મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી પર બેસીને તેમના પુત્રએ મીટીંગ લીધી : જબરો રાજકીય વિવાદ

24 September 2022 02:26 PM
India Politics
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી પર બેસીને તેમના પુત્રએ મીટીંગ લીધી : જબરો રાજકીય વિવાદ

મુંબઇ,તા. 24
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત મુખ્યમંત્રીની ખુરશી પર બેસીને મીટીંગો લેવા લાગતા રાજ્યમાં જોરદાર રાજકીય વિવાદ સર્જાયો છે અને વિરોધ પક્ષોએ આકરા પ્રહારો શરુ કરતાં સરકાર ભીંસમાં આવી ગઇ છે.

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે દિલ્હી પ્રવાસે જતાં તેમના પુત્ર શ્રીકાંત શિંદે તેમની ખુરશી પર બેસી ગયા હતા અને અધિકારીઓ સાથે બેઠક શરુ કરી હતી. એનસીપીના નેતા રવિકાંત તારપેએ ફોટો ટવીટ કરીને આ તસવીર જાહેર કરી હતી. અને કેપ્શનમાં એવું લખ્યું હતું કે ‘અભિનંદન, લોકશાહીનું લોકશાહીકરણ, મુખ્યમંત્રીની ગેરહાજરીમાં તેમના પુત્રો સંભાળી રહ્યા છે મુખ્યમંત્રીની ખુરશી’.

એનસીપીના નેતા રવિકાંતે પ્રહાર કરતાં શ્રીકાંત શિંદેને ‘સુપર સીએમ’ ગણાવીને તેમની મજાક પણ ઉડાવી હતી. એનસીપીના અન્ય નેતા મહેબુબ શેખે પણ આ ફોટો શેર કરીને એવો પ્રહાર કર્યો હતો કે શિંદે પિતા-પુત્ર મુખ્યમંત્રી પદની ગરિમાને ધૂળમાં ભેળવી રહ્યા છે, આ ક્યો રાજ્યધર્મ છે ? ટવીટમાં એવું કેપ્શન લખ્યું છે કે ‘બાપ નંબરી બેટા દશ નંબરી’.

આ તસવીર વાઇરલ થતાં શ્રીકાંત શિંદેએ તૂર્ત જ એવો બચાવ કર્યો હતો કે જે ફોટો વાઇરલ થયો છે તે મુખ્યમંત્રી ઓફીસનો નથી પરંતુ મારું ઘર છે, જે ખુરશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુખ્યમંત્રીની ખુરશી નથી, મારી ખુરશી છે. મારી ખુરશીની પાછળ સીએમ લખેલું બોર્ડ હોવાનું મારા ધ્યાનમાં નથી. વિપક્ષી નેતાઓએ ખોટી રીતે હંગામો કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement