મકાન-ફલેટ વધુ મોંઘા થશે: 58 ટકા લોકોની ‘તૈયાર આવાસ’ જ પસંદગી

27 September 2022 11:06 AM
India Top News
  • મકાન-ફલેટ વધુ મોંઘા થશે: 58 ટકા લોકોની ‘તૈયાર આવાસ’ જ પસંદગી

સર્વેના રસપ્રદ તારણો: 47 ટકા ઈન્વેસ્ટરોને રીયલ એસ્ટેટના રોકાણમાં રસ

નવી દિલ્હી તા.27
તહેવારોની સીઝન શરૂ થતાની સાથે જ વિવિધ ક્ષેત્રોમાં ખરીદીમાં તડાકો પડવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. કોવિડકાળના બે વર્ષ બાદ લોકોને તહેવારોની ભયમુક્ત ઉજવણીની તક મળી હોવાથી કારોબારમાં મોટો વધારો અપેક્ષિત ગણાય છે. રીયલ એસ્ટેટમાં પણ વ્યવહારો વધશે સાથોસાથ મિલ્કતના ભાવોમાં પણ વૃદ્ધિ થવાની શકયતા છે.

હાઉસીંગ ડોટકોમ તથા નરેડકો દ્વારા હાથ ધરવામાં સર્વેમાં એવા તારણો નીકળ્યા હતા કે 58 ટકા લોકો તૈયાર મકાનો- આવાસ ખરીદવા ઈચ્છે છે. નરેડકોના ચેરમેન રાજન બંડેલકરે કહ્યું કે કોરોનાકાળ બાદ રહેણાંક સંપતિની માંગમાં મોટો વધારો થયો છે. હોમલોન મોંઘી થવાની ચિંતા છતાં તહેવારોની વર્તમાન સિઝનમાં સંપતિ ડિમાંડમાં વધારો થવાનું અનુમાન છે અને તેને કારણે ભાવમાં પણ વધારો થવાની શકયતા છે.

રીયલ એસ્ટેટ કંપનીઓના કહેવા પ્રમાણે છેલ્લા એકાદ-દોઢ વર્ષમાં લોખંડ, સિમેન્ટ સહિતના કાચામાલના ભાવવધારાને કારણે બાંધકામ મોંઘુ થતા રહેણાંક-કોમર્સીયલ સંપતિમાં ભાવવધારો થયો જ હતો. હવે તહેવારોમાં માંગ વધવા સાથે ભાવ પણ વધી શકે છે. જો કે, રીયલ એસ્ટેટ ક્ષેત્રે ભાવવધારાથી ખરીદદારો-ગ્રાહકો થોડા સાવધ થઈ ગયા છે.

સર્વેમાં એવા પણ રસપ્રદ તારણો નીકળ્યા હતા કે 47 ટકા ઈન્વેસ્ટરો રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગે છે. વૈશ્ર્વિક મંદીના ઓછાયાને કારણે શેરબજારમાં રોકાણમાં રસ ધરાવતા લોકોની સંખ્યા 21 ટકા છે. 16 ટકા ફીકસ્ડ ડીપોઝીટ તથા 15 ટકા લોકો સોનામાં રોકાણ કરવા ઈચ્છુક છે.


Related News

Advertisement
Advertisement
Advertisement