નવરાત્રી પર મેઘરાજા પણ ઉત્સાહમાં: સૌરાષ્ટ્રમાં મગફળીને નુકસાન

27 September 2022 11:10 AM
Rajkot Saurashtra
  • નવરાત્રી પર મેઘરાજા પણ ઉત્સાહમાં: સૌરાષ્ટ્રમાં મગફળીને નુકસાન
  • નવરાત્રી પર મેઘરાજા પણ ઉત્સાહમાં: સૌરાષ્ટ્રમાં મગફળીને નુકસાન

માણાવદર પંથકમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ: જુનાગઢ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતો ચિંતામાં: ગીર સોમનાથ-ઉના પંથકમાં પણ હળવો વરસાદ: શહેરોમાં ગરબા આયોજકોને ટેન્શન..

રાજકોટ તા.27
રાજયનાં હવામાન વિભાગે ગઈકાલથી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમૂક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે ગઈકાલે પ્રથમ નોરતે પણ સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેડૂતોનાં મગફળીનાં પાકને નુકશાન થવા પામ્યું છે અને ખાસ કરીને ગરબા રસિયાઓ ટેન્શનમાં આવી ગયા છે.

ગઈકાલે પ્રથમ નોરતે માણાવદર પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 2.5થી માંડી 3 ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ, ઉના પંથકમાં 1 ઈંચ અને જુનાગઢના માળીયા હાટીના વિસ્તારમાં સવા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

દરમ્યાન માણાવદરથી મળતા અહેવાલો મુજબ માણાવદર શહેરમાં એકબાજુ નવલા નોરતાની રમઝટ ચાલુ થઈ છે ત્યારે બીજી બાજુ મેઘરાજાએ પ્રથમ નોરતાએ જ વિધ્ન રૂપી વરસાદ વરસાવીને ખેલૈયાઓને ચિંતામાં મૂકયા છે તથા ઉભા પાકને નુકશાન થવાનો ભય ઉભો થયો છે. શહેરમાં માત્ર છાંટા આવ્યા તો જાંબુડા તથા રોણકી ગામે 1 કલાક અનરાધાર વરસાદે દે ધના ધન પાણી પાણી કરી દીધુ હતું, 2॥થી 3 ઈચ જેટલો વરસાદનો અંદાજ છે આ વરસાદતી જાંબુડાની સીમની ગારી રસ્તામાં કમર સુધી પાણી પ્રવાહ વહેવા લાગ્યો હતો. આ પ્રવાહથી ખેતરોનો સંપર્ક તૂટયો હોવાનું જાંબુડાના પત્રકાર નવનીતભાઈ હેરભાએ જણાવ્યું હતું. આ વરસાદથીપાકને નુકશાની થવાનો ભય છે.

તેમજ પ્રથમ નવરાત્રીના દિવસે મેઘરાજાએ સોરઠમાં પણ પધરામણી કરતા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડયો હતો જો કે સાંજના ચાર પછી મેઘરાજાએ ધાર ખેચી લેતા હાશકારો જોવા મળ્યો હતો. પરંતુ જગના તાત ખેડુતે ઓરવેલી મગફળીનો સમય ચાર માસ ઉપર થઈ જતા પાકી ગયેલી મગફળીને જમીનમાંથી બહાર કાઢી પાથરે નાખી છે.

ત્યાં જ ગઈકાલે બપોરના મેઘરાજાએ બાર વાગ્યાથી સાંજના ચાર દરમ્યાન સવા ઈંચથી લઈ 3 મીમી વરસાન નોંધાવ્યો છે. માળીયા હાયીના વિસ્તારમાં સવા ઈંચ વંથલી પંથકમાં એકથી પોણો ઈંચ, ભેંસાણમાં અડધો ઈચ કેશોદ જુનાગઢ, જુનાગઢ તાલુકામાં ત્રણ ત્રણ મીમી વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ -માણાવદરમાં વરસાદ નોંધાયો ન હતો. જમીનમાંથી બહાર કાઢેલી મગફળીનો સોથ વળી જવા પામ્યો છે.

અધુરામાં પુરૂ આજે બીજા નવરાત્રીથી હાથીયા નક્ષત્રનો પ્રારંભ થઈ જવાના કારણે વરસાદી વાતાવરણમાં હાથીયાની સુંઢ ફરશે તો ખરીફ પાક ઉપર વળી ચુકયો છે તેનો સોથ બોલી જશે તેવી ભીતિ ઉભી થવા પામી છે. સોરઠ જીલ્લામાં મેઘરાજાએ આષો માસમાં દેખા દઈ વરસાદ ખાબકતા ખેડુતોએ કરેલી મહેનત ખર્ચ અને તૈયાર થયેલ પાક ઘરમાં આવશે કે કેમ? તેવો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.

જયારે ઉના પંથકમાં મેઘરાજાએ છેલ્લા ઘણા દિવસથી વિરામ લીધા બાદ ગઇકાલે સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાઈ ગયેલ હતા. અને અચાનકજ પેલા નોરતે મેધરાજાએ ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરતા નવરાત્રીમાં ગરબાના આયોજકો તેમજ ખેલૈયા ઓમાં ચિંતા જોવા મળી હતી.

તો બીજી તરફ પ્રથમ નોરતાના દિવસે ખેડૂતો પોતાનાં ખેતરમાં મગફળીના તૈયાર થયેલ પાકને કાઢવા માટેનું મુહર્ત કરવાની તૈયારી કરતા હતા. પરંતું અચાનક મેઘરાજાએ ધોધમાર હેત વરસાવતા ખેડુતોને વરસાદના કારણે મગફળી, બાજરી, સોયાબીન, શાકભાજી પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

ઉના શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારના સામતેર, ગરાળ, કાણકબરડા સહીતના ગામોમા અડધો કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયેલ હતો. જોકે એક કલાક દરમ્યાન એક ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયેલ હતો. ભારે વરસાદને પગલે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.તેમજ ભાવનગર શહેરમાં ગઇકાલે સતત બીજા દિવસે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જિલ્લાના ઉમરાળા પાલીતાણા અને વલભીપુરમાં છુટા છવાયો વરસાદ પડ્યો હતો.

ગોહિલવાડ પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ ઉભો થયો હતો. ભાવનગર શહેરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો.

ભાવનગર શહેરમાં 25 મી.મી. ઉમરાળા માં 7 મી.મી. પાલીતાણા 3 મી.મી .અને વલભીપુરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે જસદણનાં વીંછીયા તથા આજુબાજુના વિસ્તારમાં મેઘમહારાજા એ પ્રથમ નોરતાં ની મજા બગાડી હતી.રાત્રી ના આઠ વાગે મેઘ મહારાજાએ ગરબા લેવાનું -વરસવાનું શરૂ કરતા રંગ માં ભંગ પડ્યો હતો. આમ પહેલા નોરતાં એ મેઘ મહારાજાએ ગરબે રમી નવરાત્રિની શરૂઆત કરાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement