જીત માટે 12 બોલમાં 9 રન, હાથમાં 3 વિકેટ છતાં પાકિસ્તાન સામે હારી ગયું ઈંગ્લેન્ડ

26 September 2022 11:06 AM
Sports
  • જીત માટે 12 બોલમાં 9 રન, હાથમાં 3 વિકેટ છતાં પાકિસ્તાન સામે હારી ગયું ઈંગ્લેન્ડ

ચોથી ટી-20 જીતી સાત મેચની શ્રેણીને 2-2થી સરભર કરતું પાકિસ્તાન: 166 રનના લક્ષ્યાંક સામે ઈંગ્લેન્ડ 19.2 ઓવરમાં 163 રન બનાવી ઑલઆઉટ: હારિસ રઉફની વેધક બોલિંગ કામ કરી ગઈ

નવીદિલ્હી, તા.26 : બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી બરાબર કરી લીધી છે. ટીમે સાત મેચની શ્રેણીના ચોથા મુકાબલાને રોમાંચક રીતે ત્રણ રને જીત્ો છે. આ રીતે શ્રેણી 2-2થી બરાબર થઈ ગઈ છે. મોહમ્મદ રિઝવાનની ફિફટીના દમ પર પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં ચાર વિકેે 166 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લીશ ટીમ 19.2 ઓવરમાં 163 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર હારિસ રઉફે શ્રેષ્ઠ બોલિંગ કરી અને પાકિસ્તાનની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ઈંગ્લેન્ડનો સ્કોર 18 ઓવર બાદ સાત વિકેટે 158 રન હતો અને તેને જીત માટે 12 બોલમાં માત્ર 9 રન બનાવવાના હતા તો હાથમાં ત્રણ વિકેટ હતી. રિચર્ડ ડાસન 13 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો હતો. 19મી ઓવરના બીજા બોલે ડાસને રઉફને ચોગ્ગો લગાવ્યો હતો. હવે ઈંગ્લેન્ડની ટીમ મેચ જીતવાથી માત્ર પાંચ રન દૂર હતી. ત્રીજા બોલે રઉફે ડાસનની વિકેટ મેળવી હતી. તેણે 17 બોલમાં 34 રન બનાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ ચગ્ગા સામેલ હતા. આ પછી આગલા જ બોલે રઉફે ઓલી સ્ટોનને બોલ્ડ કર્યો હતો.

ઈંગ્લેન્ડને 20મી ઓવરમાં જીત માટે ચાર રન જોઈતા હતા અને એક વિકેટ હાથમાં હતી. આ ઓવર ફેંકવા માટે ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ આવ્યો હતો. પહેલા બોલે રન બન્યો નહોતો. જ્યારે બીજા બોલે રીસ ટૉપલી એક રન લેવાના ચક્કરમાં રનઆઉટ થઈ ગયો હતો. તેણે લેગ સાઈડ પર શોટ રમીને રન લેવાની કોશિશ કરી હતી પરંતુ સર્કલમાં ઉભેલા શાન મસુદે નોન સ્ટ્રાઈક એન્ડ પર ડાયરેક્ટ થ્રો કરીને ટૉપલીને આઉટ કર્યો હતો.

આ પહેલાં રિઝર્વે 67 બોલમાં 88 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. આ કારણે પાકિસ્તાની ટીમ સંઘર્ષપૂર્ણ લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહી હતી. જવાબમાં ઈંગ્લેન્ડ વતી હેરી બ્રુક અને ડાસને સૌથી વધુ 34-34 રન બનાવ્યા હતા. ટીમે 14 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ વાપસી પણ કરી હતી. પાકિસ્તાન વતી હારિસ રઉફને ચાર ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. જ્યારે ડાબોડી સ્પીનર મોહમ્મદ નવાઝે પણ ત્રણ વિકેટ મેળવી હતી.

દુનિયાની એક પણ જોડી નથી બનાવી શકી તે રેકોર્ડ બાબર-રિઝવાને બનાવ્યો
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પાકિસ્તાન વતી ઓપનિંગ કરતાં ટી-20માં બે હજાર રનની ભાગીદારી કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં દુનિયાની અન્ય કોઈ જોડી આવું કરી શકી નથી. બન્નેએ ટી-20 ઈન્ટરનેશનલની 38 ઈનિંગમાં 57ની સરેરાશથી 2043 રન બનાવ્યા છે જેમાં સાત વાર સદી અને સાત વાર ફિફટીની ભાગીદારી કરી છે. આ દરમિયાન અણનમ 203 રનની સૌથી મોટી ભાગાદારી પણ સામેલ છે. આ પહેલાં ધવન-રોહિતની જોડીએ ટી-20ની બાવન ઈનિંગમાં 34ની સરેરાશથી 1743 રન બનાવ્યા છે જેમાં ચારવાર સદી અને સાતવાર ફિફટીની ભાગીદારી સામેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement