મેચ નાની, જીત મોટી: 8-8 ઓવરની મેચમાં ઑસ્ટ્રેલિયાને કચડતું ભારત: કાલે ફાઈનલ

24 September 2022 11:48 AM
Sports
  • મેચ નાની, જીત મોટી: 8-8 ઓવરની મેચમાં ઑસ્ટ્રેલિયાને કચડતું ભારત: કાલે ફાઈનલ
  • મેચ નાની, જીત મોટી: 8-8 ઓવરની મેચમાં ઑસ્ટ્રેલિયાને કચડતું ભારત: કાલે ફાઈનલ

પાંચ વર્ષ બાદ ઘરઆંગણે ઑસ્ટ્રેલિયાને આપ્યો પરાજય: વરસાદ વિલન બનતાં મેચ ટૂંકી કરાઈ’તી: ઑસ્ટ્રેલિયાએ ફિન્ચ-વેડની ઈનિંગથી 90 રન બનાવ્યા; જવાબમાં કેપ્ટન રોહિત અને ફિનિશર કાર્તિકે 7.2 ઓવરમાં જ અપાવી દીધી જીત: હાર્દિક-રાહુલ-સૂર્યા-કોહલી ફેઈલ

નાગપુર, તા.24 : ભારતે બીજી ટી-20માં ઑસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો છે. જીત સાથે જ શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે અને હવે કાલે હૈદરાબાદમાં ત્રણ મેચની ટી-20 શ્રેણીનો નિર્ણાયક મુકાબલો રમાશે. આ મેચમાં વરસાદ વિઘ્ન બનતાં આઠ-આઠ ઓવરની રમાડવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો.

જવાબમાં પહેલાં બેટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ આઠ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. મેથ્યુ વેડે 20 બોલમાં 43 રનની અણનમ ઈનિંગ રમી હતી. જરે એરોન ફિન્ચે 15 બોલમાં 31 રન બનાવ્યા હતા. ભારત વતી અક્ષર પટેલે બે વિકેટ ખેડવી હતી. જવાબમાં ભારતે 7.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 20 બોલમાં 46 રનની અણનમ ઈનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે આઠમી ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો લગાવીને મેચ પૂર્ણ કરી હતી. રોહિતને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો.

આ સાથે જ ભારતે પાંચ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાને ઘરેલું જમીન પર ટી-20 મેચમાં હરાવ્યું છે. પાછલીવાર ભારતે ઑસ્ટ્રેલિયાને 2017માં ટી-20 મુકાબલામાં હરાવ્યું હતું. ત્યારપછી ઑસ્ટ્રેલિયાએ 2019માં વિશાખાપટ્ટનમ અને બેંગ્લોરમાં રમાયેલી બે મેચની શ્રેણીને 2-0થી જીતી હતી. જરે આ શ્રેણીમાં મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચ ઑસ્ટ્રેલિયા જીત્યું હતું. 1 જાન્યુઆરી-2018થી લઈને અત્યાર સુધી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે ઘરઆંગણે ચાર ટી-20 મેચ રમી છે અને માત્ર એકમાં જીત મેળવી છે તો ત્રણમાં તેનો પરાજય થયો છે.

ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં ઑસ્ટ્રેલિયા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં ટીમે બે વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલની બોલિંગના પહેલાં બોલે વિરાટ કોહલીએ કેમરુન ગ્રીનનો મેચ છોડ્યો હતો. ત્યારબાદ ત્રીજા બોલે તેની ભરપાઈ કરતાં ગ્રીનને રનઆઉટ કર્યો હતો. ગ્રીન ચાર બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો. આ ઓવરના અંતિમ બોલમાં અક્ષર પટેલે ગ્લેન મેક્સવેલને ખાતું ખોલે તે પહેલાં જ ક્લિન બોલ્ડ કર્યો હતો.

ચોથી ઓવરમાં અક્ષર પટેલ બોલિંગ માટે આવ્યો અને પહેલાં જ બોલે ઑસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો. અક્ષરે ટીમ ડેવિડને ઓવરના પ્રથમ બોલે જ ક્લિન બોલ્ડ કર્યો હતો. ડેવિડ ત્રણ બોલમાં બે રન જ બનાવી શક્યો હતો. જો કે અક્ષર હેટ્રિક ચૂકી ગયો હતો. તેણે બે બોલમાં મેક્સવેલ અને ડેવિડને ચાલતા કર્યા હતા. આ પછી વેડે 20 બોલમાં 43 રનની ધુંઆધાર ઈનિંગ રમતાં ઑસ્ટ્રેલિયાના સ્કોરને 90 રન સુધી પહોંચાડ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતાં રોહિત અને રાહુલ (10 રન)એ ભારતને તાબડતોબ શરૂઆત અપાવી હતી.

બન્નેએ જોશ હેઝલવુડની પહેલી જ ઓવરમાં 20 રન લીધા હતા. રોહિતે બે તો રાહુલે એક છગ્ગો લગાવ્યો હતો. રોહિતે પોતાની આક્રમક બેટિંગ યથાવત રાખીને એક છેડો સાચવી રાખ્યો હતો. દરમિયાન ઝેમ્પાએ પહેલા રાહુલ અને પછી કોહલી (11 રન)ને આઉટ કરી ભારતને બે ઝટકા આપ્યા હતા. ત્યારપછી ક્રિઝ પર આવેલો સૂર્યકુમાર ખાતું ખોલી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા (9 રન)એ પણ નિરાશ કર્યા હતા. રોહિત સાથે કાર્તિક (10 રન)એ એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેચ જીતાડી દીધી હતી.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટી-20 જીતી રેકોર્ડ બનાવતી ટીમ ઈન્ડિયા: પાક.ની બરાબરી
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટી-20 મેચ જીતવાના મામલે સંયુક્ત રીતે પહેલાં નંબરે આવી ગઈ છે. પાકિસ્તાને વર્ષ 2021માં 29 ટી-20માંથી 20 ટી-20 મેચ જીતી હતી. જ્યારે ભારતે આ કેલેન્ડર વર્ષમાં 27 મેચોમાંથી 20 મેચમાં જીત હાંસલ કરી છે. આ પહેલાં 2018માં પાકિસ્તાને 17 મેચ જીતી હતી. જો આવતીકાલે ત્રીજી ટી-20માં ભારત જીતી જાય તો તે આ મામલે પાકિસ્તાનને પછાડી દેશે. ભારતની વાત છે ત્યાં સુધી તેણે ક્યારેય આ પહેલાં એક કેલેન્ડર વર્ષમાં આટલી જીત મેળવી નથી. ભારતે ઘરેલું જમીન પર 12માંથી નવ મેચ જીતી છે.

રોહિત શર્મા બન્યો ‘સિક્સર કિંગ’: ગપટિલને પછાડ્યો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નાગપુર ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં જેવો એક છગ્ગો લગાવ્યો કે તે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનારો બેટર બની ગયો છે. રોહિતે માર્ટીન ગપટીલને પાછળ છોડી દીધો છે. ગપટીલે અત્યાર સુધી 121 મેચમાં 172 છગ્ગા લગાવ્યા છે જ્યારે રોહિત શર્માએ 138 મેચમાં અત્યાર સુધીમાં 176 છગ્ગા પૂર્ણ કર્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement