નવરાત્રીમાં કોંગ્રેસની પ્રથમ યાદી: 28મીએ રાજકોટથી ખોડલધામ-સીદસરની યાત્રા

23 September 2022 04:03 PM
Rajkot Politics Saurashtra
  • નવરાત્રીમાં કોંગ્રેસની પ્રથમ યાદી: 28મીએ રાજકોટથી ખોડલધામ-સીદસરની યાત્રા

► ‘ચલો કોંગ્રેસ કે સાથ, માં કે દ્વાર’ યાત્રાનું ખોડલધામે નરેશ પટેલ સ્વાગત કરશે

► 500 વાહનોના કાફલા સાથેની યાત્રા 24 વિધાનસભા મતક્ષેત્રો કવર કરશે: પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.23 : વિધાનસભા ચૂંટણી પુર્વે પ્રચારથી માંડીને ઉમેદવાર પસંદગીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસે આગામી 28મી સપ્ટેમ્બરને બુધવારે રાજકોટથી સીદસર સુધીની યાત્રા યોજવાનું જાહેર કર્યુ છે. ખોડલધામ ખાતે પણ યાત્રા પહોંચશે જયાં નરેશ પટેલ સ્વાગત કરશે. 24 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે.

કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી રામકીશન ઓઝા આજે જેન્સ પ્રક્રિયા અંતર્ગત રાજકોટમાં હતા. તેઓએ વાતચીતમાં કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસ તમામ તાકાત કામે લગાડશે અને ભાજપની નિષ્ફળતાને ઉજાગર કરશે. આગામી 28મીએ ‘ચલો કોંગ્રેસ કે સાથ, માં કે દ્વાર’ યાત્રા યોજવામાં આવશે. રાજકોટથી સીદસર સુધીની આ યાત્રામાં બાઈક-કાર સહિત 500 વાહનોનો કાફલો જોડાશે તેમાં તમામ ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ જોડાશે.

આ યાત્રા ખોડલધામે પણ દર્શનાર્થે જશે. જયાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા સ્વાગત કરાશે. ખોડલધામ, ગાંઠીલા તથા સીદસર સુધી યાત્રા નીકળશે. આ યાત્રા માટે તડામાર તૈયારી કરવામાં આવી છે. યાત્રામાં સૌરાષ્ટ્રની 24 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવનાર છે અને જે તે વિસ્તારોને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ ઉમેદવાર પસંદગી વિશે કહ્યુ કે સમગ્ર પ્રક્રિયા અંતર્ગત હવે ચૂંટણી અને સ્ક્રીનીંગ કમીટીમાં આખરી પસંદગી થશે. ઉમેદવારોની પ્રથમ યાદી નવરાત્રી દરમ્યાન જ જાહેર કરવામાં આવશે.

તમામ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવશે કે કેમ તે વિશે તેઓએ કહ્યું કે લોકોની વચ્ચે રહીને કોંગ્રેસની વિચારધારા સાથે પ્રમાણીકપણે પ્રજાકીય કામો કરનારા ધારાસભ્યોને રીપીટ કરવામાં આવશે. ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાની ભાજપ નેતાઓના કાર્યક્રમમાં હાજરી વિશે તેઓએ એવો બચાવ કર્યો હતો કે કોંગ્રેસ પ્રજાકીય કામોમાં કયારેય રાજકારણ કરતી નથી. ભુતકાળમાં વિપક્ષી નેતાઓને કોંગ્રેસ શાસનમાં વિદેશ મોકલવામાં આવ્યા હતા. હરિફ પક્ષો દ્વારા ખોટી વાતો પ્રસરાવવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement