સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોમાં ભારે આક્રોશ: હજારો પશુઓ છોડી મુકાયા

23 September 2022 04:56 PM
Rajkot Gujarat
  • સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોમાં ભારે આક્રોશ: હજારો પશુઓ છોડી મુકાયા

અંતે ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની ધીરજ ખુટી : આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબોલ જીવોને છોડી મુકતા પોલીસ દોડતી થઇ ગઇ

પાલનપુર,તા.23
રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ના ચૂકવતાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબુલ જીવોને છોડી મૂક્તાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. સંચાલકોએ પશુઓ છોડી મૂકતાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પશુઓ છોડતાં અફરાતફરી
ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી કરતાં સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી, જોકે છ મહિના બાદ પણ સહાય પેટે એકપણ રૂપિયો ન ચૂકવતાં સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રીઝવવાનો તમામ પ્રયાસો કર્યા હતા. છેલ્લે, સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટિમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે આજે વહેલી સવારે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યાં છે.

ડીસામાં મંત્રીનો ઘેરાવો કર્યો
ડીસામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોમાં આક્રોશ વધતાં ગૌસેવકોએ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. 10 મિનિટ સુધી મંત્રીની ગાડીને ઘેરાવો કરતાં મમલો ગરમાયો હતો. મંત્રી ગાડીના કાચ પણ ખોલી શક્યા નહોતા. ગૌસેવકોમાં રોષ વચ્ચેથી પોલીસે મહામુસીબતે મંત્રીને બહાર કાઢ્યા હતા.

એકસાથે હજારો પશુઓ છોડી મુકાયાં
પાંજરાપોળમાંથી ઢોર છોડ્યાં હોવાની જાણ થતાં પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરિકેડ્સ ઉતારી દીધાં હંતા અને મોટી પોલીસ ફોર્સ ઉતારી દીધી હતી. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતાં પોલીસે અનેક કોશિશો કરી હતી, પરંતુ તમામ ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યાં છે. તમામ ઢોરને ડીસા સહિતની સરકારી કચેરીઓમાં છોડાતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરિકેડ્સ ગોઠવી દેવાયાં
આ તમામ પશુઓને સરકાર ભરોસે સરકારી કચેરીઓમાં છોડી દેવાની સંચાલકોએ તૈયારી કરી લીધી છે, જેને પગલે જિલ્લાની પોલીસ એલર્ટ બની ગઈ છે. સરકારે 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ગૌશાળા અને પાંજરાપોળને એકપણ રૂપિયાની સહાય મળી નથી, જેના માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે સંચાલકોની વાત સાંભળી નથી, જેથી સરકાર સામે રોષે ભરાયેલા સંચાલકોએ આજે બનાસકાંઠા જિલ્લાની તમામ ગૌશાળાઓમાંથી પશુઓને સરકારી કચેરીઓમાં છોડી સરકાર ભરોસે મૂકી દેવાનાં છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 160 જેટલી ગૌશાળાઓમાં 80,000 જેટલાં પશુઓ આશ્રય લઈ રહ્યાં છે અને આ તમામ પશુઓને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકીને પગલે પોલીસ એલર્ટમોડમાં આવી ગઈ છે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે ડીસાની ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરિકેડ્સ ગોઠવી દેવાયાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement