ઊંડ ડેમમાં માછીમારી કરવા ગયેલો બાર વર્ષનો બાળક પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ડૂબ્યો

22 September 2022 03:26 PM
Jamnagar
  • ઊંડ ડેમમાં માછીમારી કરવા ગયેલો બાર વર્ષનો બાળક પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ડૂબ્યો

જામનગર તા.22: જોડીયામાં ઉન્ડ-2 ડેમ માં માછીમારી કરવા માટે ગયેલા 12 વર્ષના બાળકનું ડેમના પાટિયામાંથી છોડાઈ રહેલા પાણીના પ્રવાહના કારણે તળાઈ જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે. જ્યારે તેના મામા અને નાના નો બચાવ થયો છે. આ બનાવવાની વિગતે એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના ખેડૂત વિનોદભાઈ ભાણજીભાઈ ભંડેરીની વાડીમાં રહીને પોતાના પિતા- મામા અને નાના વગેરે સાથે રહીને ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના પરિવારનો 12 વર્ષનો બાળક જગદીશ કરણભાઈ માવી,

કે જે ગઈકાલે ઉન્ડ-2 ડેમમાં પોતાના મામા અને નાના સાથે માછીમારી કરવા માટે ગયો હતો, જે ડેમમાં એક પાટિયું ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું હતું. દરમિયાન તેનો પગ લપસી જતાં જે સ્થળે પાણી છોડાઈ રહ્યું હતું, ત્યાંથી માછલી પકડતી વખતે પગ લપસી જતાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ સમયે ત્યાં હાજર રહેલા તેના મામા અને નાના વગેરેએ તેને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

એક તબક્કે તેના નાના પણ ડૂબવા લાગ્યા હતા. પરંતુ તેઓનો બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં જોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સૌ પ્રથમ ડેમનું પાટિયું બંધ કરાવી દેવાયું હતું. અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ભારે શોધખોળ પછી બાળક જગદીશ કરણભાઈ માવી નો મૃતદેહ મળી આવ્યો હતો. તે મૃતદેહ નો જોડિયા પોલીસે કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement