સંઘ વડા ભાગવત દિલ્હીની મસ્જીદે ચીફ ઈમામ ઈલ્યાસીને મળવા ગયા

22 September 2022 04:42 PM
India
  • સંઘ વડા ભાગવત દિલ્હીની મસ્જીદે ચીફ ઈમામ ઈલ્યાસીને મળવા ગયા

♦ સંઘની મુસ્લિમો પ્રત્યે વધી નજદીકિયા!

♦ મુલાકાતનો હેતુ આંતરરાષ્ટ્રીય મુસ્લિમ બિરાદરીમાં ભારતની છબી સુધારવાનો કે કોઈ મોટી યોજના?: રાજકીય વર્તુળોમાં ચર્ચા

નવી દિલ્હી તા.22
એક બાજુ મુસલમાનોના એક જૂથનો આરએસએસ સામે અસંતોષ અને નારાજગી છે ત્યારે માનવામાં આવે છે કે મુસ્લિમોને મનાવવા, રાજી કરવા સંઘ દ્વારા સતત કોશિશો થઈ રહી છે.

ત્યારે મુસલમાન વિના ભારત અધુરું હોવાની વાત કરનાર સંઘ પ્રમુખ મોહન ભાગવત ઓલ ઈન્ડિયા તમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડો. ઈમામ ઉમર અહમદ ઈલ્યાસીને મળવા મસ્જીદ પહોંચ્યા હતા. આ મામલે રાજકીય ગરમી વધતા સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે આ મુલાકાત એક સામાન્ય સંવાદ પ્રક્રિયાનો ભાગ છે.

ભાગવતની બંધ રૂમમાં એક કલાક ઈલ્યાસી સાથે મુલાકાત ચાલી હતી. ભાગવત સાથે આ મુલાકાતમાં સંઘના વરિષ્ઠ પદાધિકારી કૃષ્ણ ગોપાલ, રામલાલ, ઈન્દ્રેશકુમાર હતા. આ મુલાકાત પહેલા પણ ભાગવતે મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર એસ.વાય.કુરેશી દિલ્હીના પુર્વ ઉપરાજયપાલ નજીબ જંગ સહિત અનેક મુસ્લીમ બુદ્ધિજીવીઓના એક સમૂહ સાથે મુલાકાત કરી હતી.

એવી પણ ચર્ચા છે કે આગામી દિવસોમાં ભાગવત કાશ્મીરના કેટલાક મુસ્લીમ નેતાઓની મુલાકાત કરી શકે છે. માનવામાં આવે છે કે આરએસએસ અને ભાજપના નેતાઓ સતત મુસલમાનોને મનાવવાની કોશીશ કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ ભાજપની હૈદ્રાબાદ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એલાન કર્યું હતું કે પાર્ટીનું મિશન મુસલમાનોની નજીક પહોંચવાનું હોવું જોઈએ. સંઘ અને ભાજપની મુસલમાનો પ્રત્યે આવેલા આ પરિવર્તનનું કારણ શું છે? આંતરરાષ્ટ્રીય મુસ્લીમ બિરાદરીમાં ભારતની છબી બહેતર કરવાની કોશીશ છે કે આ બદલાવથી સંઘ કોઈ મોટી યોજના બનાવી રહ્યું છે તે પ્રશ્ર્ન છે. સંઘે અનેકવાર કહ્યું છે કે તેને મુસલમાનો સામે કોઈ પરેશાની નથી, જે ભારતને પોતાની માતૃભૂમિ માને છે. ભાગવતે અગાઉ કહેલું હિન્દુ અને મુસલમાનોના ડીએનએ એક છે.


Related News

Loading...
Advertisement
Advertisement