રાજસ્થાન કોંગ્રેસનું સંકટ વધુ ઘેરું : સોનિયા નારાજ : ગેહલોત-પાયલોટને તેડુ

26 September 2022 11:17 AM
India Politics
  • રાજસ્થાન કોંગ્રેસનું સંકટ વધુ ઘેરું : સોનિયા નારાજ : ગેહલોત-પાયલોટને તેડુ

♦ અધ્યક્ષ બન્યા પૂર્વે જ અશોક ગેહલોતે ‘પરચો’ બતાવતા કોંગ્રેસ હાઈકમાન્ડ સ્તબ્ધ

♦ ગેહલોત જૂથના 92 નારાજ ધારાસભ્યોએ નિરીક્ષકોને મળવાનો પણ ઇન્કાર કરી દીધો : ‘મારા હાથમાં કાંઇ નથી’-ગેહલોતના વિધાનથી સોનિયાની નારાજગી

જયપુર,તા. 26
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની હીલચાલમાં પાર્ટીને નવા સંકટનો સામનો કરવો પડ્યો છે. ગેહલોતના વિકલ્પમાં સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાના વિરોધમાં ગેહલોત જૂથ આડુ ફાટ્યું છે. 92 ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસ હાઈકમાન્ડ ચોંકી ગયું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પૂર્વે જ ગેહલોતે પરચો દેખાડતા અને ધારાસભ્યોએ નિરીક્ષકોને મળવાની પણ ના પાડી દેતા નેતાગીરી સ્તબ્ધ બની છે. ગેહલોત અને સચિન પાયલોટને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

રાજસ્થાન કોંગ્રેસમાં રાતોરાત સંકટ ઘેરાવાની હાલત સર્જાઈ છે. અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય સુકાની બનાવવાનું પાર્ટીએ નક્કી કરી લીધું જ છે તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી અન્ય નેતાને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા મુખ્યમંત્રી તરીકે ગેહલોતના કટ્ટર હરિફ સચિન પાયલોટનું નામ ઉપસતાની સાથે જ ગેહલોત જૂથ વિફર્યુ હતું.

અશોક ગેહલોતની નજીકના 92 ધારાસભ્યોએ પ્રદેશ પ્રમુખને રાજીનામા સોંપી દીધા હતા અને આખી રાત અભૂતપૂર્વ રાજકીય ઘટનાક્રમ ચાલ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મલ્લીકાર્જુન ખડગે તથા અજય માકન જેવા સિનિયર નેતાઓને નિરીક્ષક તરીકે રાજસ્થાન દોડાવ્યા હતા પરંતુ નારાજ ધારાસભ્યોએ નિરીક્ષકોને મળવાનો પણ ઇન્કાર કરી દેતા વર્તમાન પ્રમુખ સોનિયા ગાંધી નારાજ થયા છે. અશોક ગેહલોત તથા સચિન પાયલોટને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

રાજસ્થાનના કોંગ્રેસના આંતરિક ઘટનાક્રમમાં હવે કેવા વળાંક આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. નિરીક્ષકો મલ્લીકાજુર્ન ખડગે અને અજય માકન આજે હાઈકમાન્ડને પોતાનો રિપોર્ટ સોંપશે અને તેના આધારે નેતાગીરી આખરી નિર્ણય લે તેવી શક્યતા છે. વિરોધનો સૂર ઉઠતા વિધાનસભા પક્ષની બેઠક પણ મળી શકી ન હતી. આ સંજોગોમાં પાર્ટીમાં ભંગાણ સર્જાઇ છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.

કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે રાજસ્થાનના આંતરિક સંકટથી પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી પણ ઘણા નારાજ થયા છે અને તેને કારણે જ બંને સિનિયર નેતાઓને તાબડતોબ દિલ્હી તેડાવ્યા છે. સમાધાનનો માર્ગ કાઢવા બેઠકોનો દોર શરુ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 200 ધારાસભ્યો ધરાવતી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસનાં 108 ધારાસભ્યો છે અને 13 અપક્ષો ધારાસભ્યોનું પણ તેને સમર્થન છે. ગેહલોત જૂથના ધારાસભ્યો એવો દાવો કરી રહ્યા છે કે 2020માં ગેહલોત સરકારને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં સામેલ નેતાને રાજ્યનું સુકાન સોંપવું ન જોઇએ.

રાજસ્થાનમાં કોંગ્રેસનાં આંતરિક ઘટનાક્રમથી ફરી એક વખત કોંગ્રેસનો ફજેતો થયો છે. અનેકવિધ પડકારો સામે ઝઝૂમી રહેલા કોંગ્રેસને આ નવા પડકારનો સામનો કરવાનો વખત આવ્યો છે અને તેને પગલે નેતાગીરી અત્યંત સાવધ બની ગઇ છે.

નારાજ ધારાસભ્યોની ચાર શરત
રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક ધમાસાણ સર્જાયું છે અને સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા સામે અશોક ગેહલોત જૂથે સીધો મોરચો ખોલીને 92 ધારાસભ્યોએ રાજીનામા ધરી દેવાની તૈયારી બતાવી છે ત્યારે ગેહલોત જૂથના આ ધારાસભ્યોએ નવા મુખ્યમંત્રી માટે ચાર શરતો નેતાગીરી સમક્ષ મુકી હોવાનું બહાર આવ્યું છે. સુત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસનાં 102 ધારાસભ્યોમાંથી કોઇ એકને મુખ્યમંત્રી બનાવવા.

સચિન પાયલોટને કોઇ કાળે સુકાન ન સોંપવા, ગેહલોત નક્કી કરે તેને મુખ્યપ્રધાન પદે નિમણુંક આપવા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થયા પછી જ આ સમગ્ર કવાયત કરવાની શરતો મુકવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement