ભાવનગરના મોણપુર ગામે થયેલી યુવાનની હત્યાના કેસમાં એકને આજીવન કેદની સજા

23 September 2022 01:04 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરના મોણપુર ગામે થયેલી યુવાનની  હત્યાના કેસમાં એકને આજીવન કેદની સજા

સામાપક્ષે બે આરોપીઓને 6-6 માસની કેદ:આ હત્યા કેસમાં સંડોવાયેલા બે આરોપી પૈકીના એક આરોપીની સુરત ખાતે હત્યા થયેલી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.23
બે વર્ષ પુર્વે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે થયેલી સામસામી મારામારીમાં એક 40 વર્ષીય યુવાનનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો. જ્યારે સામાપક્ષે પણ મારામારીમાં ઇજા થતા સામસામી પોલીસ ફરીયાદ જે તે સમયે નોંધાઇ હતી. આ હત્યા કેસમાં સંડોવાયેલા બે આરોપી પૈકીના એક આરોપીની સુરત ખાતે હત્યા થઇ હતી. ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ ન્યાયાધીશ પીરઝાદાએ મુખ્ય આરોપી સામે હત્યાનો ગુનો સાબીત માની આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે મારામારીના સામાપક્ષે નોંધાયેલી ફરીયાદમાં બે આરોપીઓને 6-6 માસની અદાલતે સજા ફટકારી છે.

આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે આવેલા ભરવાડવાસમાં ગત તા.6 ઓક્ટોબર, 2019 ના રોજ રાત્રીના સમયે મારામારીનો બનાવ બનેલ જેમાં વજુભાઇ લખમણભાઈ આલગોતર (ઉ.વ.40)નું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યુ હતું. જેથી ફરિયાદી છેલાભાઇ લખમણભાઇ આલગોતરે જે તે સમયે ભરતભાઇ સુરસંગભાઇ તથા ગજેન્દ્રભાઇ સુરસંગભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓ સામે આઈપીસી કલમ 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધેલો,

આ તરફ સામાપક્ષે ભરતભાઇ સુરસંગભાઇ ચૌહાણે આરોપી છેલાભાઇ લખમણભાઇ આલગોતર તથા બોઘાભાઇ લખમણભાઇ આલગોતર વિગેરે સામે મારામારીની ફરીયાદ આપેલી. જે પછી કેસ ચાલવા દરમિયાન જ ભરતભાઇ સુરસંગભાઇ ચૌહાણની સુરત મુકામે હત્યા થઈ હતી.ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં વજુભાઇની હત્યા વાળો કેસ ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ મનોજભાઇ જોષીની અસરકાર દલીલો, 12 સાહેદોની જુબાની તેમજ 35 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ મુખ્ય આરોપી ગજેન્દ્ર સુરસંગભાઇ ચૌહાણને આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ તથા અને આઈપીસી કલમ 324 મુજબ 3 વર્ષની સજા અને 3 હજારનો દંડ તથા 323 મુજબ 6 માસની સજા

અને પાંચસો રૂપિયા દંડ તથા હથીયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ 3 માસની સજા અને 100 રૂપિયાના દંડની સજા ફરમાવેલ છે.જ્યારે ભરતભાઇએ નોંધાવેલી મારામારીની સામી ફરિયાદનો કેસ ભાવનગર કોર્ટમાં ચાલી જતા સેસન્સ જજે છેલાભાઇ લખમણભાઇ આલગોતર તથા બોઘાભાઇ લખમણભાઇ આલગોતરને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ 323 મુજબ 6 માસની સજા અને રૂ.પ 00 નો દંડ ફટકારેલ છે. આ કેસમાં ફરીયાદપક્ષે 9 સાહેદોની જુબાની લેવામાં આવેલ અને 9 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેને તથા એ.ડી.પબ્લીક પ્રોસીક્યુટર મિતેષ એચ. મહેતાની દલીલોને ધ્યાને લઇ ઉપરોક્ત સજા ફરમાવવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement