318 સહકારી સંસ્થાઓમાં ભાજપનું રાજ, કોંગ્રેસ સાથે ‘ઇલુ-ઇલુ’ બંધ કરાવ્યું : સી.આર. પાટીલ

26 September 2022 10:49 AM
Rajkot Gujarat Politics
  • 318 સહકારી સંસ્થાઓમાં ભાજપનું રાજ, કોંગ્રેસ સાથે ‘ઇલુ-ઇલુ’ બંધ કરાવ્યું : સી.આર. પાટીલ

♦ મોદી સરકારે ખેડૂતોની ‘લાચારી’ દૂર કરવા અનેક યોજનાઓ અમલી બનાવી : ગુજરાત પણ વિકાસની નવી ઉંચાઈએ : વિપક્ષો પર આડકતરા પ્રહાર

રાજકોટ,તા. 26
રાજકોટ જિલ્લા બેંક, રાજકોટ ડેરી સહિત અર્ધો ડઝન સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતની 318 સહકારી સંસ્થાઓમાં ભાજપનું શાસન છે અને અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની મીલી ભગત બંધ કરાવી દીધી છે.

એકસાથે 7 સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સભા પ્રથમ વખત નિહાળી હોવાનું જાહેર કરતાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રને નવી ઉંચાઈએ પહોંચાડવા માટે મોદી સરકારે શ્રેણીબધ્ધ પગલાઓ લીધા છે. વિદેશી બેન્કોએ ભારતમાં પ્રવેશ વખતે સર્વે કરાવ્યો ત્યારે એવું તારણ નીકળ્યું હતું કે સહકારી બેન્કોના પડકારને સહન કરવો પડશે. ભુતકાળની સરકારોએ ખેડૂતોને ‘બિચારા’ રાખ્યા હતા.

પરંતુ મોદી સરકારે કિસાનોની ખેવના કરી હતી અને તેઓને જગતાતનું બિરુદ પાછુ અપાવીને અનેકવિધ સહાય યોજનાઓ આપી છે. દર વર્ષે રુા. 6000 આપીને લાચારીની સ્થિતિ હટાવી છે. કેન્દ્ર સ્તરે ખાસ સહકાર મંત્રાલય ઉભુ કરવામાં આવ્યું છે અને સહકારી ક્ષેત્રમાં સુધારા માટે ખાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ ઉપર ટકોર કરતાં તેઓએ જણાવ્યું હતું કે 2017ની ચૂંટણી વખતે ભાજપના વિકાસની કોંગ્રેસે ‘વિકાસ ગાંડો થયો છે’ની મજાક ઉડાવી હતી પરંતુ લોકોને ભાજપ સરકારે કરેલા વિકાસની ખબર છે અને કોંગ્રેસને સ્થાન દેખાડી દીધું હતું. કોંગ્રેસના જમાનામાં ટ્રેન મારફત પાણી આપવું પડતું હતું પરંતુ મોદી સરકારમાં નળ દ્વારા પાણી મળે છે.

તેમણે એવો ગર્ભિત ઇશારો કર્યો હતો કે ભુતકાળમાં સહકારી જગતમાં ભાજપ-કોંગ્રેસનું ‘ઇલુ-ઇલુ’ રહેતું હતું. જો કે પ્રદેશ પ્રમુખ બન્યાને સવા બે વર્ષ થયા છે અને આ સમયગાળામાં ભાજપના જ ઉમેદવારોના મેન્ડેટ આપીને આ ‘ઇલુ-ઇલુ’ બંધ કરાવ્યું છે અને તેના આધારે 318 સહકારી સંસ્થાઓમાં ભાજપનું સ્થાન આવ્યું છે. બાકીની સહકારી સંસ્થાઓમાં પણ ચૂંટણી આવ્યે ભાજપનું વર્ચસ્વ સ્થપાશે. રાજ્યની તમામ સહકારી બેન્કો, તમામ સહકારી ડેરીઓ સહિતની મહત્વની સહકારી સંસ્થાઓમાં ભાજપનું જ શાસન છે અને ભાજપના જ નેતાઓ તેનું સંચાલન કરે છે.

11મી ઓક્ટોબરે જામકંડોરણામાં મોદીનો સવારે કાર્યક્રમ : પાટીલ
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી ઓક્ટોબરે જામકંડોરણા આવી રહ્યા છે અને સવારનો જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જામકંડોરણા ખાતેના કાર્યક્રમમાં જાહેર કર્યું હતું.

તેમણે કહ્યું કે વડાપ્રધાન 11મીએ સવારે જામકંડોરણા આવશે, લોકોને આજની જેમ જ વડાપ્રધાનનું અભૂતપૂર્વ સ્વાગત કરવા અને મોટી સંખ્યામાં ઉમટવાનું આહવાન કર્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement