જૂનાગઢનાં ગાંધીગ્રામમાં બે માસુમ બાળકોનાં કુવામાં પડી જતા મોત

24 September 2022 02:12 PM
Junagadh
  • જૂનાગઢનાં ગાંધીગ્રામમાં બે માસુમ બાળકોનાં કુવામાં પડી જતા મોત

કુવા કાંઠે રમતા નાના સગા ભાઇ-બહેન અકસ્માતે કુવામાં ડુબી ગયાના બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની પ્રસરી

જુનાગઢ, તા. 24
જુનાગઢ ગાંધીગ્રામ ખાતે ગઇકાલે અત્યંત કરૂણ ઘટના ઘટવા પામી હતી. નાના ભાઇ-બહેન રમતા રમતા કુવા પાસે પહોંચી જતા જયાં બંને કુવામાં પડી જતાં બંનેના પાણીમાં ડૂબી જતા કરૂણ મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ કરૂણ ઘટનાની વિગત મુજબ માતાએ સી ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં પોતાના બંને બાળકો રમતા રમતા કુવા નજીક પહોંચી ગયેલ અને કુવામાં પડી ગયા હતા.

ગ્રોફેડ મીલ પાછળ, સરકારી કુવાની પાસે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા આલાભાઇ સીદીભાઇ રાડાના બે બાળકો અભય આલાભાઇ સીદી (ઉ.વ.4) અને બહેન રાધીકા આલાભાઇ સીદીભાઇ (ઉ.વ.3) ભાઇ-બહેન ગઇકાલે સવારે 11:30 કલાકે ઘરની સામે આવેલ સરકારી કુવા જે કુવાર તળાવ તરીકે ઓળખાય છે. તેની પાસે રમતા રમતા પહોંચી ગયેલ અને બંને કુવાના કાંઠે રમતા રમતા બંને ભાઇ-બહેન કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાના કારણે ભાઇ-બહેનના મોત થયાનું માતા કાળીબેન આલાભાઇ રાડા (ઉ.વ.રપ)એ સી ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.

નવરાત્રીના નજીકના દિવસોમાં જ બંને ભાઇ-બહેન ભુલકાઓ એકસાથે પાણીમાં કુવામાં પડી ચિરવિદાય લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પીએસઆઇ જે.એમ.વાળાએ તપાસ હાથ ધરી છે.

આપઘાત
જુનાગઢ દુર્વેશનગરના સરયુ એપાર્ટમેન્ટ બ્લોક નં. 30માં રહેતા મહેન્દ્રભાઇ લખમણભાઇ મહીડા (ઉ.વ.38)એ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચાર વર્ષથી સરકારી નોકરી માટેની તૈયારીઓ કરતા હોય છતાં આજ દિન સુધી કોઇ નોકરી ન મળતા જે વાતનું મનમાં લાગી આવતા ગઇકાલે તેમના ઘરે રૂમનો દરવાજો બંધ કરી પારસી કરવાના દોરડા વડે ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયાનું મૃતકના મોટા ભાઇ કાન્તીભાઇ લક્ષ્મણભાઇ મહીડા (ઉ.વ.43) એ ડીવીઝન પોલીસમાં જણાવ્યું હતું બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement