વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી : વીડિયોગ્રાફી, સ્ટેશનરી, પ્રિન્ટીંગ સહિતના ટેન્ડર પ્રસિધ્ધ

26 September 2022 04:11 PM
Rajkot Gujarat
  • વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી : વીડિયોગ્રાફી, સ્ટેશનરી, પ્રિન્ટીંગ સહિતના ટેન્ડર પ્રસિધ્ધ

જિલ્લા કલેક્ટર-ચૂંટણી અધિકારી ગાંધીનગરમાં : ચૂંટણીની તૈયારીઓ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમિક્ષા

રાજકોટ,તા. 26 : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં સ્ટેશનરી, પ્રિન્ટીંગ, જીપીએસ,ભોજન, વીડિયોગ્રાફી, ફલેક્સ બેનર સહિતના ઓનલાઇન ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવેલ છે.

સ્ટેશનરીના ટેન્ડરમાં 60થી વધુ આઈટમોનો સમાવેશ કરવામાં આવેલ છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં કોઇ કચાશ ન રહે તે માટે ખાસ ધ્યાન કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જેમાં સ્ટેશનરી, જીપીએસ, વીડિયોગ્રાફી સહિતના પ્રસિધ્ધ કરાયેલા આ ઓનલાઇન ટેન્ડર જેમ્સ એપ્લીકેશનમાં ભરી શકાશે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ઇવીએમ મશીનની ચકાસણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ સંવેદનશીલ મથકોની તપાસણી ચાલી રહી છે. બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગરમાં પડાવ નાખી દીધો હોય આજે રાજકોટ સહિત રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને તેડુ મોકલી ગાંધીનગર બોલાવવામાં આવેલ છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓ પાસેથી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલહોય અને જરુરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement