શેરબજારમાં 1000 પોઇન્ટનો કડાકો : રૂા. 7 લાખ કરોડનું ધોવાણ

26 September 2022 04:42 PM
Business India
  • શેરબજારમાં 1000 પોઇન્ટનો કડાકો : રૂા. 7 લાખ કરોડનું ધોવાણ

વિદેશી હુંડીયામણમાં ઘટાડો, વૈશ્વિક મંદીના ભણકારા સહિતનાં કારણોથી ગભરાટ : બેન્ક શેરોનો ‘ભૂક્કો’ : સેન્સેક્સ 58,000ની નીચે સરક્યો, નિફટી પણ ઇન્ટ્રા ડે 17,000ની નીચે

મુંબઈ,તા. 26
ભારતીય શેરબજાર તથા કરન્સી માર્કેટમાં તિવ્ર મંદીનો દોર યથાવત જ રહ્યો હોય તેમ આજે નવા સપ્તાહના પ્રારંભે પણ કડાકો સર્જાયો હતો. સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે 1000 પોઇન્ટથી વધુનું ગાબડુ પડ્યું હતું. પ્રચંડ કડાકાને પગલે ઇન્વેસ્ટરોનાં 7 લાખ કરોડનું મૂડી ધોવાણ થયું હતું. છેલ્લા બે જ દિવસમાં ઇન્વેસ્ટરોએ 12 લાખ કરોડ ગુમાવ્યા છે.

નાણાકીય બજારોમાં આજે માનસ મંદીનું જ બની રહ્યું હતું. વિશ્વબજારોમાં કડાકા-ભડાકાનો પ્રત્યાઘાત હતો. ઘરઆંગણાના ઘટનાક્રમોએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. ભારતની વિદેશી હુંડીયામણ અનામત 2008ની મંદી કરતાં પણ ઝડપભેર ઘટી રહી હોવાના રિપોર્ટને પગલે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. આ સિવાય વિશ્વ સ્તરે આર્થિક મંદી સર્જાવાની ચેતવણીનો પણ ફફડાટ હતો. વિદેશી નાણા સંસ્થાઓ નવેસરથી જંગી વેચાણ કરવા લાગતા તથા કરન્સી માર્કેટમાં રુપિયાના ધોવાણ જેવા ઘટનાક્રમોએ પણ મંદીમાં ભાગ ભજવ્યો હતો. રુપિયાની નબળાઈથી આયાત મોંઘી થશે, ફરી મોંઘવારીનો ડામ લાગવા ઉપરાંત અર્થતંત્રને પણ ફટકો પડવાની ભીતિ વ્યક્ત થતી હતી.

મોંઘવારીના માર વચ્ચે રિઝર્વ બેન્ક માસાંતે ધીરાણ નીતિની સમિક્ષા કરવાની છે. વ્યાજ દરમાં અપેક્ષા કરતાં વધુ વધારો થવાની આશંકાથી પણ ગભરાટ ઉભો થયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટને અસર કરતાં તમામ ઘટનાક્રમો નેગેટીવ આવી રહ્યા છે. માહોલ મંદીનો બની ગયો છે. આવનારા મહિનાઓ આર્થિક રીતે પડકારજનક બને તેમ હોવાના ભયને કારણે નવા રોકાણને બ્રેક લાગવા લાગી છે. ટૂંકાગાળામાં માનસ સાવચેતીનું બની રહેવાનું મનાય છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. બેન્ક શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું. એક્સીસ બેન્ક, બજાજ ફાયનાન્સ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ડુસઇન્ડ બેન્ક, કોટક બેન્ક, મારુતિ, એનટીપીસી, પાવર ગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, હિન્દાલકો, ટાટા મોટર્સ, ભારતી એરટેલ સહિતના શેરોમાં ગાબડા પડ્યા હતાં. મંદી બજારે પણ ડિવીઝ લેબ, નેસ્લે, ઇન્ફોસીસ, એચસીએલ ટેકનો, સન ફાર્મા જેવા અમુક શેરો મજબૂત હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેકસ 808 પોઇન્ટના ગાબડાથી 57209 સાંપડ્યો હતો જે ઉંચામાં 57708 તથા નીચામાં 57038 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 267 પોઇન્ટના કડાકાથી 17060 હતો જે ઉંચામાં 17196 તથા નીચામાં 16978 થયો હતો.

ડોલર સામે રૂપિયાનું ધોવાણ ચાલુ : નવા નીચા સ્તરે
58 પૈસા તૂટીને 81.56ની નવી નીચી સપાટી : ડોલર મેળવવા આયાતકારોની દોડધામ
શેરબજારની જેમ કરન્સી માર્કેટમાં પણ સતત ધોવાણ ચાલુ રહ્યું હોય તેમ આજે ડોલર સામે રુપિયામાં વધુ 58 પૈસાનો પ્રચંડ કડાકો સર્જાયો હતો. ભારતનું વિદેશી હુંડીયામણ 2008ની આર્થિક મંદી કરતાં પણ ઘણી ઝડપથી ઘટતું હોવાનાં રિપોર્ટ તથા વિશ્વ સ્તરે આર્થિક મંદીના ભણકારા જેવા કારણોથી કરન્સી માર્કેટ દબાણ હેઠળ આવતું રહ્યું છે. રુપિયામાં એકાએક ધરખમ ઘટાડો થવા લાગ્યો હોવાના કારણે આયાતકારોમાં પણ દોડધામ થઇ ગઇ છે અને આયાત કમિટમેન્ટ પૂર્ણ કરવા માટે મોટાપ્રમાણમાં ડોલરની ખરીદી શરુ કરી હોવાથી રુપિયા પરનું દબાણ વધી ગયું છે.

જાણકારોના કહેવા પ્રમાણે કેટલાક દિવસોથી રિઝર્વ બેન્ક પણ રુપિયાને તૂટતો રોકવા માટે મથામણ કરતી હોય તેમ ડોલર ઠાલવી રહી છે છતાં તેમાં સફળતા મળતી નથી. રિઝર્વ બેન્કના આ પગલાને કારણે જ હુંડીયામણ ઘટતું હોવાની છાપ છે ઉપરાંત વિદેશી નાણા સંસ્થાઓએ છેલ્લા આઠ જ દિવસમાં એક અબજ ડોલરનો માલ ફૂંકી નાખતા તેની પણ અસર છે. કરન્સી માર્કેટમાં આજે બપોરે અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયો 58 પૈસા તૂટીને 81.56 સાંપડ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement