ટીમ ઈન્ડિયા માટે શ્રેણીની સાથે જ આબરૂ પણ દાવ પર: વરસાદ બની શકે છે ‘વિલન’

23 September 2022 11:45 AM
Sports
  • ટીમ ઈન્ડિયા માટે શ્રેણીની સાથે જ આબરૂ પણ દાવ પર: વરસાદ બની શકે છે ‘વિલન’

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બીજી ટી-20: જો આજે ટીમ ઈન્ડિયા હારી તો શ્રેણી ગુમાવશે જ સાથે સાથે ત્રણ વર્ષથી ઘરમાં નહીં હારવાનો સિલસિલો પણ તૂટશે

નવીદિલ્હી, તા.23 : રોહિત એન્ડ કંપનીની આજે આબરૂની સાથે જ શ્રેણી પણ દાવ ઉપર લાગેલી છે. ભારતીય ટીમે જો ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણીમાં ટકી રહેવું હો તો આજે બીજી ટી-20માં પોતાની કમીઓને દૂર કરીને કોઈ પણ ભોગે જીતવું જ પડશે. નાની અમથી ભૂલ તેને વિશ્વકપ પહેલાં મોટો ઝટકો તો આપશે જ સાથે સાથે પાછલા ત્રણ વર્ષથી ઘરમાં ટી-20 શ્રેણી ન હારવાના તેના અજેય અભિયાનને પણ રોકી દેશે. ટીમને ઘરઆંગણે છેલ્લી હાર 2019ના ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામે મળી હતી.

ત્યારબાદથી ભારતે ઘરમાં નવ શ્રેણી રમી જેમાંથી સાતમાં જીત મેળવી અને બે શ્રેણી ડ્રો રહી હતી. બીજી બાજુ નાગપુરમાં આજે વરસાદ પણ વિલન બની શકે છે. મોહાલીમાં રમાયેલી પહેલી મેચમાં ભારતીય ટીમ મોટો સ્કોર પણ બચાવી શકી નહોતી. પોતાના ચાર સ્ટાર ખેલાડીઓ વગર પહોંચેલી ઑસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને ખરાબ રીતે ધોઈ હતી. એશિયા કપની જેમ જ અહીં પણ ભારતીય બોલરો નિષ્ફળ સાબિત થયા હતા. બેટિંગ માટે અનુકુળ પરિસ્થિતિઓમાં ભારતીય બોલરોની નબળાઈ સામે આવી હતી.

ભારતે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પહેલાં ઘરઆંગણે હજુ પાંચ મેચ રમવાની છે અને આટલી જ મેચમાં તેણે પોતાની નબળાઈઓ દૂર કરવી પડશે. જસપ્રિત બુમરાહની વાપસીથી બોલિંગને ધાર મળશે. સૂર્યકુમાર યાદવે કહ્યું કે બુમરાહને લઈને ચિંતાની કોઈ જ વાત નથી. આ ફાસ્ટ બોલર પીઠની ઈજામાંથી બહાર આવીને મેદાન ઉપર ઉતરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પ્રથમ મેચમાં તે રમી શક્યો નહોતો કેમ કે ઈજામાંથી વાપસી કરી રહેલા બુમરાહને ટીમ મેનેજમેન્ટે થોડો વધુ સમય આપવાનો નિર્ણય લીધો હતો.ભારતીય ટીમ પોતાના ફાસ્ટ બોલિંગ એટેકને લઈને ચિંતીત છેજેમાં ઑલરાઉન્ડર હાર્દિક પણ સામેલ છે

કેમ કે તેણે છેલ્લી 14 ઓવરમાં 150 રન લૂંટાવ્યા છે. ભુવનેશ્વર ડેથ ઓવરોમાં કમાલ કરી શકતો નથી. તેણે પાકિસ્તાન, શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 19મી ઓવરમાં બોલિંગ કરી પરંતુ ત્રણ ઓવરમાં જ 49 રન આપી દીધા હતા. આવામાં બુમરાહની વાપસીથી તેમાં થોડી રાહત મળી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં ભારતના મુખ્ય સ્પીનર રહેલા ચાહલમાં પહેલાંની જેમ ધાર જોવા મળી રહી નથી. પાછલી થોડી મેચમાં તે ઘણો જ મોંઘો સાબિત થયો છે. ઑલરાઉન્ડર અક્ષર પટેલે પાછલી મેચમાં ત્રણ વિકેટ લઈને પોતાની ક્ષમતા બતાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement