ભાવનગરમાં વેપારીને ધમકાવી શખ્સે રૂ.10 લાખની ખંડણી માંગી

22 September 2022 12:29 PM
Bhavnagar
  • ભાવનગરમાં વેપારીને ધમકાવી શખ્સે રૂ.10 લાખની ખંડણી માંગી

કોર્ટ કેસ પાછો ખેંચી લેવા પાલીતાણાનાં શિક્ષકને મહિલા સહિત બે શખ્સે ધમકી આપી

ભાવનગર, તા.22
ભાવનગર શહેરમાં ભીલવાડા સર્કલ, મદીના સોસાયટીમાં રહેતા વેપારીને તેના મોબાઇલમાં પોતાનો જ નંબર બતાવે તેવી ટેકનિકનો ઉપયોગ કરી આ જ વિસ્તારમાં રહેતા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.10 લાખની ખંડણી માગતા ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ભીલવાડા સર્કલ, બિલાલ મસ્જિદની સામે આવેલ અલમદીના સોસાયટી, ટેનામેન્ટ નં. 2 માં રહેતા અને આંબાચોક વિસ્તારમાં સવાઈગરની શેરીમાં દુલ્હા ફેશન નામની સુટ અને શેરવાનીની દુકાન ધરાવતા મહમદ રફીકભાઈ હરુનભાઈ મુલતાનીએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ જ વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે બાપુ સીદીકમિયા સૈયદ એ તેમના મોબાઈલમાં કોઈ ટેકનીક નો ઉપયોગ કરી પોતાનું નામ જ દર્શાવે તેમજ તેમના પત્નીના મોબાઇલમાં પણ પોતાનું જ નામ બતાવે એવી રીતનો ફેરફાર કરી મહમદ રફીકભાઈ મુલતાનીને ફોન કરી બહુ પૈસા ભેગા કર્યા છે હવે 12 કલાકમાં મને રૂપિયા દસ લાખ પહોંચાડી દેજે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ તેમના પત્નીના મોબાઈલ ઉપર પણ ફોન કરીને પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો તમારા દીકરા નું ધ્યાન રાખજો તેવી ધમકી આપી ફોન કાપી નાખ્યો હતો. આ ઘટના બાદ મહમદ રફીકભાઈએ ગંગાજળિયા પોલીસ મથકમાં અરજી આપી હતી, જેની સાજીદને ખબર પડતા તેણે રફિકભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અટકાવી તે અરજી કરી પરંતુ મને રૂપિયા દસ લાખ આપવા જ પડશે નહીતર સારા દીકરા આબુબકર અને તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે ગંગાજળિયા પોલીસે સાજીદ ઉર્ફે બાપુ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધમકી
પાલિતાણાની પંચશીલ સોસાયટીમાં રહેતા અને ગણેશનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા મણિલાલ હકાભાઇ ગોહિલના પુત્ર મયંકભાઇએ વર્ષ 2019 માં મુંબઈમાં રહેતા કાલિન્દા ઉર્ફે જ્યોત્સના ચંદ્રકાંત કેદાર અને અમિતકુમાર ઉર્ફે સમીર હૈદરઅલી ખાન ને રૂ.13,54,800 તેમના ખાતામાં ટ્રાન્સફર કરીને પતરા બનાવવા માટેનું કાચું મટીરીયલ મંગાવ્યું હતું. જે આ બંનેએ નાણા મેળવી માલ નહીં મોકલતા તેમની વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવેલ અને કોર્ટ કેસ ચાલી રહ્યો હોય કાલિન્દાબેન અને અમિત કુમારે મણિલાલને ફોન કરીને કોર્ટ કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી.પાલીતાણા ટાઉન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement