મોરબીમાં હુન્ડાઇ શોરૂમની તિજોરીમાંથી રૂા. સાડા ત્રણ લાખની ચોરી: પોલીસ દોડી

22 September 2022 02:28 PM
Morbi
  • મોરબીમાં હુન્ડાઇ શોરૂમની તિજોરીમાંથી રૂા. સાડા ત્રણ લાખની ચોરી: પોલીસ દોડી

શનાળા રોડ પર ચાર તસ્કરો ત્રાટકયા: સીસીટીવીના આધારે તપાસ શરૂ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે આવેલ હુન્ડાઈના શોરૂમમાં રાત્રી દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ઓફિસમાં મુકેલ તિજોરીમાંથી રોકડા 3.55 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી જતા હાલમાં શોરૂમના સિક્યુરિટી ગાર્ડ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર ઈસમોની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. શોરૂમમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને પોલીસે આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરની બાજુમાં રહેતા ધીરુભા અલુભા જાડેજા દરબાર (70) એ હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે આવેલ ઈક્વિટી હુંડાઈના શોરૂમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે તા.20 ના રોજ રાત્રિના એક થી દોઢ વાગ્યા દરમ્યાન અજાણ્યા ચાર ઇસમો શોરૂમમાં આવ્યા હતા અને ત્યારે ઓફિસની તિજોરીમાં રાખેલા રોકડા 3,55,209 ની ચોરી કરી ગયેલ છે.

શોરૂમના સિક્યુરિટી ગાર્ડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસ દ્વારા શો રૂમના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવ્યા છે અને ચોરી કરનારા આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.


Loading...
Advertisement
Advertisement