રાજકોટ ફરી એક વખત 'મુખ્યમંત્રી' આપશે ! જિલ્લાની આ બેઠકથી ભુપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડે તેવી ભાજપની ચાલતી તૈયારી

27 September 2022 12:10 PM
Ahmedabad Gujarat Politics Rajkot
  • રાજકોટ ફરી એક વખત 'મુખ્યમંત્રી' આપશે ! જિલ્લાની આ બેઠકથી ભુપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડે તેવી ભાજપની ચાલતી તૈયારી

► સમગ્ર સૌરાષ્ટ્રમાં અને છેક સુરત સુધી પાટીદાર મતો અંકે કરવા ભાજપનો જબરો ગેમ પ્લાન : કોંગ્રેસ-‘આપ’ બંને એક જ વ્યૂહથી મહાત થઇ શકે

► રાજકોટ-70 વિધાનસભા બેઠક પર ભાજપ સર્વસ્વીકૃત પાટીદાર નેતા તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉમેદવારીથી સૌરાષ્ટ્રમાં જુવાળ સર્જવા ભાજપની તૈયારી હોવાની ચર્ચા : રાજકોટમાંથી જ દરખાસ્ત થાય તેવી શક્યતા : એક મોટા નેતાને જવાબદારી સોંપાઈ

► કેશુભાઈ, નરેન્દ્ર મોદી અને વિજય રુપાણી બાદ રાજકોટને ફરી એક વખત સી.એમ.ને ચૂંટવાની તક મળશે ! ભાજપના ટોચના વર્તુળો દ્વારા સૌરાષ્ટ્ર માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો : પાટીદારોને વધુ બેઠકોની માંગણીને પણ આ એક વ્યૂહથી સંતોષ આપી શકાશે

રાજકોટ,તા. 27
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે ખાસ કરીને પાટીદાર મતોને અંકે કરવા માટે ભાજપ એક ખુબ જ મોટો ધમાકો સર્જે તેવા આયોજન સાથે આગળ વધી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ સુરતના પાટીદાર મતદારોને પૂર્ણ રીતે ભાજપની સાથે રાખવા માટે પણ આ એજન્ડાનો ભાગ હોવાનું મનાય છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે તેમજ પાટીદારોના ટોચના નેતાઓ પણ રાજકોટમાં રહે છે તેમજ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના બંને મોટા સમુદાય કડવા અને લેઉઆ પાટીદારનું ઓછામાં ઓછી 30 બેઠકો પર વર્ચસ્વ હોવાથી આ તમામ બેઠકો ભાજપના કબજામાં આવે તે જોવા આયોજન થઇ રહ્યું છે.

અને તેમાં રાજકોટની એક બેઠક પરથી વર્તમાન મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના સન્માનીય નેતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને જ ચૂંટણી લડાવાય તેવી શક્યતા પર પક્ષ આગળ વધી રહ્યો છે અને જો પક્ષ નિર્ણય લે તો સૌરાષ્ટ્રમાં ભાજપ માટે અત્યંત સરળ સ્થિતિ બની જશે. ભુતકાળમાં રાજકોટે ગુજરાતને એક બાદ એક મુખ્યમંત્રી આપ્યા છે અને તેમાં કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી તથા વિજયભાઈ રુપાણીની સાથે હવે ભુપેન્દ્રભાઈ પટેલનું નામ પણ રાજકોટમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી તરીકે જોડાય જાય તેવી પણ શક્યતા નકારાતી નથી.

ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ 69 બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ચૂંટણી લડવાના નથી તે નિશ્ર્ચિત બની રહ્યું છે. જ્યારે રાજકોટ-70માં વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ મુખ્યમંત્રી માટે બેઠક જતી કરે અને રાજકોટ-70માં જે સમગ્ર શહેરના નવા અને જૂના વિસ્તારોને આવરી લે છે તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રભરની અન્ય બેઠકો પર ભાજપનો વિજય અત્યંત સરળ બની જાય. રાજકોટમાં ધારાસભાની 69ની બેઠક કે જે ભાજપ કોઇ સવર્ણને ટીકીટ આપશે તેવું માનવામાં આવે છે તેમાં સ્થાનિક નેતાની પસંદગી થઇ શકે છે.

અગાઉ આ બેઠક પર પાટીદાર સમાજને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી થઇ હતી. અને હજુ પણ પાટીદારોમાં આંતરિક રીતે ચર્ચા ચાલુ છે અને 69માં જો કોઇ પાટીદાર નેતા ચૂંટણી લડે તો ભાજપને ટફ ફાઈટનો સામનો કરવો પડે તેના કરતાં ભાજપ ફક્ત વિધાનસભાની 69 બેઠક જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની પાટીદાર સહિતની બેઠકો પર પણ કમળ લહેરાવે તે અને ‘આપ’-કોંગ્રેસ બંને માટે વોટર લૂ જેવી સ્થિતિ બને તે વ્યૂહ હોવાનું માનવામાં આવે છે.

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદની ઘાટલોડિયા ધારાસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ ગુજરાતમાંથી કોઇપણ બેઠક જીતી શકે તેમ છે તે સમયે ઘાટલોડિયા બેઠક પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ફાળવીને તેમને પણ ‘સાચવી’ લેવાય તેવી શક્યતા પણ નકારાતી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement