રૈયાધારમાં મહિલાએ બજર દઈ પિચકારી મારતાં બે પરિવાર બાખડયા: બે ઘવાયા

22 September 2022 05:58 PM
Rajkot Crime
  • રૈયાધારમાં મહિલાએ બજર દઈ પિચકારી મારતાં બે પરિવાર બાખડયા: બે ઘવાયા

લક્ષ્મી ભરવાડે અહીં પિચકારી મારવી નહીં તેવું કહેતાં મામલો બીચકયો: લાકડી અને પાઈપથી થયેલ મારામારીમાં સગીરા સહિત બેને ઇજા પહોંચતા સારવારમાં ખસેડયા ફરિયાદ નોંધાઈ

રાજકોટ તા. 22
રૈયાધારમાં રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં દેવીપૂજક મહિલાને બજરનું બંધાણ હોઇ જેથી બજર દીધા બાદ પીચકારી મારતાં પડોશમાં રહેતી યુવતિ સાથે બોલાચાલી થયા બાદ બંનેના પરિવારજનો દોડી આવ્યા હતાં અને લાકડી અને પાઈપથી સામસામી મારામારી થતાં બે લોકોને ઇજા થઇ હતી.જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે વિજય મનસુખભાઇ સોલંકી (ઉ.22) પોતાના પર સાંજે પડોશી જીણાભાઇ ભરવાડ અને તેની દિકરીએ પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. સામા પક્ષે લક્ષ્મી જીણાભાઇ ધોળકીયા (ઉ.17) પણ પોતાને વિજય અને તેની સાથેના લોકોએ લાકડીથી ફટકાર્યાની ફરિયાદ સાથે હોસ્પિટલે પહોંચતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ યુનિવર્સિટી પોલીસમાં જાણ કરી હતી.
વિજયની ફરિયાદ પરથી પોલીસે લક્ષ્મી, તેના માતા કાશીબેન અને પિતા જીણાભાઇ લખુભાઇ ધોળકીયા સામે ગુનો નોંધ્યો છે. વિજયએ વધુમાં જણાવ્યું હતું કે, હું માલઢોરનું અને છુટક ભંગારનું કામ કરૂ છું.

સાંજે હું ઘર પાસે ચોકમાં હતો ત્યારે મારી માતા લક્ષ્મીબેન નજીકમાં હકાભાઇની દૂકાનેથી બજર લઇને આવતાં હતાં અને તેણે બજર દીધા બાદ પડોશી જીણાભાઇના ઘર નજીક થુંકતા તેની દિકરી લક્ષ્મી ઉર્ફ લખીએ મારા મમ્મી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતાં હું સમજાવવા જતાં મારા પર પાઇપથી હુમલો કરી ઇજા પહોચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ સ્થળે લોકો એકઠાં થઇ જતાં લક્ષ્મી અને તેના માતા-પિતા ભાગી ગયા હતાં.બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ બાલસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી હતી. સામા પક્ષે લક્ષ્મી જીણાભાઇ ધોળકીયા પણ સારવાર માટે દાખલ થતાં પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement