બાબરની સદી-રિઝવાનની સટાસટી: પાકિસ્તાને વિના વિકેટે હાંસલ કર્યો 200 રનનો લક્ષ્યાંક

23 September 2022 10:00 AM
India Sports World
  • બાબરની સદી-રિઝવાનની સટાસટી: પાકિસ્તાને વિના વિકેટે હાંસલ કર્યો 200 રનનો લક્ષ્યાંક

ઈંગ્લેન્ડ સામે બીજી ટી-20માં પાકિસ્તાનનો 10 વિકેટે વિજય: બાબરે 62 બોલમાં સદી કરી પૂર્ણ; રિઝવાને ઝૂડ્યા 88 રન: બાબરે ટી-20માં પોતાની બીજી સદી બનાવી

નવીદિલ્હી, તા.23
પાકિસ્તાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજા ટી-20 મુકાબલામાં 10 વિકેટે જીત હાંસલ કરી છે. પહેલાં બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી 199 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન મોઈન અલીની અણનમ 55 રનની ઈનિંગ મુખ્ય હતી. જો કે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને વિકેટકિપર મોહમ્મદ રિઝવાનની તોફાની ભાગીદારીથી આ મુકાબલામાં પાકિસ્તાન ટીમે બાજી મારી લીધી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિના વિકેટે હાંસલ કરવામાં આવેલો આ સૌથી મોટો લક્ષ્યાંક છે.

બાબર આઝમે ટી-20 ક્રિકેટમાં પોતાની બીજી સદી બનાવી છે. તેણે 62 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી સદી પૂર્ણ કરી હતી. તેના બેટમાંથી 66 બોલમાં 110 રનની ઈનિંગ નીકળી હતી. એશિયા કપમાં બાબરનું બેટ શાંત હોય તેવી રીતે તેણે છ મેચમાં માત્ર 68 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં 31 રન બનાવ્યા બાદ હવે બીજી મેચમાં તેણે સદી ફટકારી છે. પાકિસ્તાને અંતિમ ઓવરમાં 203 રન બનાવીને મેચને પોતાના નામે કરી લીધી હતી.

બીજી બાજુ દુનિયાના નંબર વન ટી-20 બેટર મોહમ્મદ રિઝવાન 51 બોલમાં 88 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ હતા. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં છઠ્ઠીવાર કોઈ ઓપનિંગ જોડીએ 200 અથવા તેનાથી વધુ રનની ભાગીદારી કરી છે. પાકિસ્તાન માટે બાબર અને રિઝવાને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. બન્નેએ પાછલા વર્ષે આફ્રિકા વિરુદ્ધ 197 રન બનાવ્યા હતા.

આ પહેલાં ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર સોલ્ટ અને એલેક્સ હેલ્સે ઝડપી શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 42 રનની ભાગીદારી થઈ હતી. શાહનવાઝ દહાનીએ બે બોલમાં હેલ્સ (26 રન) અને ડેવિડ મલાન (0 રન)ને આઉટ કરી પાકિસ્તાનને મેચમાં લાવી દીધું હતું. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલા બેન ડકલેટે ઈનિંગ સંભાળતાં ઝડપથી રન બનાવ્યા હતા. અંતમાં કેપ્ટન મોઈન અલીએ 23 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. તેની ઈનિંગે ઈંગ્લેન્ડને 199 રન સુધી પહોંચાડી દીધી હતી. પાકિસ્તાન માટે દહાની અને હારિસ રઉફે બે-બે વિકેટ મેળવી હતી. પાકિસ્તાનની આ જીત સાથે જ સાત મેચની શ્રેણી એક-એકથી બરાબર થઈ ગઈ છે.

બાબર-રિઝવાન સ્વાર્થી છે: શાહિન આફ્રિદીએ શા માટે કરવું પડ્યું આવું ટવીટ ?
પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 200 રનના લક્ષ્યાંકને વિનાવિકેટે હાંસલ કરીને અનેક રેકોર્ડ બનાવી લીધા છે. બીજી બાજુ બાબર-રિઝવાનની આ ઈનિંગની મદદથી શાહિન આફ્રિદીની ખુશીનો પાર રહ્યો નથી. તેણે એવા લોકોને પોતાના ટવીટ થકી નિશાન બનાવ્યા જે આ પહેલાં બાબર અને રિઝવાનની ટીકા કરી રહ્યા હતા. આફ્રિદીએ ટવીટ કરીને લખ્યું કે મને લાગે છે કે હવે આપણને કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની છૂટકારો મળી જવો જોઈએ. આ બન્ને કેટલા સ્વાર્થી છે ! જો યોગ્ય રીતે રમ્યા હોત તો મેચ 15 ઓવરમાં જ પૂર્ણ થઈ ગઈ હોત પણ આ બન્ને છેલ્લે સુધી લઈ ગયા હતા. આ મુદ્દાને લઈને આંદોલન કરવું જોઈએ કે નહીં ?

બાબર બન્યો ‘બાહુબલી’ એક સાથે બનાવ્યા પાંચ રેકોર્ડ: કોહલી-ઈન્ઝમામ છૂટ્યા પાછળ
ઈંગ્લેન્ડ સામે સદી બનાવીને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે અનેક રેકોર્ડ બનાવ્યા છે. બાબર પાકિસ્તાન વતી ટી-20માં બે સદી બનાવનારો પ્રથમ બેટર બન્યો છે. આ પહેલાં અહમદ શહેઝાદ અને મોહમ્મદ રિઝવાન એક એક સદી બનાવી ચૂક્યા છે. આ સાથે જ તેણે ટી-20 ક્રિકેટમાં પોતાના 8000 રન પૂર્ણ કરી લીધા છે. આ મામલે તેણે કોહલીને પાછળ છોડ્યો છે. બાબરે 218 ઈનિંગમાં 8000 રન પૂર્ણ કર્યા છે જ્યારે કોહલી 243 ઈનિંગમાં આવું કરી શક્યો હતો.

આ ઉપરાંત પાકિસ્તાન વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી બનાવનારો ખેલાડી બન્યો છે. તેની ત્રણેય ફોર્મેટની મળી 10 સદી થઈ છે. એશિયન ખેલાડી તરીકે ટી-20માં સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ પણ બાબરે બનાવ્યો છે. તેણે સાત સદી બનાવી છે જ્યારે કોહલી, રાહુલ, રોહિતે છ-છ સદી બનાવી છે. ટી-20માં કેપ્ટન તરીકે સૌથી વધુ 50+નો સ્કોર પણ બાબરે ઝ બનાવ્યો છે. તેણે 18 વખત આવું કર્યું છે જ્યારે કોહલી 13 વખત આવું કરી ચૂક્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement