાડી, દૂધ ઢોળતા હતા. વીડિયોના આધારે ઓળખ કરી પોલીસે જય ટોળીયા, આશિષ રબારી, ચિરાગ ટોળીયા અને ગોપાલ કરશન સભાડ સામે ગુનો નોંધ્યો છે.

આ તરફ ચુનારાવાડમાં એક અમૂલ પાર્લર પાસે બે-ત્રણ લોકો વિરોધ નોંધવવા પહોંચ્યા હતા. જોકે આ માત્ર છમકલું હતું, કોઈ તોડફોડ કે અન્ય કોઈ હોબાળો મચ્યો નહોતો. માત્ર બે-ત્રણ દૂધની કોથળીઓ ઢોળવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસના પીએસઆઈ ગઢવી સહિતના દોડી ગયા હતા. જોકે ત્યાં સુધીમાં બધું શાંત પડી ગયાનું જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement