રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 27 પૈકી 20 અને જામનગરનાં 22માંથી 15 ડેમો છલકાઈ ગયા

22 September 2022 05:59 PM
Rajkot
  • રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 27 પૈકી 20 અને જામનગરનાં 22માંથી 15 ડેમો છલકાઈ ગયા

► સૌરાષ્ટ્ર માટે ચોમાસુ ફળદાયી રહ્યું : 84 પૈકી 62 ડેમો ઓવરફલો થઇ ગયા

► દ્વારકામાં પણ લીલાલહેર, એક ડઝનમાંથી 11 ડેમો છલોછલ : મોરબીનાં 7 ડેમોમાં 100 ટકા પાણી : જો કે, સુરેન્દ્રનગર જિલ્લો તરસ્યો રહ્યો ! 11 ડેમોમાં માત્ર 47 ટકા જળસંગ્રહ

રાજકોટ,તા. 22 : ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ ખુબ જ ફળદાયી રહેવા પામ્યું છે. ગઇકાલે ચોમાસાએ કચ્છથી સત્તાવાર વિદાય લઇ લીધી છે ત્યારે ચાલુ વર્ષનું ચિત્ર જોઇએ તો ચાલુ વર્ષે સર્વત્ર સાર્વત્રિક વરસાદના પગલે પાક-પાણીનું ચિત્ર ખુબ ઉજળુ બની ગયું છે અને સમગ્ર રાજ્યમાં લીલાલહેર થઇ જવા પામ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતિ જોઇએ તો સૌરાષ્ટ્ર માટે પણ ચોમાસુ ખુબ જ સારું રહેવા પામ્યું છે અને રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના જુદા-જુદા 84 ડેમો પૈકી 62 ડેમો ઓવરફલો થઇ જવા પામ્યા છે.

જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના 27 પૈકી 20 અને જામનગર જિલ્લાના 22માંથી 15 ડેમો છલકાઈ ગયા છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં મેઘરાજાની કૃપાથી લીલાલહેર થઇ ગયા છે અને દ્વારકા જિલ્લાના એક ડઝનમાંથી 11 ડેમો છલોછલ થઇ ગયા છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના 10 ડેમો પૈકી 7 ડેમો પણ ઓવરફલો થઇ ગયા છે જો કે સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર જિલ્લો ભરપૂર ચોમાસુ છતા તરસ્યો રહી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 47 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

દરમિયાન રાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ, રાજકોટ શહેર અને જિલ્લાનાં આજી, ભાદર, ન્યારી, મોજ, ફોફળ, વેણુ-2 સહિતના 20 ડેમો ચાલુ ચોમાસુ સિઝન દરમિયાન ઓવરફલો થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં કુલ 27 જેટલાં ડેમો છે. જે પૈકી 20 ડેમો છલોછલ થઇ જતાં રાજકોટ જિલ્લામાં પાક અને પાણીનું ચિત્ર ખુબ ઉજળુ થઇ ગયું છે. રાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં આજની સ્થિતિએ 97 ટકા જેટલું પામી સંગ્રહ થઇ ગયું છે. જેના કારણે પીવાના પાણીની સમસ્યા તો નહીં જ રહે પરંતુ ખેડૂતોને જરુરિયાત મુજબ સિંચાઈનું પુરતુ પાણી પણ આપી શકાશે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી જિલ્લામાં પણ સારા વરસાદના પગલે પાક અને પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે.

મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાં આજની સ્થિતિએ 82.66 ટકા નિરનો સંગ્રહ થઇ ગયો છે જ્યારે મોરબી જિલ્લાના મચ્છુ-1, મચ્છુ-2, ડેમી-2, ઘોડાધ્રોઇ, બંગાવડી, મચ્છુ-3 અને ડેમી-3 સહિતના 7 ડેમોમાં 100 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થઇ ગયો છે. આ જ રીતે જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ પાણી-પાણી કરી દેતા જામનગર જિલ્લાનાં 22 પૈકી 16 ચોમાસુ સિઝનમાં ડેમો ઓવરફલો થઇ જવા પામ્યા છે. સિંચાઈ વિભાગના સુત્રો અનુસાર જામનગર જિલ્લામાં કુલ 22 ડેમો આવેલા છે

જેમાં 96 ટકા નીરનો સંગ્રહ આજની સ્થિતિએ છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ લીલાલહેર કરાવી દીધા હોય 12માંથી 11 ડેમો ચોમાસુ સિઝનમાં ઓવરફલો થઇ ગયા છે અને આજની સ્થિતિએ દ્વારકા જિલ્લાના એક ડઝન ડેમોમાં 73 ટકા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. જો કે ભરપૂર વરસાદ છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સ્થિતિ થોડી ચિંતાજનક દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 11 ડેમો આવેલા છે. જેમાં આજની સ્થિતિએ માત્ર 47 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને માત્ર વાસલ તથા ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement