હળવદમાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

22 September 2022 01:16 PM
Morbi
  • હળવદમાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા માંગણી

(પ્રશાંત જયસ્વાલ / વિશાલ જયસ્વાલ) હળવદ, તા.22
હળવદમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીને મળતા લાભો આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાયેલ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ કચેરીઓમાં આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજીત 15 હજાર સુધીની ચુકવણી કરવામાં આવે છે.

પરંતુ એજન્સીઓ દ્વારા આઉટસોર્સ કર્મચારીઓને માત્ર 4 હજારથી 8 હજાર સુધીનું વેતન ચુકવવામાં આવે છે. તેમજ પીએફ પણ કેટલીક એજન્સીઓ દ્વારા આપવામાં આવતું નથી. આઉટસોર્સ કર્મચારીઓ ચૂંટણી કામગીરી, સેવાસેતુ, કોરોના કામગીરી તેમજ પુર રાહત સહિતની કામગીરી કરી છે. તેમ છતાં વર્ષોથી પગારમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. અને મહિનાના દિવસોમાં રજા કાપી પગાર ચૂકવવામાં આવે છે. જેથી હાલ મોંઘવારીના સમયમાં ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ બન્યું છે.

આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ વેતન આપવામાં આવતું નથી. જેથી આઉટસોર્સના કર્મચારીઓને સરકાર દ્વારા એજન્સીઓ મારફત ચુકવવામાં આવતું વેતન ડાયરેક્ટ કર્મચારીઓના ખાતામાં ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. અને જો પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.


Loading...
Advertisement
Advertisement