ડિસેમ્બરમાં IPL નું મિનિ ઑક્શન : જાડેજા ચેન્નાઈ-ગીલ ગુજરાતનો સાથ નહીં છોડે

24 September 2022 10:06 AM
Gujarat India Sports
  • ડિસેમ્બરમાં IPL નું મિનિ ઑક્શન : જાડેજા ચેન્નાઈ-ગીલ ગુજરાતનો સાથ નહીં છોડે

જાડેજા-ગીલને ટ્રેડ કરવા માટે ગુજરાત-ચેન્નાઈ વચ્ચે વાતચીત થયાની વાત પાયાવિહોણી: તેવટિયા-સાંઈકિશોરને ટ્રેડ કરવાની ઓફર પણ ઠુકરાવાઈ

નવીદિલ્હી, તા.24
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈપીએલ-2023 માટે આ વર્ષે ડિસેમ્બરમાં મિનિ ઑક્શન રાખવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો પ્રમાણે આ હરાજી માટેની તારીખ 16 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. તાજેતરમાં જ એક અનૌપચારિક ચર્ચા દરમિયાન કાર્યક્રમ અંગેની રૂપરેખા ઘડવામાં આવી હતી. આ વખતની હરાજીની પ્રક્રિયા નાની હશે. જો કે હજુ સુધી તેનું વેન્યુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ વખતે ખેલાડીઓની હરાજી માટે દરેક ટીમ પાસે 95 કરોડ રૂપિયાનું બજેટ રહેશે જે પાછલા વર્ષ કરતાં પાંચ કરોડ વધુ છે. મતલબ કે દરેક ટીમ પાસે શરૂઆત કરવા માટે કમ સે કમ પાંચ કરોડ રૂપિયાની રિઝર્વ રકમ હશે. ટીમોના બજેટમાં ફેરફાર એ વાત ઉપર પણ ટકેલો છે કે ટીમ પોતાના ખેલાડીઓને રિલિઝ કરે છે કે ટ્રેડ કરે છે.

આઈપીએલ-2022 દરમિયાન જ્યારે રવીન્દ્ર જાડેજા અને ચેન્નાઈ સુપરકિંગ્સ મેનેજમેન્ટ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવ્યા હતા ત્યારે એવી અટકળો વહી રહી હતી કે આઈપીએલની આગલી સીઝનમાં સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને કાં તો રિલિઝ કરી દેવામાં આવશે કાં તો તેને બીજી ટીમ સાથે ટ્રેડ કરવામાં આવશે. તાજેતરમાં જ એવી વાતો સામે આવી હતી કે ચેન્નાઈ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જાડેજા અને શુભમન ગીલને લઈને ટ્રેડ કરવામાં આવી રહ્યા છે પરંતુ બન્ને ફ્રેન્ચાઈઝીએ આ પ્રકારની વાતોને ફગાવી દીધી છે.

બીજી બાજુ અમુક ટીમોએ પણ જાડેજાને ટ્રેડ માટે રિકવેસ્ટ કરી હતી જેમાં દિલ્હી કેપિટલ્સ પણ સામેલ છે પરંતુ ચેન્નાઈ ટીમનું કહેવું છે કે જાડેજાને ટીમમાં ન રાખવાનો તેનો કોઈ જ પ્લાન નથી કેમ કે તે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ પૈકીનો એક છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે જાડેજા ઉપરાંત રાહુલ તેવટિયા અને આર.સાંઈ કિશોરના ટ્રેડ માટે ગુજરાત ટાઈટન્સને રિકવેસ્ટ મળી છે પરંતુ ગુજરાતે તેને ઠુકરાવી દીધી છે. ટ્રાન્સફર-ટ્રેડ વિન્ડો આઈપીએલ હરાજીના એક સપ્તાહ પહેલાં સુધી ખુલ્લી રહેશે અને હરાજીના એક સપ્તાહ બાદ ફરીથી ખુલશે.


Related News

Advertisement
Advertisement
Advertisement