ગજબ મુકાબલો: સાત રને છ વિકેટ પડી ગઈ છતાં મેચ જીતી લીધી !

22 September 2022 11:58 AM
Sports
  • ગજબ મુકાબલો: સાત રને છ વિકેટ પડી ગઈ છતાં મેચ જીતી લીધી !

16 વર્ષમાં પહેલીવાર બન્યો રેકોર્ડ: તમામ 40 વિકેટ પડી જતાં 750 બોલમાં મુકાબલો પૂર્ણ: જીત માટે 98 રનનો લક્ષ્યાંક અપાયો છતાં ટીમ 59 રનમાં જ ઑલઆઉટ

નવીદિલ્હી, તા.22 : ક્રિકેટના મેદાન ઉપર અનેક રોમાંચક મેચ જોવા મળતી હોય છે પરંતુ અમુક-અમુક મુકાબલા એવા પણ હોય છે જેના ઉપર વિશ્ર્વાસ કરવો થોડો કપરો બની જાય છે. ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયશિપમાં એસેક્સ-લંકાશાયર વચ્ચે આવી જ એક મેચ રમાઈ હતી. આ મેચ માત્ર 750 બોલમાં પૂર્ણ થઈ ગઈ અને 2006 બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપથી પૂર્ણ થનારો મુકાબલો બન્યો જેમાં તમામ 40 વિકેટ પડી ગઈ હોય.

આ મેચની વાત કરવામાં આવે તો ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલ લંકાશાયરની ટીમ માત્ર 131 રનમાં જ ઢેર થઈ ગઈ હતી. ટીમનો હાઈએસ્ટ સ્કોરર ટૉમ બેલી રહ્યો જેણે 24 રનની ઈનિંગ રમી હતી. એસેક્સ માટે સાઈમન હાર્મરે સૌથી વધુ પાંચ વિકેટ મેળવી હતી. આ પછી બેટિંગ કરવા ઉતરેલી એસેક્સની ટીમના બેટરોએ પણ નિરાશ કર્યા અને આખી ટીમ 107 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. આ નાના અમથા સ્કોર છતાં લંકાશાયરે 24 રનની લીડ મેળવી હતી. અસેક્સની પહેલી ઈનિંગમાં એલિસ્ટ કુકે 40 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે લંકશાયર વતી ટૉમ બેલી ચમક્યો જેણે પાંચ વિકેટ મેળવી હતી. 24 રનની લીડ સાથે બીજી ઈનિંગમાં લંકાશારનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું અને તેણે માત્ર સાત રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી

પરંતુ નીચલા ક્રમના બેટરની મદદથી લંકાશાયર બીજી ઈનિંગમાં 73 રન બનાવવામાં સફળ રહ્યું હતું. આમ લંકાશાયરે એસેક્સ સામે જીત માટે 98 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ સ્કોર સામે એસેક્સની આખી ટીમ માત્ર 59 રન જ બનાવી શકી અને લંકાશાયરે મેચ 38 રને જીતી લીધી હતી. બોલિંગમાં જ્યોર્જ બાલ્ડરસને પાંચ તો વિલ વિલિયમ્સે ચાર વિકેટ મેળવી હતી. અસેક્સ-લંકાશાયરના આ મુકાબલાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિલ્હી-ઓરિસ્સાની મેચનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. 2008માં આ બન્ને વચ્ચે રમાયેલી મેચ 773 બોલમાં પૂર્ણ થઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement