બિનગાંધી કોંગ્રેસ પ્રમુખ નૈયા પાર લગાવી શકશે ? અનેક પડકારો; મુખ્ય એક જ, ગાંધી પરિવાર !

26 September 2022 11:36 AM
India Politics
  • બિનગાંધી કોંગ્રેસ પ્રમુખ નૈયા પાર લગાવી શકશે ? અનેક પડકારો; મુખ્ય એક જ, ગાંધી પરિવાર !

શું નવા પ્રમુખ ગાંધી પરિવારનું જ ચાલે તે છાપ ભૂંસી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન: જે રીતે કોંગ્રેસ દરેક જગ્યાએથી ધોવાઈ રહી છે ત્યાં ફરી બેઠી કરવાનો પણ પડકાર

નવીદિલ્હી, તા.26
કોંગ્રેસના આગલા રાષ્ટ્રીય પ્રમુખ ગાંધી પરિવારમાંથી નહીં આવે તે નિશ્ચિત બની ગયું છે. રાહુલ ગાંધીએ પક્ષપ્રમુખની ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. પ્રમુખપદને લઈને ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી મુકાબલો કોંગ્રેસના સીનિયર નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ લોકસભા સાંસદ શશી થરૂર વચ્ચે થશે જેમાં ગેહલોતનું પલડું ભારે મનાય રહ્યું છે.

આમ જોવા જઈએ તો નવા પ્રમુખ માટે આંતરિક જૂથબાજી અને કજિયા-કંકાસનો મોટો પડકાર રહેશે. નરેન્દ્ર મોદી-અમિત શાહના ભાજપ સાથે મુકાબલાના પડકાર વચ્ચે પક્ષની કમાન સંભાળવી કાંટાળા તાજ જેવો જ રહેશે. બિનગાંધી પ્રમુખ માટે સૌથી મોટો પડકાર ગાંધી પરિવારની છાયાથી બહાર નીકળવું પડશે. સવાલ એ છે કે શું નવા પ્રમુખ ગાંધી પરિવાર સામે પોતાનું કદ જાળવી શકશે કે પછી રામની ચરણપાદુકા રાખી ભરતની જેમ રાજ ચલાવશે.

વિરોધીઓનું મોઢું બંધ કરવા માટે ગાંધી પરિવારે પ્રમુખપદથી અંતર બનાવી લીધું છે પરંતુ શું તેઓ પક્ષ પર રહેલી પકડ છોડી શકશે ? ગાંધી પરિવારના રહેતા બિનગાંધી પ્રમુખ સ્વતંત્ર નિર્ણયો લઈ શકશે કે કેમ તે પણ મોટો સવાલ છે.

પાછલા થોડા દશકાઓથી જે રીતે કોંગ્રેસ પ્રમુખ અને પરિવાર એકબીજાના પર્યાયવાયી બની ચૂક્યા છે તેને જોતાં નવા પ્રમુખ માટે પોતાની લકીર ખેંચવી પડકારજનક બની રહેશે. સત્તાના એકથી વધુ કેન્દ્રનો ખતરો પણ મોઢું ફાડશે. ગાંધી પરિવારનું કહેવું છે કે તે કોઈ પણ ઉમેદવારના પક્ષમાં નથી પરંતુ ગેહલોતનું લડવું જ દર્શાવે છે કે પરિવાર વફાદાર નેતાને કમાન સોંપવા માંગે છે.

ગાંધી પરિવાર સામે સીતારામ કેસરીનું ઉદાહરણ પણ છે. જે પી.વી.નરસિમ્હારાવે કેસરીને પ્રમુખ બનાવ્યા તે જ કેસરીએ રાવને ઠેકાણે પાડી દીધા હતા ! સ્પષ્ટ છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાના સફળ મનમોહન ફોર્મ્યુલા પર ચાલવાનું વ્યાજબી ગણ્યું છે.

નવાપ્રમુખ માટેનો પડકાર સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે જીતવાનો મંત્ર અને ફોર્મ્યુલા બન્ને પર કામ કરવાનો રહેશે. સત્તાની દૃષ્ટિએ જોઈએ તો પક્ષ અત્યારે તેના અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બે રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં તેની પૂર્ણ તો બે રાજ્યો બિહાર અને ઝારખંડમાં ગઠબંધનની સરકાર છે. 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેનો એક પણ સાંસદ નથી.

11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોંગ્રેસના માત્ર એક જ સાંસદ છે. પાંચ રાજ્યો એવા ચે જ્યાં એક પણ ધારાસભ્ય નથી તો યુપી જેવા રાજ્યમાં કોંગ્રેસ પાસે માત્ર બે જ ધારાસભ્ય છે આવામાં પક્ષમાં અનુશાસન, સંગઠનાત્મક મજબૂતિ અને શ્રેષ્ઠ રણનીતિ પર કામ કરીને જીતનો મંત્ર આપવો સરળ રહેશે નહીં.


Related News

Advertisement
Advertisement
Advertisement