ચૂંટણી તૈયારી પુરજોશમાં : 22000નો સ્ટાફ : 35 ચેકપોસ્ટ શરૂ થશે

22 September 2022 04:27 PM
Rajkot Gujarat Politics
  • ચૂંટણી તૈયારી પુરજોશમાં : 22000નો સ્ટાફ : 35 ચેકપોસ્ટ શરૂ થશે

► રાજકોટ શહેરમાં 13 અને જિલ્લામાં 22 ચેકપોસ્ટ

► સંવેદનશીલ બુથોની કલેક્ટર અને પોલીસ અધિકારીઓ દ્વારા તપાસણી

► વીડિયોગ્રાફી-સર્વેલન્સ સ્ટાફ માટે કાલથી શરૂ થશે તાલીમ

► ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ અને સ્ટાફ માટે ડેટાબેઝ તૈયાર

► SMS મોનીટરીંગ શરૂ કરાશે : ગત ચૂંટણીની સાપેક્ષમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો

રાજકોટ,તા. 22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ ઇલેકશન મોડમાં આવી ગયેલ છે. રાજકોટ શહેર-જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકોટ શહેરમાં 13 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 22 મળી કુલ 35 જેટલી ચેકપોસ્ટો શરુ કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે આ ચેકપોસ્ટો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ શરુ કરાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે રોકડ અને દારુની હેરફેર થતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે ત્યારે આ વખતે આવી ઘટનાઓ ન ઘટે તે માટે વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આ 35 જેટલી ચેકપોસ્ટો કાર્યરત થશે.

જેના પર ફરજ બજાવનાર સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટાફ માટે આવતીકાલથી ટ્રેનીંગ (તાલીમ) વર્ગ પણ શરુ થશે. આ ઉપરાંત શહેર-જિલ્લામાં જે મતદાન બૂથો સંવેદનશીલની યાદીમાં મુકાયા છે તેની તપાસણી પણ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા શરુ કરી દેવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં 22,000 જેટલા કર્મચારીઓની જરુર પડશે. જો કે આ વખતે સ્ટાફની થોડી ખેંચાખેંચી રહેલી છે. ચૂંટણી કામગીરી માટે 18,800 કર્મચારીઓની તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 4000 કર્મચારીઓની યાદી તૈયાર થઇ રહી છે. તેની સાથોસાથ ચૂંટણી માટે વાહનો, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ અંગે ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે. ચૂંટણીની સુચારુ વ્યવસ્થા માટે એસએમએસ મોનીટરીંગ પણ શરુ કરાશે.

કલેક્ટર અરુણ મહેશ બાબુએ વિશેષમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનનો રેશિયો વધે તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 70 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવી રહયો છે. દિવ્યાંગો અને યુવાનો વધુને વધુ મતદાન કરે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ માટે શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ આગામી સમયમાં આયોજીત કરવામાં આવશે.

ઓગસ્ટ-2023થી એઇમ્સ ફૂલફલેઝમાં ધમધમશે : છાપરામાં નવી GIDC
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પરાપીપળીયા ખાતે એઇમ્સની કામગીરી ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. નિશ્ચિત સમયમર્યાદામાં એઇમ્સની તમામ કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ચાલુ માસના અંત સુધીમાં એઇમ્સ ખાતે તબીબી છાત્રોની હોસ્ટેલ કાર્યરત થઇ જશે તેમજ ડીસેમ્બરથી એક વોર્ડમાં આઈપીડી પણ શરુ કરી દેવામાં આવનાર છે. એઇમ્સ ફુલફલેઝમાં ઓગસ્ટ-2023માં ધમધમતી થઇ જશે.

વધુમાં અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ નજીકના છાપરા ખાતે નવી જીઆઈડીસી પણ શરુ કરાશે. આ જીઆઈડીસી શરુ થતા જ રાજકોટ વિસ્તારનાં ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. તેની સાથોસાથ નવી રોજગારીનું પણ સર્જન થશે.

સોમવારે કલેક્ટર ગાંધીનગરમાં : ચૂંટણીની કામગીરી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ કરશે સમીક્ષા
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ એકશનમાં આવી ગયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ આગામી તા. 26થી બે દિવસ ગાંધીનગર ખાતે પડાવ નાખી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કરાયેલ તૈયારીઓની સમીક્ષા કરનાર છે. દરમિયાન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ પણ રાજકોટ જિલ્લાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી પંચ સમક્ષ પ્રેઝન્ટેશન કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

કાલે સ્પોર્ટસ હોસ્ટેલ, સ્પોર્ટસ સંકુલ અને સખી વન સ્ટોપ સેન્ટરનું થશે લોકાર્પણ
રાજકોટ શહેરના રેસકોર્સ નજીક સ્પોર્ટસ હોસ્ટેલ તેમજ કાલાવડ રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું લોકાર્પણ આવતીકાલે તા. 23ને શુક્રવારે કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતું કે, આ સ્પોર્ટસ હોસ્ટેલ અને સ્પોર્ટસ કોમ્પલેક્સના લોકાર્પણની સાથોસાથ સરકારી હોસ્પિટલ પીડીયુમાં સખી વન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ કરાશે.

વડાપ્રધાનની જામકંડોરણાની મુલાકાત સંદર્ભે કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો કાલે સ્થળ મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.11મીના જામકંડોરણાની મુલાકાત લેનાર હોય વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં કલેક્ટર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ આવતીકાલે જામકંડોરણાની સ્થળ મુલાકાતે જનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પડઘમ વાગતા વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હુતની યાદીઓ પણ તૈયાર થવા લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે.Related News

Loading...
Advertisement
Advertisement