મોરબીના સિમ્પોલો સિરામિકમાં લોડરની હડફેટે સિક્યુરિટી મેનનું મોત

22 September 2022 01:19 PM
Morbi
  • મોરબીના સિમ્પોલો સિરામિકમાં લોડરની હડફેટે સિક્યુરિટી મેનનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબીના સામાકાંઠે આવેલા જુના ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સિરામિકમાં ગઈકાલ બપોરના સમયે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં કારખાનામાં ચાલતા લોડરની ઝપટે ચડી જતા કારખાનામાં સિક્યુરિટી મેન તરીકે કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સીરામીકમાં રહીને સિક્યુરિટી મેન તરીકે કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની શિવાંશુ રામપાલસિંહ યાદવ નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે કારખાનાની અંદર લોડરની હડફેટે ચડી જતા અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. જેથી તેના મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા તપાસ કરવામાં આવી હતી

જેમાં ખુલ્યું હતું કે મૃતક શિવાંશુ અપરણીત હતો અને મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે.હાલ છેલ્લા થોડા સમયથી તે મોરબીના સિમ્પોલો સીરામીકમાં સિક્યુરિટી મેન તરીકે કામ કરતો હતો અને ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં તે કારખાનાના ગ્રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં લોડર ચાલકને સુપડાના લીધે શિવાંસુ ન દેખાતા અને મૃતક શિવાંશુનું પણ લોડર અંગે ધ્યાન ન રહેતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં લોડરનો આગળનો ભાગ શિવાંશુને ગળાના ભાગે લાગતા ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું હાલ મૃતકના પરિવારજનોને જાણ કરી ફરિયાદ લેવા માટે તાલુકા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
જામનગરની પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ઈશ્ર્વરભાઈ ગોરી નામના 58 વર્ષના આધેડને કચ્છ ભચાઉના વોંઘ ગામ નજીક આવેલ ધનરાજ હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં ઇજા થતા તેમને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા લીલાબેન મૂળજીભાઈ કુરિયા નામના 54 વર્ષીય આધેડ મહિલા વાઘપરથી માતાના મઢ જતા હતા ત્યારે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ વોંઘ ગામ પાસે આવેલ બજરંગ હોટલ સામે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા લીલાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આધેડ સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ સોઓરજી વિસ્તારમાં સેવા સદન રોડ ઉપર રહેતા મનસુખભાઈ દેવરામભાઈ સવાડીયા નામના 52 વર્ષના આધેડ સામાકાંઠે મોટરસાયકલમાં જતા હતા ત્યારે ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા પાટીદળ ગામનો રહેવાસી અનિલ ગોરધનભાઈ ગોહિલ નામનો 15 વર્ષીય સગીર રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર આવેલ આશાપુરા ચોકડી નજીક હતો ત્યાં કોઇ બાઈક ચાલકે તેને હડફેટે લેતા અનિલને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.


Loading...
Advertisement
Advertisement