‘વર્ચ્યુઅલ ઑટોપ્સી’થી કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મૃતદેહનું એક પણ ચીરો પાડ્યા વગર કરાયું પોસ્ટમોર્ટમ

23 September 2022 11:58 AM
Entertainment
  • ‘વર્ચ્યુઅલ ઑટોપ્સી’થી કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મૃતદેહનું એક પણ ચીરો પાડ્યા વગર કરાયું પોસ્ટમોર્ટમ

દિલ્હી એઈમ્સમાં બે વર્ષ પહેલાં શરૂ થયેલી વર્ચ્યુઅલ ઑટોપ્સીથી અત્યાર સુધીમાં હજારો પોસ્ટમોર્ટમ કરાયા: ‘વર્ટોપ્સી’માં ડિઝિટલ એક્સ-રે અને એમઆરઆઈ મશીનનો કરાય છે ઉપયોગ, ધાર્મિક લાગણીઓ દુભાવાનો પણ નથી રહેતો પ્રશ્ન

નવીદિલ્હી, તા.23 : દેશના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અકાળે નિધન થતાં દેશ આખો શોકમય બની જવા પામ્યો હતો. બીજી બાજુ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું જેના માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. એઈમ્સ-દિલ્હીમાં રાજુ શ્રીવાસ્તવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જો કે પોસ્ટમોર્ટમ માટે રાજુ શ્રીવાસ્તવના શરીર ઉપર એક પણ ચીરો પાડ્યા વગર ‘વર્ચ્યુઅલ ઓટોપ્સી’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એઈમ્સ હોસ્પિટલના ફોરેન્સીક વિભાગના વડા ડૉ.સુધીર ગુપ્તાએ જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવના મૃતદેહની જે ઑટોપ્સી કરવામાં આવી તેને વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ મતલબ કે વર્ટોપ્સી પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં મૃતદેહની સંપૂર્ણ તપાસ મશીનની મદદથી કરવામાં આવે છે અને તેમાં શરીરના એક પણ ભાગ પર ચીરો પાડવામાં આવતો નથી. ફોરેન્સીક તબીબો ડિઝિટલ એક્સ-રે અને એમઆરઆઈ મશીનનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં ધાર્મિક લાગણીઓ દુભાવાનું કોઈ જોખમ રહેતું નથી અને નિધનનું કારણ પણ સચોટ રીતે મળી જાય છે.

ખાસ વાત એ છે કે આ પ્રકારના પોસ્ટમોર્ટમ પાછળ સમય ઓછો વેડફાય છે. રાજુ શ્રીવાસ્તવના કેસમાં વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે જ્યારે તેઓ એઈમ્સમાં દાખલ હતા ત્યારે ભાનમાં નહોતા. તેઓ ટ્રેડમીલ પર દોડતાં-દોડતાં પડ્યા છે કે નહીં એ વાત હજુ પણ સ્પષ્ટ થઈ રહી નહોતી એલા માટે જ તેમનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હતું. તેમણે જણાવ્યું કે દેશમાં આ પ્રકારની ઑટોપ્સીની શરૂઆત 2020માં થઈ હતી. સામાન્ય પોસ્ટમોર્ટમમાં અઢી કલાક જેવો સમય લાગે છે પરંતુ વર્ચ્યુઅલ ઑટોપ્સી 30 મિનિટમાં જ થઈ જાય છે.

આ રીતે એઈમ્સ-દિલ્હીમાં વર્ષે ત્રણ હજાર જેટલા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે. અત્યારે એકમાત્ર એઈમ્સ-દિલ્હીમાં જ આ પ્રકારની ઑટોપ્સી થાય છે. જ્યારે અન્ય દેશો જેવા કે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડ આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. વર્ચ્યુઅલ ઑટોપ્સી એક રેડિયોલોજિકલ પરિક્ષણ છે તેમાં જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ તેવા ફ્રેક્ચર, લોહીની ગાંઠો અને ઈજાઓ પણ દેખાય જાય છે. આ ઉપરાંત બ્લીડિંગની સાથે સાથે હાડકામાં હેરલાઈન કે ચીપ ફ્રેક્ચર જેવા નાના-નાના ફ્રેક્ચર પણ સરળતાથી જાણી શકાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement