‘મકાન ખાલી કર અથવા વેચી દે’ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે 4 વિરૂધ્ધ ગુનો દાખલ

27 September 2022 11:15 AM
Rajkot
  • ‘મકાન ખાલી કર અથવા વેચી દે’ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે 4 વિરૂધ્ધ ગુનો દાખલ

♦ ગોંડલના ક્રિપાલસિંહ દરબાર, સતુભા દરબાર, મીરાજ વાળંદ, જીજ્ઞેશ ડોડીયા પાસેથી ફરિયાદીએ પત્નીની કેન્સરની સારવાર કરાવવા રૂા.5.25 લાખ લીધા બાદ રૂા.4.25 ચુકવી આપ્યા પછી પણ રૂા.5.50 લાખની ઉઘરાણી

♦ ગોંડલ ચોરડી દરવાજે અને બસ સ્ટેન્ડ પાસે ખોડીયાર ટી સ્ટોલ ચલાવતા બાવાજી પ્રૌઢ કિશોરભાઈ મેસવાણીયાએ ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરવા તજવીજ

રાજકોટ તા.27
ગોંડલમાં વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. અત્રે ચાની હોટલ ધરાવતા બાવાજી પ્રૌઢે પોતાની પત્નીની કેન્સરની સારવાર કરાવવા માટે વ્યાજે લીધેલા રૂપિયા 5.25 લાખમાંથી રૂા.4.25 લાખ ચુકવી દીધા પછી પણ ચડત વ્યાજ સાથે આરોપીઓએ મકાન ખાલી કરી દેવા અથવા વેચી દેવાની ધમકી આપી રૂા.5.50 લાખની ઉઘરાણી કરતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો છે.

વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનનાર કિશોરભાઈ કરશનદાસ મેસવાણીયા (બાવાજી- ઉ.વ.53) (રહે. ગીતાનગર, મેલડી માતાજીના મંદિરની પાછળ, ગોંડલ)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગોંડલના ચોરડી દરવાજે મારે ખોડિયાર ટી સ્ટોલ નામે દુકાન છે જે મારા ત્રણેય દીકરા મુકેશ, જયેશ અને સાગર ચલાવે છે, હું ગોંડલ બસ સ્ટેન્ડ પાસે ભાડાની દુકાન રાખી ટી સ્ટોલ ચલાવું છું. આઠેક મહિના પહેલા મારા પત્નીને કેન્સર હોવાની જાણ થતા સારવાર રાજકોટની ખાનગી હોસ્પિટલમાં શરૂ કરાવી હતી. જે દરમિયાન વધુ રૂપિયાની જરૂર પડતા બસ સ્ટેન્ડની સામે આવેલા માર્કેટીંગ યાર્ડની બાજુમાં હરભોલે બેકરીની ઉપર ઓફિસ ધરાવતા અને વ્યાજે પૈસા આપતા ક્રિપાલસિંહ દરબાર પાસેથી તેમજ વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ ખાતે ઓફિસ ધરાવતા સતુભા દરબાર અને ભુવનેશ્ર્વરી મંદિર સામે રામ ડેરીની બાજુમાં મીરાજ વાળંદની દુકાન આવેલ હોય જયાં ઓફિસ રાખી પૈસા વ્યાજે આપતા મીરાજ અને જીજ્ઞેશ ડોડીયા પાસેથી જુદા જુદા સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધી હતી.

જેમાં ક્રિપાલસિંહ પાસેથી રૂા.70,000 લઈ રૂા.49,500 ચુકવેલા તેમ છતા રૂા.1,65,000ની ઉઘરાણી કરી રહ્યા છે, સતુભા પાસેથી 12 ટકા વ્યાજ નકકી કરી 1,75,000 લીધેલા જેમાંથી 72000 ચુકવ્યા છે છતા રૂા.1,75,000ની ઉઘરાણી કરી છે. મીરાજ અને જીજ્ઞેશ પાસેથી રૂા.2,80,000 લીધેલ, જેના વ્યાજ પેટે 3,04,000 ચુકવ્યા છે છતા હજુ પણ રૂા. 2,10,000ની માંગણી કરી રહ્યા છે. રૂપિયા લીધા ત્યારથી આરોપીઓને હપ્તા આપ્યા છે, આ દરમિયાન એક મહિના પહે મારા પત્નીને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા હું એક મહિનાનો હપ્તો ન આપી શકતા આ શખ્સોએ મારૂ મકાન ખાલી કરી નાખવા અથવા વેચી દઈ ચડત વ્યાજ સાથે રૂપિયા ચુકવવા ધમકીઓ આપી હતી.

ગોંડલ સીટી પોલીસે આ અંગે આઈપીસી કલમ 504, 506 (2), 114 અને મનીલેન્ડ એકટની કલમ 33,34 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement