કલેક્ટર ઓફીસમાં નોકરી કરતાં દિપક જળુએ કોઠારીયામાં ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

26 September 2022 05:32 PM
Rajkot
  • કલેક્ટર ઓફીસમાં નોકરી કરતાં દિપક જળુએ કોઠારીયામાં ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અઠવાડિયા પૂર્વે એક અધિકારી સાથે ચડભડ થઇ હોવાની ચર્ચા : પગલુ ભરતા પૂર્વે મિત્રને મેસેજ કર્યો ઘરે આવતો અને મિત્રએ ઘરે જઇને જોયું તો દિપકનો મૃતદેહ લટકતો’તો : પરિવારમાં શોક

રાજકોટ,તા. 26
રાજકોટની કલેક્ટર ઓફીસમાં નોકરી કરતા આહીર યુવાન કોઠારીયા ગામમાં આવેલી ગદાધાર નામની રેસીડેન્સીમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો છે. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાવની વધુ વિગતો મુજબ કોઠારીયા ગામમાં આવેલી ગદાધાર રેસીડેન્સીમાં રહેતા દિપક જગમાલભાઈ જળુ નામના 33 વર્ષિય આહીર યુવાને પોતાના ઘરે આજે સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તુરત આજી ડેમ પોલીસ મથક તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચી ગયેલા 108 ઇએમટીએ દિપકભાઈને મૃત જાહેર કર્યા હતા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.

દિપકભાઈ બે ભાઈના નાના અને તેમના સંતાનમાં એક પુત્રી છે તેમજ તેમના બે વર્ષ પહેલા છૂટાછેટા થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ ફોર્સમાં નોકરી કરતાં હતાં. તેઓની ફરજ રાજકોટની કલેક્ટર ઓફીસમાં હતી. તેમના માતા-પિતા કેશોદ પંથકમાં રહે છે. દિપકભાઇને અઠવાડિયા પહેલાં કલેક્ટર ઓફીસમાં કામ કરતાં એક અધિકારી સાથે માથાકૂટ થઇ હતી તે અધિકારીએ દિપકભાઈની બદલી કરી નાખવાની ધમકી આપી હોવાની ચર્ચા થઇ રહી છે.

તેમજ દિપકભાઈએ પગલુ ભરતા પહેલાં તેમના મિત્ર કૌશીક ગોહેલને એક મેસેજ કર્યો હતો કે ‘તું ઘરે આવ’ ત્યારબાદ કૌશીકભાઈએ આજે સવારે ઘરે જઇને જોયું ત્યારે દિપકભાઈના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે દિપકભાઈના આપઘાતનું કારણ જાણવા તજવીજ શરુ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement