ઓપરેશન મેઘચક્ર: ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે CBI ના દેશવ્યાપી દરોડા

24 September 2022 04:50 PM
India
  • ઓપરેશન મેઘચક્ર: ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે CBI ના દેશવ્યાપી દરોડા

19 રાજયોમાં 56 સ્થળોએ દરોડા કાર્યવાહી: સિંગાપોર ઈન્ટરપોલની બાતમીના આધારે કાર્યવાહી

નવી દિલ્હી તા.24
ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈએ આજે અત્યાર સુધીનું સૌથી મોટુ દરોડા ઓપરેશન હાથ ધર્યુ છે અને 19 રાજયોના 56 સ્થળોએ સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે.

ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા ફોટા તથા વિડીયો વાઈરલ કરવાના મામલે કેન્દ્રીત તપાસનીશ એજન્સી સીબીઆઈએ આ ઓપરેશન કર્યુ છે તેને ‘ઓપરેશન મેઘચક્ર’ નામ આપવામાં આવ્યું છે. સોશ્યલ મીડીયા મારફત અશ્લીલ સાહિત્ય વાઈરસ કરવા ઉપરાંત બાળકોને બ્લેકમેઈલ કરતા તત્વો પર તવાઈ ઉતારવામાં આવી છે.

આધારભૂત સૂત્રોએ કહ્યું કે, સિંગાપોર ઈન્ટરપોલ તરફથી ચોકકસ બાતમી મળ્યાને પગલે આ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીબીઆઈએ ગત વર્ષે દરોડા પાડયા હતા અને તેના અનુસંધાન-કનેકશનમાં જ આજનું ઓપરેશન છે. ગત વર્ષે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાહિત્ય વાઈરલ કરતા તત્વોના સ્ટોરેજ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સર્વોચ્ચ અદાલતે ગત સપ્તાહમાં જ ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટેના મીકેનીઝમ વિશે વિસ્તૃત રીપોર્ટ પેશ કરવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત આ મામલે ઈન્ટરનેટ કંપનીઓનો સ્ટેટસ રિપોર્ટ પેશ કરવાની પણ તાકીદ કરી હતી.

2015માં બીન સરકારી સંગઠને વાઈરલ થયેલા બળાત્કારના બે વિડીયો મુદે તત્કાલીન ચીફ જસ્ટીસ એચ.એલ.દતુને લેખિત ફરિયાદ કરી હતી ત્યારથી સર્વોચ્ચ અદાલત હસ્તક ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો મુદો છે. 2018માં સરકાર ઉપરાંત ગુગલ, માઈક્રોસોફટ તથા ફેસબુક જેવી કંપનીઓએ પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી હટાવવાની અનિવાર્યતા સ્વીકારી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement