9 વર્ષ બાદ ઘરઆંગણે કાંગારૂંનો શિકાર કરતી ટીમ ઈન્ડિયા: છેલ્લી 10 શ્રેણીથી ‘અજેય’

26 September 2022 11:02 AM
Sports
  • 9 વર્ષ બાદ ઘરઆંગણે કાંગારૂંનો શિકાર કરતી ટીમ ઈન્ડિયા: છેલ્લી 10 શ્રેણીથી ‘અજેય’
  • 9 વર્ષ બાદ ઘરઆંગણે કાંગારૂંનો શિકાર કરતી ટીમ ઈન્ડિયા: છેલ્લી 10 શ્રેણીથી ‘અજેય’
  • 9 વર્ષ બાદ ઘરઆંગણે કાંગારૂંનો શિકાર કરતી ટીમ ઈન્ડિયા: છેલ્લી 10 શ્રેણીથી ‘અજેય’

► અક્ષરની ફિરકી બાદ કોહલી-સૂર્યકુમારની ધમાકેદાર બેટિંગથી ત્રીજી ટી-20 અને શ્રેણી કરી કબજે: 14 મહિનાથી ટીમ ઈન્ડિયા એક પણ શ્રેણી નથી હારી

► 2019માં ઑસ્ટ્રેલિયા સામે જ ઘરઆંગણે 2-0થી પરાજય મળ્યા બાદ ભારતે ઘરમાં 10 શ્રેણી રમી જેમાંથી આઠ જીતી’ને બે રહી બરાબર: 2021માં શ્રીલંકા સામે તેના ઘરઆંગણે હાર્યા બાદ આઠ શ્રેણી રમી જેમાં સાતમાં મેળવ્યો વિજય

હૈદરાબાદ, તા.26 : મોહાલી ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ જબદરસ્ત વાપસી કરતાં પહેલાં નાગપુર અને પછી હૈદરાબાદ જીતીને ઑસ્ટ્રેલિયાને ત્રણ મેચની શ્રેણીમાં 2-1થી કચડી નાખ્યું છે. અક્ષરની ફિરકી બાદ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની ફિફટીની મદદથી ભારતે ત્રીજી અને નિર્ણાટક ટી-20 મેચમાં ઑસ્ટ્રેલિયાને એક બોલ બાકી રાખીને છ વિકેટે પરાજિત કર્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ કાંગારુઓને નવ વર્ષ બાદ ઘરમાં હરાવીને શ્રેણી પર કબજે કર્યો છે તો સાથે સાથે ઘરઆંગણે છેલ્લી 10 શ્રેણીથી ટીમ ‘અજેય’ રહેવા પામી છે.

ભારતે 187 રનનો લક્ષ્યાંક 19.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જ્યારે ભારતે પાછલા ત્રણ વર્ષથી ઘરમાં ટી-20 ક્રિકેટની અંદર અજેય રહેવાનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે. ટીમને ઘરઆંગણે છેલ્લે 2019માં હાર મળી હતી અને ત્યારે ઑસ્ટ્રેલિયાએ જ 2-0થી પરાજય આપ્યો હતો. આ પછી ભારતે ઘરમાં દસ શ્રેણી રમી છે જેમાંથી આઠ જીતી છે તો બે ડ્રો રહેવા પામી છે. ભારતીય ટીમ 14 મહિનાથી એક પણ શ્રેણી હારી નથી. પાછલી શ્રેણી જૂલાઈ-2021માં શ્રીલંકા સામે તેના ઘરમાં હારી હતી. આ પછીથી આઠ શ્રેણી રમી અને સાતમાં જીત મેળવી તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જૂનમાં રમાયેલી પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબર રહી હતી.

► ઑસ્ટ્રેલિયાએ આપેલા 186 રનના લક્ષ્યાંકને ભારતે 19.5 ઓવરમાં ચાર વિકેટે કર્યો હાંસલ: ડેવિડ-ગ્રીનની ઈનિંગ એળે ગઈ

હૈદરાબાદ ટી-20માં ભારતની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઓપનર કે.એલ.રાહુલ (1 રન) અને રોહિત શર્મા (17 રન)એ નિરાશ કર્યા હતા. સૂર્યકુમાર યાદવ (69 રન) અને વિરાટ કોહલી (63 રન)એ ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. સૂર્યકુમારે ચારે બાજુથી રન લેતાં 36 બોલની પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેની ઈનિંગનો અંત જોશ હેઝલવૂડે ફિન્ચના હાથે કેચ કરાવીને આણ્યો હતો. કોહલીએ હાર્દિક પંડ્યા (અણનમ 25 રન) સાથે ચોથી વિકેટ માટે 48 રન ઉમેર્યા હતા. કોહલી છેલ્લી ઓવરના બીજા બોલે આઉય થયો ત્યારે ટીમને જીત માટે પાંચ રનની જરૂર હતી. જો કે હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ટીમને જીતાડી દીધી હતી.

બોલિંગમાં ઑસ્ટ્રેલિયા વતી કમીન્સ, હેઝલવુડ, સેમ્સે એક-એક વિકેટ મેળવી હતી. ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા આવેલા ઑસ્ટ્રેલિયાએ કેમરુન ગ્રીન (52 રન) અને ટીમ ડેવિડ (54 રન)ની ફિફટીની મદદથી સાત વિકેટે 186 રન બનાવ્યા હતા. મહેમાન ટીમે પ્રારંભીક ચાર અને અંતિમ પાંચ ઓવરમાં તાબડતોબ બેટિંગ કરી હતી. ટીમે પહેલાં 24 બોલમાં 56 તો છેલ્લા 30 બોલમાં 63 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે મેચમાં ત્રણ અને શ્રેણીમાં કુલ આઠ વિકેટ ખેડવી નાખતાં તેને મેન ઑફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.


કોહલી-રોહિતનો જબદરસ્ત ‘બ્રોમાન્સ’: શ્રેણી જીત્યા બાદ ટ્રોફી આપવાના ધોનીના સિલસિલાનો અંત
ઑસ્ટ્રેલિયા સામે શ્રેણી જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે જબદરસ્ત ‘બ્રોમાન્સ’ જોવા મળ્યો હતો જેનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. છેવટ સુધી ક્રિઝ પર રહ્યા બાદ કોહલી આઉટ થયો ત્યારે પેવેલિયનમાં રોહિતે અત્યંત ઉષ્માભેર તેનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જીત મેળવ્યા પછી મેચ જોઈ રહેલા રોહિત-કોહલીની ખુશીનો પાર રહો નહોતો અને બન્નેએ એકબીજાને જોરથી ગળે લગાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્માએ શ્રેણી જીત્યા બાદ ટીમના યુવા ખેલાડીને ટ્રોફી અર્પણ કરવાના ધોનીના સિલસિલાનો અંત આણતાં ટીમના સૌથી ઉંમરલાયક ખેલાડી એવા દિનેશ કાર્તિકને ટ્રોફી અર્પણ કરી હતી.

સૂર્યકુમાર બન્યો નવો ‘સિક્સરકિંગ’: રોહિત ટી-20માં ભારતનો બીજો સફળ કેપ્ટન: કોહલીએ દ્રવિડને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવ્યા બાદ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના કી-બેટર સૂર્યકુમાર યાદવે આ વર્ષે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં કુલ 42 છગ્ગા લગાવ્યા છે. એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન (42 છગ્ગા)ના નામે હતો જેની સૂર્યાએ બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત રોહિત ટીમ ટી-20માં ભારતનો બીજો સફળ કેપ્ટન બન્યો છે. જો કે હજુ આ મામલે ધોની પ્રથમ ક્રમે જ છે. રોહિતની આગેવાનીમાં ટીમે 33મી મેચ જીતી છે. જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે ટીમે 42 મેચ જીતી હતી. જરે કોહલી પોતાની 63 રનની ઈનિંગના દમ પર ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે સૌથી વધુ રન બનાવવા મામલે દ્રવિડથી આગળ નીકળી ગયો છે. દ્રવિડે ભારત માટે કુલ 24064 રન બનાવ્યા હતા પરંતુ કોહલીના હવે 24078 રન થઈ ગયા છે.

પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત
ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને હૈદરાબાદ ટી-20માં છ વિકેટે હરાવીને શ્રેણી પર કબજે કર્યો છે આ સાથે જ ભારતે આ વર્ષે 21મી રેકોર્ડ જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના 2021માં સૌથી વધુ 20 જીત મેળવવાના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય ટીમે ઘરમાં કોઈ શ્રેણી નહીં હારવાનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે.

ઑસ્ટ્રેલિયા સામે પાંચમાંથી ટીમ ઈન્ડિયાએ ઘરમાં જીતી ત્રણ શ્રેણી
વર્ષ --- વિજેતા --- પરિણામ
2007 --- ભારત --- 1-0
2013 --- ભારત --- 1-0
2017 --- બરાબર --- 1-1 (3)
2019 --- ઑસ્ટ્રેલિયા --- 2-0
2022 --- ભારત --- 2-1


Related News

Advertisement
Advertisement
Advertisement