રાજકોટના 10 PI ની આંતરિક બદલી: આર્થિક અપરાધ શાખાની રચના

26 September 2022 04:29 PM
Rajkot Saurashtra
  • રાજકોટના 10 PI ની આંતરિક બદલી: આર્થિક અપરાધ શાખાની રચના

♦ ચૂંટણી પહેલાં પોલીસ તંત્રમાં ધરમૂળથી ફેરફાર શરૂ: ટ્રાફિક વિભાગને વધુ મજબૂત કરાયો

♦ પીસીબીના એમ.બી.નકુમને ટ્રાફિકમાં, થોરાળાના જે.આર.દેસાઈને પીસીબીમાં, કૂવાડવાના બી.એમ.જનકાંતને મહિલા પોલીસ મથકમાં, નવા આવેલા પીઆઈ કે.એમ.ચૌધરીને કૂવાડવામાં, બી.ટી.ગોહિલને આર્થિક અપરાધ શાખામાં, ટ્રાફિક વિભાગના એમ.એ.જનકાંતને એરપોર્ટમાં, થોરાળામાં એલ.કે.જેઠવાને મુકાયા

♦ ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરતી જતાં પાંચ પીઆઈની નિમણૂક: સાયબર ક્રાઈમને ડામવા, કામગીરીમાં ઝડપ લાવવા વધુ એક પીઆઈ કે.જે.મકવાણાને મુકતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ: હવે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને પેરોલ ફર્લો સ્કવોડમાં જ પીઆઈની જગ્યા ખાલી

રાજકોટ, તા.26
વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ આખા રાજ્યના પોલીસ તંત્રમાં ધરમૂળથી ફેરફાર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીપંચ દ્વારા એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતાં હોય તેવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યા બાદ રાજકોટમાંથી અનેક પીઆઈ-પીએસઆઈ ઉપરાંત ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. બદલી થયા બાદ નવા અધિકારીઓને રાજકોટ મુકવામાં આવ્યા બાદ હવે પોલીસ કમિશનર દ્વારા તેમને પોસ્ટીંગ આપી દેવામાં આવ્યું છે. દરમિયાન શહેરના 10 પોલીસ ઈન્સ્પેક્ટરોને આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જે 10 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે તેમાં પીસીબીમાં પીઆઈ તરીકે કાર્યરત એમ.બી.નકુમને ટ્રાફિક બ્રાન્ચમાં, મહિલા પોલીસ મથકના પીઆઈ કે.જે.મકવાણાને સાયબર ક્રાઈમમાં, રાજકોટમાં નવા આવેલા પીઆઈ એલ.કે.જેઠવાને થોરાળામાં, થોરાળા પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈને એમ.બી.નકુમની જગ્યાએ પીસીબીમાં, કૂવાડવા પોલીસ મથકના પીઆઈ બી.એમ.જનકાંતને મહિલા પોલીસ મથકમાં, એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ વી.આર.રાઠોડને ટ્રાફિક બ્રાન્ચમાં, કૂવાડવા પોલીસ મથકમાં બી.એમ.જનકાંતના સ્થાને નવા આવેલા પીઆઈ કે.એમ.ચૌધરીને, બી-ડિવિઝન પોલીસ મથકમાં નવા આવેલા પીઆઈ આર.જી.બારોટને તો એરપોર્ટ પોલીસ મથકમાં ટ્રાફિક બ્રાન્ચના એમ.એ.જનકાંતને મુકવામાં આવ્યા છે.

બીજી બાજુ તાજેતરમાં જ પીએસઆઈમાંથી પીઆઈનું પોસ્ટીંગ મેળવનારા બી.ટી.ગોહિલને આર્થિક અપરાધ શાખાના પીઆઈ બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક અપરાધો વધી રહ્યા હોય પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી આ શાખા શરૂ કરવામાં આવી છે અને તેમાં પીઆઈને નિમણૂક આપવામાં આવી છે.

હવે આ શાખા માટે ટૂંક સમયમાં સ્ટાફની ફાળવણી પણ કરી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.આ ઉપરાંત રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે તાજેતરમાં જ થરાદના એએસપી પૂજા યાદવને ડીસીપીના પ્રમોશન સાથે ટ્રાફિક ડીસીપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિક એસીપી તરીકે જે.બી.ગઢવી બદલી પામીને આવ્યા બાદ ટ્રાફિક વિભાગને વધુ મજબૂત બનાવવા હવે અહીં પાંચ જેટલા પીઆઈને પણ નિમણૂક આપવામાં આવી છે. અત્યારે ટ્રાફિક શાખામાં પીઆઈ તરીકે એમ.આર.પરમાર, વી.આર.રાઠોડ, એન.કે.વ્યાસ, એન.જી.વાઘેલા અને એમ.બી.નકુમ કાર્યરત છે.

આવી જ રીતે સાયબર ક્રાઈમ પણ દિન-પ્રતિદિન વધી રહ્યું હોવાથી તેમાં ઘટાડો લાવવા અને કામગીરીમાં ઝડપ આવે તે માટે પોલીસ કમિશનર દ્વારા વધુ એક પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. અહીં વધુ એક પીઆઈ તરીકે મહિલા પોલીસ મથકના પીઆઈ કે.જે.મકવાણાને મુકવામાં આવતાં હવે સાયબર ક્રાઈમમાં બે પીઆઈ જી.બી.ડોડિયા અને કે.જે.મકવાણાને કાર્યરત કરવામાં આવ્યા છે.એકંદરે આંતરિક બદલીઓ થયા બાદ હવે તમામ વિભાગના પીઆઈની નિમણૂક લગભગ થઈ જવા પામી છે. અત્યારે શહેર પોલીસ બેડામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) અને પેરોલ ફર્લો સ્કવોડમાં જ પીઆઈની જગ્યા ખાલી છે.

કે.એન.ભુંકણને એ-ડિવિઝન અને લાયસન્સ બ્રાન્ચ પીઆઈનો ઈન્ચાર્જ તરીકે હવાલો
માલવિયાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીઆઈ કે.એન.ભુંકણની તાજેતરમાં જ બદલી થયા બાદ તેમને લાયસન્સ શાખામાં મુકવામાં આવ્યા હતા જ્યારે તેમના સ્થાને ઈલાબેન એન.સાવલિયાને માલવિયાનગર પોલીસ મથકમાં મુકવામાં આવ્યા હતા. દરમિયાન 10 પીઆઈની આંતરિક બદલી થયા બાદ પોલીસ કમિશનર દ્વારા કે.એન.ભુંકણને એ-ડિવિઝન પોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે લાયસન્સ શાખામાં પણ તેમને ઈન્ચાર્જ પીઆઈ તરીકે યથાવત રખાયા છે. જો કે અહીં પીઆઈ તરીકે પીઆઈ ગામીતને મુકવામાં આવ્યા છે એટલે કે.એન.ભુંકણ પાસેથી ટૂંક સમયમાં લાયસન્સ શાખાનો ચાર્જ લઈ લેવામાં આવશે.

રાજકોટના પીએસઆઈમાં ગીર-સોમનાથ જવાનો ક્રેઝ ! બેએ પદર ખર્ચે મેળવી બદલી
પોલીસ તંત્રમાં પીએસઆઈની બદલીઓનો સિલસિલો અત્યારે ચાલી રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની મહત્ત્વની બ્રાન્ચોના પીએસઆઈમાં ગીર-સોમનાથ જવાનો ગજબ ક્રેઝ હોય તેવી રીતે બેએ પદર ખર્ચે મતલબ કે સામેથી આ જિલ્લો માંગીને બદલી મેળવી છે. આ પીએસઆઈમાં ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એ.બી.વોરા અને ઝોન એલસીબી પીએસઆઈ વી.કે.ઝાલાનો સમાવેશ થાય છે. આ પહેલાં ગીર સોમનાથમાં પીઆઈ તરીકે અજીતસિંહ ચાવડા ઉપરાંત યુનિવર્સિટીના પીએસઆઈ એ.બી.જાડેજાની બદલી પણ થવા પામી છે. એકંદરે ગીર સોમનાથમાં અત્યારે રાજકોટથી જ મોટાભાગના અધિકારીઓ જઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.

આંતરિક બદલીઓ બાદ હવે એક જ ચર્ચા; ક્રાઈમ બ્રાન્ચમાં સેકન્ડ પીઆઈ મુકાશે કે પછી એકથી જ ચાલશે ?
પોલીસ કમિશનર દ્વારા એક સાથે 10 જેટલા પીઆઈની આંતરિક બદલી કરાયા બાદ હવે પોલીસ બેડામાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ક્રાઈમ બ્રાન્ચમાં સેકન્ડ પીઆઈ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે ? મોટાભાગે નવા આવેલા પીઆઈને અલગ-અલગ પોલીસ મથકમાં મુકી દેવામાં આવ્યા છે ત્યારે એક ચર્ચા એવી પણ શરૂ થઈ જવા પામી છે કે સંભવત: ક્રાઈમ બ્રાન્ચમાં હવે બીજા પીઆઈ મુકાય તેવી સંભાવના બહુ ઓછી છે. ક્રાઈમ બ્રાન્ચમાં અત્યારે વાય.બી.જાડેજા કાર્યરત છે. જ્યારે બીજા પીઆઈની તાજેતરમાં જ બદલી થઈ જતાં તેમની જગ્યાએ બી.ટી.ગોહિલનું નામ સેકન્ડ પીઆઈ તરીકે મોખરે હતું પરંતુ તેમને આર્થિક અપરાધ શાખાના પીઆઈ બનાવવામાં આવતાં આ ચર્ચાનો પણ અંત આવી ગયો છે.

મોડ-2ની પરીક્ષા પાસ કરનારા શહેર-ગ્રામ્યના 18 પીએસઆઈને પોસ્ટીંગ
તાજેતરમાં જ પીએસઆઈની મોડ-2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શહેર-ગ્રામ્યના 18 હેડ કોન્સ્ટેબલે પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા પાસ કર્યા બાદ તેમને પોસ્ટીંગ આપવાનું બાકી હોવાથી સરકાર દ્વારા આ તમામને અલગ-અલગ જિલ્લાઓમાં પોસ્ટીંગ આપી દેવામાં આવ્યું છે જ્યારે અમુક અમુક પીએસઆઈને રાજકોટ શહેરમાં જ યથાવત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement