ઈંગ્લેન્ડમાં જ રમાશે 2023-2025 WTCના ફાઈનલ: લોર્ડસ-ધ ઓવલ કરશે યજમાની

22 September 2022 11:55 AM
Sports
  • ઈંગ્લેન્ડમાં જ રમાશે 2023-2025 WTCના ફાઈનલ: લોર્ડસ-ધ ઓવલ કરશે યજમાની

આઈસીસીની બેઠકમાં લેવાયેલો નિર્ણય: ફાઈનલની તારીખ ટૂંક સમયમાં કરાશે જાહેરાત

નવીદિલ્હી, તા.22 : ક્રિકેટની સંચાલન સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ જાહેરાત કરી કે ધ ઓવલ અને લોર્ડસના મેદાન ક્રમશ: 2023 અને 2025માં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઈનલની મેજબાની કરશે. ઈંગ્લેન્ડને જૂલાઈમાં બર્મિંઘમમાં મળેલી આઈસીસીની વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન આગલા બે ડબલ્યુટીસી ફાઈનલ્સના મેજબાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ પહેલાં 2021 ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ પણ ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં રમાયો હતો.

2023 અને 2025 આઈઇીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના બન્ને સ્થળની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી તેની તારીખ જાહેર થઈ નથી. બન્ને ફાઈનલની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આઈસીસીના મુખ્ય અધિકારી જ્યોફ અલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું કે અમે ખુશ છીએ કે આવતાં વર્ષે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલનું મેજબાન ધ ઓવલ હશે અને ત્યારપછી અમે 2025નો ફાઈનલ લોર્ડસમાં કરાવશું.

તેમણે કહ્યું કે પાછલા વર્ષે ન્યુઝીલેન્ડ-ભારત વચ્ચે રમાયેલી ફાઈનલ અત્યંત રોમાંચક હતી અને મને પૂરો ભરોસો છે કે દુનિયાભરના ચાહકો ધ ઓવલમાં રમાનારા ફાઈનલનો આતૂરતાથી ઈન્તેજાર કરી રહ્યા હશે. મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના મુખ્ય કાર્યકારી અધિકારી લેવેન્ડરે કહ્યું કે અમે ઘણા જ ખુશ છીએ કે લોર્ડસ 2025માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેજબાની કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝન ચાર ઑગસ્ટથી શરૂ થઈ હતી અને તે આવતાં વર્ષે 31 માર્ચ સુધી ચાલશે. ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.


Related News

Loading...
Advertisement
Advertisement