ગેહલોત-રઘુ શર્મા રાજસ્થાનમાં ‘પરોવાતા’ ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારી ડામાડોળ

26 September 2022 02:16 PM
Gujarat India Politics
  • ગેહલોત-રઘુ શર્મા રાજસ્થાનમાં ‘પરોવાતા’ ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારી ડામાડોળ

ચૂંટણી હવાલો ધરાવતા બંને નેતાઓને સ્થાનિક રાજકારણમાં ઝુકાવવાનો વખત આવતા ગુજરાતમાં ધ્યાન નહીં આપી શકે : ગુજરાત કોંગ્રેસ માટે ‘દુષ્કાળમાં અધિક માસ’ જેવો ઘાટ

રાજકોટ, તા. 26
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક મહાસંગ્રામ શરુ થતાં ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારીને પણ અસર થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે જ ગુજરાતનો હવાલો છે અને તેઓ પોતાના આંતરિક રાજકારણમાં ગુંથાઈ જતાં ગુજરાતની ચૂંટણી તૈયારીને મોટી અસર થઇ શકે છે.

ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તમામ તાકાત કામે લગાડવાનો વ્યૂહ અપનાવ્યો હતો અને તમામ પ્રકારની રણનીતિ ઘડવા માટે દિલ્હીથી જ સિનિયર નેતાઓને મેદાનમાં ઉતારવા સાથે મહત્વના હવાલા પણ રાષ્ટ્રીય નેતાઓને આપવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી હવાલો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સોંપાયેલો છે અને છેલ્લા બે મહિના દરમિયાન તેઓ અનેક વખત ગુજરાત આવીને શ્રેણીબધ્ધ બેઠકો યોજી ચૂંટણી રણનીતિ ઘડી ચૂક્યા છે.

એટલું જ નહીં આવતા દિવસોમાં રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોના ગુજરાત પ્રવાસની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. આવા સમયે રાજસ્થાનમાં જ કોંગ્રેસનું ઘર સળગતા અશોક ગેહલોતને ત્યાં ડેમેજ કંટ્રોલ સહિતની રાજકીય રણનીતિમાં ગુંથાવાનો વખત આવ્યો છે એટલે ગુજરાતમાં ચૂંટણી તૈયારી વેરવિખેર બની જવાનું માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના મુખ્ય ઓર્બ્ઝવર તરીકે અશોક ગેહલોત છે. જ્યારે પ્રભારી પદે રઘુ શર્મા છે તેઓ પણ રાજસ્થાનના જ છે. બંને નેતાઓને સ્થાનિક રાજકારણમાં ગુંથાવાનો વખત આવતા ગુજરાતની ચૂંટણી તૈયારીને કામચલાઉ ધોરણે મોટો ફટકો પડી શકે છે.

પ્રદેશ કોંગ્રેસના જ સુત્રોએ જણાવ્યું છે કે, રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ હાઈકમાન્ડની દરમિયાનગીરીથી થાળે પડી જશે. રાજસ્થાનમાં પાર્ટીને કોઇ નુકશાન નથી કારણ કે કોંગ્રેસના જ નવા મુખ્યમંત્રી બનવાના છે પરંતુ ગુજરાત ઉપર મોટી અસર થઇ શકે છે. વિધાનસભા ચૂંટણીમાં તમામ તાકાત કામે લગાડવામાં આવી રહી છે તેવા સમયે બંને મુખ્ય નેતાઓને રાજસ્થાનના આંતરિક રાજકારણમાં ધ્યાન આપવાનો વખત આવ્યો હોવાથી હાલ તૂર્ત ગુજરાત પર ધ્યાન આપી નહીં શકે એટલે ગુજરાતની તૈયારીને બ્રેક લાગી જશે.

કોંગ્રેસ માટે આ ઘટનાક્રમ દુષ્કાળમાં અધિક માસ જેવો સાબિત થઇ શકે છે.ગુજરાતમાં પણ આંતરિક જૂથવાદ છે અને નેતાગીરી તે અટકાવી શકી નથી. ઉમેદવાર પસંદગી વખતે તે વધુ વકરવાની આશંકા છે. તે રોકવા માટે અત્યારથી પ્રયત્નો શરુ કરી દેવામાં આવ્યા હતા તેવા સમયે જ બંને સિનિયર નેતાઓને રાજસ્થાનના રાજકારણમાં ઝુકાવું પડ્યું છે એટલે ગુજરાતની સ્થિતિ ડામાડોળ થઇ શકે છે.

પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ ‘ઢીલ’માં પડશે ?
રાજકોટ : રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક સંગ્રામને કારણે ગુજરાત ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત અને પ્રભારી રઘુ શર્માએ રાજસ્થાન તરફ ધ્યાન દોડાવી દીધું છે અને ગુજરાતની તૈયારીને બ્રેક લાગી ગયાનો ઘાટ છે તેવા સમયે નવરાત્રિ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ ઢીલમાં પડે તેવી આશંકા વ્યક્ત થવા લાગી છે. નવરાત્રિ દરમિયાન પ્રિયંકા ગાંધીનો રોડ-શો અને માતાજીના મંદિરે દર્શનનો કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે. તેવા સમયે રાજસ્થાનની ઉથલપાથલ અસર કરી શકે છે.

ચૂંટણી ઢંઢેરા માટે કોંગ્રેસે જિલ્લાસ્તરેથી સૂચનો મંગાવ્યા
રાજકોટ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આગામી મહિને થવાનાં સંકેતો વચ્ચે કોંગ્રેસે પણ આવતા મહિને જ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાની રણનીતિ અપનાવી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના નેતાઓએ અનેક વચનો જાહેર કરી જ દીધા છે. છતાં વિધિવત ઢંઢેરો આવતા મહિને જાહેર કરવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં ક્યા મુદ્દાને સામેલ કરવા તે માટે તમામ જિલ્લા સ્તરેથી સુચનો માંગવામાં આવ્યા છે. ખેડૂત, કરાર આધારિત કર્મચારીઓ, પીડિત વર્ગ વગેરે જૂથો સાથે બેઠક કરીને સૂચનો મેળવવામાં આવી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement