રાહુલની ‘ભારત જોડો’ યાત્રાના બેનરમાં વીર સાવરકરની તસવીર !

22 September 2022 11:39 AM
India Politics Top News
  • રાહુલની ‘ભારત જોડો’ યાત્રાના બેનરમાં વીર સાવરકરની તસવીર !

કોંગ્રેસ બચાવની સ્થિતિમાં : ભાજપનો વેધક પ્રહાર : સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ

કોચી,તા. 22
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બેનરમાં વીર સાવરકરની તસવીર મુકવામાં આવતા કોંગ્રેસ માટે કફોડી સ્થિતિ સર્જાઇ હતી. ભાજપ સહિતના પક્ષોએ વેધક ટિપ્પણી કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ અનેકવિધ કટાક્ષો વચ્ચે આ બેનર વાયરલ થયું હતું.

રાહુલ ગાંધીની ક્ધયા કુમારીથી કાશ્મીર સુધીની 3500 કિલોમીટરની ભારત જોડો યાત્રા પસાર થતી વખતે કેરળના ચેંગ્ગામનાદ પંચાયત દ્વારા ભારતના સ્વાતંત્ર સેનાનીઓની તસવીરો સાથેની એક વિશાળ બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ વિચારધારા ધરાવતા વીર સાવરકરની તસવીર, ગોવિંદ વલ્લભ પંત અને ચંદ્રશેખર આઝાદની વચ્ચે મુકવામાં આવી હતી. આ ભૂલ સુધારવા કોંગ્રેસે તાત્કાલીક પ્રયત્નો કર્યા હતા અને વીર સાવરકરના સ્થાને મહાત્મા ગાંધીની તસવીર મુકી દેવામાં આવી હતી

પરંતુ તે પૂર્વે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી અને કોંગ્રેસ પર વેધક ટિપ્પણીઓ થવા લાગી હતી. કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીએ આ ભૂલ પાછળ દોષનો ટોપલો સ્થાનિક કાર્યકરો પર ઢોળ્યો હતો. ગુગલમાંથી તસવીરો મેળવી હોવાથી આ ભુલ થઇ ગયાનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ભુલ બદલ પાર્ટીએ ટ્રેડ યુનિયનના આગેવાનને તાત્કાલીક સસ્પેન્ડ પણ કરી દીધા છે અને કાર્યકરોએ નેતાગીરીને પુછ્યા વિના બેનર મુક્યું હોવાનું જાહેર કર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે એમ કહ્યું કે યાત્રા ટીમને આ બેનર સાથે કાંઇ લાગતુ વળગતુ નથી

પરંતુ ભાજપ દ્વારા તક ઝડપીને કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ એવું ટવીટ કર્યું કે રાહુલ ગાંધીને મોડે મોડે સારી સમજણ આવી છે અને કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં વીર સાવરકરને સામેલ કર્યા છે. ભાજપના પ્રવકતા શહેઝાદ પુનાવાલાએ કહ્યું કે ઇતિહાસ સાથે ચેડા કરવાના રાહુલ ગાંધીના પ્રયત્નો સફળ થયા નથી. ભારત જોડો યાત્રામાં વિર સાવરકરની તસવીર પરથી તેમના વિરુધ્ધના રાહુલના જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement