ટિકીટના 75 રૂપિયાના દરે ચમત્કાર સર્જયા! ‘બ્રહ્માસ્ત્ર’ એ ‘કેજીએફ-2’, બાહુબલિ-2’નો રેકોર્ડ તોડયો!

23 September 2022 05:59 PM
Entertainment
  • ટિકીટના 75 રૂપિયાના દરે ચમત્કાર સર્જયા! ‘બ્રહ્માસ્ત્ર’ એ ‘કેજીએફ-2’, બાહુબલિ-2’નો રેકોર્ડ તોડયો!

ફિલ્મ ઉદ્યોગને ટકાવવા ટિકીટના ચીરફાડ ભાવ ઘટાડવા જરૂરી : નેશનલ સિનેમા દિવસે 75 રૂપિયાની ટિકીટ ઓફરથી ‘બ્રહ્માસ્ત્ર’ની 10 લાખ ટિકીટો વેચાઈ, જેની સામે એડવાન્સ બુકીંગમાં ‘બાહુબલી-2’ની 6.50 લાખ ટિકીટ વેચાયેલી: જો ટિકીટ સસ્તી હોય તો દર્શકો ફિલ્મનું કન્ટેન્ટ નથી જોતા, સિનેમા હોલમાં ફિલ્મ માણે છે: નિષ્ણાંતો

મુંબઈ: એક જમાનો હતો કે સિનેમા હોલમાં એ ગ્રેડની ફિલ્મો તો ઠીક બી અને સી ગ્રેડની ફિલ્મો પણ સિનેમા હોલમાં હાઉસફુલ થતી હતી. તેનું કારણ હતું સામાન્યજનને પરવડે તેવા ટિકીટના દર જયારથી દેશમાં મલ્ટીપ્લેકસ સિનેમા કલ્ચર આવ્યું છે. ત્યારથી દેશમાં ફિલ્મની ટિકીટના દર બેફામ વધ્યા છે. નાના શહેરમાં મલ્ટી પ્લેકસમાં ટિકીટના દર 200-300થી 400 હોય છે, જયારે મોટા શહેરોમાં ટિકીટના દરો 600 થી 700 રૂપિયા હોય છે. ઉપરાંત ત્યાં કેન્ટીનમાં પણ ચીજવસ્તુના ભાવો અનેક ગણા હોય છે. આ સંજોગોમાં આમજન પરિવાર સાથે સિનેમા હોલમાં ફિલ્મ જોવાનું ટાળવા લાગ્યો.

23મી સપ્ટેમ્બરે મલ્ટી પ્લેકસ સિનેમા એસોસીએશને નેશનલ સિનેમા દિવસે દરેક શોમાં ફિલ્મની ટિકીટના દર માત્ર 75 રૂપિયાનું એલાન કરેલું ત્યારે એડવાન્સ બુકીંગમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના બધા શો બુક થઈ ગયા અને ત્યાં સુધી કે આ ફિલ્મે એડવાન્સ બુકીંગમાં ‘કેજીએફ-2’ અને ‘બાહુબલિ-2’ નો રેકોર્ડ તોડી નાખ્યો! ‘બાહુબલી-2’ની રિલીઝ પુર્વે એડવાન્સ બુકીંગમાં 6.50 લાખ ટિકીટ વેચાઈ હતી, જયારે ‘બ્રહ્માસ્ત્ર’ ની 75 રૂપિયાની ટિકીટની ઓફરમાં 10 લાખથી વધુ ટિકીટ વેચાઈ. એકબાજુ કેટલાક દિવસોથી બોલીવુડની ફિલ્મો ટિકીટબારી પર માર ખાઈ રહી હતી જયારે 75 રૂપિયાની ઓફરમાં ‘બ્રહ્માસ્ત્ર’ ઉપરાંત આજે રજૂ થયેલી ઘણી ફિલ્મોને આવકાર મળ્યો છે. જાણકારો કહે છે કે જો ટિકીટના ભાવ ઓછો હોય- વ્યાજબી હોય તો દર્શક ફિલ્મના કન્ટેન્ટનો ઝાઝો વિચાર નથી કરતો અને માત્ર મનોરંજન માણવા સિનેમા હોલમાં જાય છે.

પ્રોડયુસર અને ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ ગિરીશ જોહર કહે છે કે જો દર્શક મોંઘા ભાવની ટિકીટ ખરીદે છે તો ફિલ્મનું કન્ટેન્ટ પણ આલા દરજજાનું ઈચ્છશે. પણ જો તેને સસ્તા દરે ટિકીટ મળશે તો કન્ટેન્ટની પરવાહ નહીં કરે. જાણકારોનું માનવું છે કે સસ્તી ટિકીટના દમ પર ઘણા લાંબા સમય બાદ દર્શકોને સિનેમા હોલમાં વાળવામાં આગળ કેટલો ફાયદો મળશે એ તો સમય જ બતાવશે પરંતુ આ બહાને એક ચર્ચા જરૂર છેડાઈ છે કે સિનેમાઘરોથી દર્શકોની દૂરી માત્ર ફિલ્મોનું કમજોર કન્ટેન્ટ જ નથી. બલ્કે ટિકીટના મોંઘા ભાવ પણ છે. ફિલ્મ નિર્માતાઓ, વિતરકો, મલ્ટીપ્લેકસ માલિકોએ હવે ફિલ્મોને ચલાવવા માટે નફાખોરીનું ધોરણ ઘટાડવું પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement