રાજકોટમાં ‘રાજકીય એજન્ડા’ સાથે બે મોટા પાટીદાર નેતાની બેઠક

27 September 2022 12:13 PM
Rajkot Gujarat Politics
  • રાજકોટમાં ‘રાજકીય એજન્ડા’ સાથે બે મોટા પાટીદાર નેતાની બેઠક

♦ ચૂંટણીમાં કેવો વ્યુહ અપનાવવો? કેટલી ટીકીટ માંગવી? જેવા મુદ્દા ચર્ચાયા

♦ નરેશ પટેલ તથા જયરામ પટેલ વચ્ચે પોણો કલાક મીટીંગ: અનામત આંદોલન વખતના કેસો પાછા ખેંચાવાના મુદે પણ ચર્ચા

રાજકોટ તા.27
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પુર્વે વધુ પ્રતિનિધિત્વ મેળવવા માટે વિવિધ સમાજો હુંકાર કરી જ રહ્યા છે. રાજકીય પક્ષો- ખાસ કરીને ભાજપ પર દબાણ સર્જવાનો હેતુ છે. તેવા સમયે પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે બેઠક થતા અનેકવિધ રાજકીય ચર્ચાએ જોર પકડયુ છે. લેઉવા પટેલ નેતા નરેશ પટેલ તથા કડવા પાટીદાર આગેવાન જયરામભાઈ પટેલ વચ્ચે લાંબી બેઠક થઈ હતી. આ બેઠકનો એજન્ડા રાજકીય જ હોવાનું બહાર આવ્યુ છે.

વિધાનસભા ચૂંટણીનો સમયગાળો જેમ નજીક આવી રહ્યો છે તેમ સામાજીક ધોરણે પણ વધુ પ્રતિનિધિત્વ મેળવવાની સક્રીયતા વધી ગયાની છાપ હોય તેમ રાજકોટમાં ટોચના બે પાટીદાર નેતાઓ નરેશ પટેલ તથા જયરામભાઈ પટેલ વચ્ચે બેઠક થઈ હતી. મૌલેશભાઈ ઉકાણી તથા જગદીશભાઈ કોટડીયા પણ બેઠકમાં હાજર હતા. પાટીદાર નેતાઓએ બેઠકમાં સામાજીક મુદ્દાઓ પર જ ચર્ચા થયાનો દાવો કર્યો હતો પરંતુ માહિતગાર સૂત્રોએ કહ્યું કે બેઠકનો મુખ્ય એજન્ડા રાજકીય જ હતો.

વિધાનસભાની ચૂંટણી નજીક છે. આવતા મહિને જાહેરાત થઈ શકે છે. રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગીની કવાયત કરવા લાગ્યા છે ત્યારે અત્યારથી જ ‘શું કરવુ?’ અને કોની પાસે કેટલી ટીકીટ માંગવી? જેવી બાબતો નકકી કરી લેવી પડે તેમ છે તેવી ગણતરી સાથે બેઠક થઈ હતી.

બેઠકની ચર્ચા કે નકકી થયેલા વ્યુહ વિશે પાટીદાર આગેવાનોએ ફેર પાડયો ન હતો. પરંતુ એવી પણ ચર્ચા થઈ હતી કે પાટીદાર સમાજ માટે ટિકીટ માંગવાને બદલે રાજકીય પક્ષોના નેતાઓ સામેથી સંપર્ક કરે ત્યારે સંદેશો આપવાનુ સૂચન એક નેતાએ કર્યુ હતું.

રાજકીય મુદ્દા ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતના કેસો પાછા ખેંચવાના મામલે પણ ચર્ચા થઈ હતી. સરકારે અગાઉ બાંહેધરી આપી હોવા છતાં કેસો પાછા ખેંચાયા નથી ત્યારે ફરી રજુઆત કરવી કે કેમ તેની ચર્ચા થઈ હતી.

ગુજરાતના રાજકીય સમીકરણો ચકાસવામાં આવે તો લેઉવા-કડવા પાટીદારોની કુલ વસતી 15 ટકા છે. 2012માં 182માંથી 50 ધારાસભ્યો પાટીદાર હતા અને તેમાંથી 36 ભાજપમાંથી ચૂંટાયા હતા.

2017માં પાટીદાર અનામત આંદોલન બાદ સમીકરણો બદલાયા હતા અને ભાજપમાંથી 28 તથા કોંગ્રેસમાંથી 20 ધારાસભ્યો ચૂંટાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કડવા પાટીદાર નેતા જયરામ પટેલે અગાઉ એવુ વિધાન કર્યુ હતું કે પાટીદાર સમાજ આ વખતે પણ શાસક પક્ષ પાસેથી ટીકીટ માંગશે. 25 બેઠકોમાં પાટીદાર મત જ નિર્ણાયક હોય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement