બાંટવાનાં રૂા.23 લાખના દારૂ પ્રકરણમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખનાં ભાઈની ધરપકડ: પાંચ દિવસનાં રિમાન્ડ

24 September 2022 11:48 AM
Junagadh Crime
  • બાંટવાનાં રૂા.23 લાખના દારૂ પ્રકરણમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખનાં ભાઈની ધરપકડ: પાંચ દિવસનાં રિમાન્ડ

ભાજપને લાંછન ન લાગે તે માટે છેક ગાંધીનગર સુધીની રજૂઆત ફેઈલ: અન્ય વધુ બે નામો ખુલ્યા

જુનાગઢ તા.24
ગત તા.18-9-2022ની રાનિ બાંટવા ખારા ડેમ નજીકની પડતર જગ્યામાં રાજયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઈ જે.એચ. દહીયા અને તેની ટીમો ત્રાટકી રાત્રીના ચાલી રહેલ દારૂના કટીંગ સમયે રૂા.22.75 લાખની કિંમતનો 10045 બોટલ વિદેશી દારૂ બે વારનો મળી કુલ રૂા. 23,49,765નો મુદામાલ ઝડપી લીધો હતો. અંધારામાં બુટલેગરો નાસી છૂટયા હતા.

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી જેમાં બાંટવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપ મહામંત્રી જીવાભાઈ અરજણભાઈ કોડીયાતરનો ભાઈ રામા અરજણ કોડીયાતરનો આ જથ્થો મંગાવેલ હોવાનું ખુલવા પામતા જેને ભાજપને લાંછન ન લાગે તે માટે છેક ગાંધીનગર-જુનાગઢ સહિતના ભાજપના વિવિધ આગેવાનો- નેતાઓએ જુનાગઢ પોલીસ અધિકારીઓ ઉપર ભારે દબાણ લગાડયું હતું.

જુનાગઢ એસ.પી. રવિ તેજા વાસમશેટીએ કોઈના દબાણને વશ ન થઈ કાયદો કાયદાનું કામ કરશે તે મુજબ જિલ્લા ભાજપ મહામંત્રી જીવાભાઈના ભાઈ રામા અરજણ કોડીયાતરને બાંટવા ખાતેથી રાત્રીના દબોચી લઈ કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી છે.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ ભાટીએ આકરી પુછપરછમાં રામા અરજણ રબારીએ તેના સાગ્રીત બાલા ધાના મોરી રે. બાંટવા અને અજય રૂડા રબારી રે. મુળ બાંટવા હાલ જુનાગઢ વાળાઓના નામ આપતા તેઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

વાહનોના નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવતા મસ મોટા માથાઓના નામ ખુલતા બાંટવામાં ચારેને ચોંટે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રાજકીય દબાણોને વશ ન થઈ જુનાગઢ પોલીસ અધિકારીએ સાચા બુટલેગરના નામ બહાર લાવી કાયદાકીય રીતે રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી અન્ય બેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. વાહનો સહિત કુલ 34,94,765નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ પ્રકરણમાં બાંટવા પીએસઆઈ ચાવડાને એસપી રવિ તેજા વાસમસેટીએ સસ્પેન્ડ કરી દીધા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement