જસદણનાં બાખલવડ ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું

22 September 2022 12:36 PM
Jasdan
  • જસદણનાં બાખલવડ ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું
  • જસદણનાં બાખલવડ ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું

સમાજ નવ માંગણી બાબતે ચર્ચા-વિમર્શ: ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા : પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગેરહાજર રહેતા નારાજગી

(નરેશ ચોહલીયા) જસદણ, તા. 22
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ સમાજો પોતાની પડતર માંગણીઓને લઈને સંમેલનો અને દેખાવો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન જસદણ કોળી સમાજના પ્રમુખ શામજીભાઈ ડાંગરની આગેવાની હેઠળ યોજાયું હતું.

આ સંમેલનમાં કોળી સમાજના આગેવાન શામજીભાઈ ડાંગર, વિક્રમભાઈ સોરાણી, અવસરભાઈ નાકીયા સહિતના કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનનો હેતુ એ હતો કે અમારા સમાજમાં જે કુરિવાજો છે તેને દુર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવી. બીજું અમારા સમાજની નવ માંગણીઓ પડતર છે જેને સરકાર તાત્કાલિક સ્વીકારે તેવી માંગ કરવામાં આવી હતી. આ તકે જે પાર્ટી અમારા સમાજને સહકાર આપશે તે પાર્ટી સાથે અમે રહેશું તેવું જસદણ તાલુકા કોળી સમાજના પ્રમુખ શામજીભાઈ ડાંગરે જણાવતા રાજકારણ ગરમાયું હતું.

જસદણના બાખલવડ ગામે યોજાયેલ આ મહાસંમેલનમાં હાજર રહેવા જસદણ-વિંછીયા તાલુકાના તમામ કોળી સમાજના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. છતાં આ સંમેલનમાં જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ બન્ને ગેરહાજર રહેતા ઉપસ્થિત સમાજના આગેવાનોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. આ મહાસંમેલનમાં ગેરહાજર રહેલા કુંવરજી બાવળીયા અને ભોળા ગોહિલને નિશાન બનાવી જાહેરમાં એક કોળી સમાજના આગેવાન દ્વારા સૌની હાજરીમાં કહેવામાં આવ્યું હતું કે, કોળી સમાજના બે વ્યક્તિને ગાંધીનગર મોકલ્યા અને એક વ્યક્તિને ધારાસભ્ય બનાવ્યા એ પણ વેચાઈ ગયા તેવું જણાવતા ચકચાર મચી ગઈ હતી.

આ અંગે જસદણ કોળી સમાજના પ્રમુખ શામજીભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, અમારા સમાજ સાથે ઘણા અન્યાયો થઈ રહ્યા છે. અમારો સમાજ ખુબ મોટો અને પછાત હોવાથી અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગમમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ખુબ ઓછી છે. જેથી સરકાર દ્વારા અમારા સમાજને 5 હજાર કરોડની ગ્રાન્ટ આપવી જોઈએ. આ સંમેલનનો હેતુ એ છે કે અમારા સમાજમાં જે કુરિવાજો છે તેને દુર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવી. બીજું અમારા સમાજની નવ માંગણીઓ પડતર છે જેને સરકાર તાત્કાલિક સ્વીકારે તેવી અમારી માંગણી છે.


Loading...
Advertisement
Advertisement