ગેહલોતનો ગેમ પ્લાન : હાઈકમાન્ડની ‘હવા’ નીકળી ગઇ

27 September 2022 12:24 PM
India Politics
  • ગેહલોતનો ગેમ પ્લાન : હાઈકમાન્ડની ‘હવા’ નીકળી ગઇ

♦ રાજસ્થાનમાં આજના નાટ્યાત્મક દ્રશ્યોની સ્ક્રીપ્ટ એક સપ્તાહ પૂર્વે જ લખાઈ ગઇ હતી

♦ રાજસ્થાનમાં જે કાંઇ બન્યું તેનાથી ગેહલોતની શક્તિ કરતા કોંગ્રેસ મોવડી મંડળની નબળાઈ વધુ ખુલી પડી છે અને કદાચ ગાંધી કુટુંબ માટે હવે પક્ષને બચાવવા માટે કોઇ વિકલ્પ જ નથી : અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ ન બને તો પણ જે બનશે તેના માટે પણ ભાગ્યે જ કોઇ પક્ષીય સત્તા હશે

♦ સોનિયા-રાહુલ અને પ્રિયંકા ત્રણેયની ઓથોરિટીને ખુદ ગાંધી કુટુંબના જ ‘બ્લુ આઈ બોય’ તરીકે જાણીતા અશોક ગેહલોતે પડકાર ફેંકીને સાબિત કરી દીધું કે કોંગ્રેસ પક્ષમાં હવે ગાંધી કુટુંબ ફક્ત એક કઠપૂતળી છે અને દરેકે સ્વીકારી લીધું છે કે તે પક્ષને પુન: બેઠો કરી શકે તેમ નથી કે ચૂંટણી જીતાવી શકે તેમ નથી, ફક્ત ગાંધી કુટુંબના નામે મનગમતા આદેશ મેળવીને સત્તા ટકાવવાનું કોંગ્રેસમાં ચલણ છે

♦ દેશમાં મુખ્ય વિપક્ષનું સ્થાન હોય તેવા બહુ ઓછા રાજ્યોમાં ગુજરાતમાં કોંગ્રેસ આ દાવો કરી શકે છે અને હવે ચૂંટણી આવી છે તે સમયે કોંગ્રેસની તમામ તાકાત ગુજરાતમાં હોવી જોઇએ તેના બદલે પક્ષમાં આંતરિક મલ્લયુધ્ધ ચાલે છે જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસ નહીં છોડવાનું મન બનાવી ચૂકેલા અનેક નેતાઓ પણ પોતાનું રાજકીય ભવિષ્ય વિચારતા થઇ જશે

નવી દિલ્હી,તા. 27
રાજસ્થાનમાં જે કાંઇ રાજકીય નાટ્યાત્મક દ્રશ્યો સર્જાઇ રહ્યા છે તેની સ્ક્રીપ્ટ લગભગ 10 દિવસ પહેલા જ લખાઈ ગઇ હતી અને હવે જે કાંઇ બનશે તેનાથી કોંગ્રેસ મોવડી મંડળની નબળાઈ વધુ ખુલ્લી પડશે તે નિશ્ર્ચિત છે. કોંગ્રેસ પ્રમુખ પદ માટે ગાંધી કુટુંબના બહારના વ્યક્તિને શોધવા જતા હવે કદાચ કોંગ્રેસ તેનું એકમાત્ર મજબૂત રાજ્ય રાજસ્થાન પણ ગુમાવી દે તેવા સંકેતને નકારી શકાતા નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોતના જૂથે એ સાબિત કરી દીધું છે કે તેમની વફાદારી કોંગ્રેસ મોવડી મંડળ પ્રત્યે નહીં પરંતુ ગેહલોત પ્રત્યે છે.

સૌથી મહત્વનું એ છે કે અત્યાર સુધી કોંગ્રેસ મોવડી મંડળ અને ખાસ કરીને ગાંધી કુટુંબના ‘બ્લુ આઈ બોય’ તરીકે જાણીતા અને ટ્રબલ શૂટર તથા કોંગ્રેસને ચૂંટણી જીતાવી શકે તેવા એકમાત્ર નેતા પણ કોંગ્રેસ મોવડી મંડળને કેટલી ગંભીરતાથી લેતા હતા તે સાબિત કરી દીધું છે. વાસ્તવમાં અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખપદે ગાંધી કુટુંબના જ કોઇ વ્યક્તિને બેસાડીને પોતાની રાજસ્થાનની ગાદી સલામત રાખવા માગતા હતા અને જ્યારે પક્ષમાં એક વ્યક્તિ-એક હોદાની વાત ખુદ રાહુલ ગાંધીએ કરી તો તૂર્ત જ ગેહલોતે પોતાની સ્ક્રીપ્ટ બદલી નાખી અને મુખ્યમંત્રી પદ છોડવાનું દબાણ વધી જતાં પક્ષના મોવડી મંડળ પર જ વળતુ દબાણ લાવવાનો દાવ ખેલી લીધો.

સુત્રોના જણાવ્યા અનુસાર ગેહલોતે તેના સમર્થક ધારાસભ્યોને સ્પષ્ટ કહી દીધું હતું કે પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટને તે કોઇ પણ સંજોગોમાં મુખ્યમંત્રી બનવા દેશે નહીં અને તેના માટે જે કાંઇ કરવું પડે તે માટે તેઓ તૈયાર છે. બીજી તરફ ગાંધી કુટુંબ ગેહલોતની આ રણનીતિ સમજી ગયું હતું અને તેથી જ સોનિયા ગાંધીએ અત્યંત ઉતાવળે પક્ષના બે નિરીક્ષક મલ્લીકાર્જુન ખડગે અને અજય માકનને જયપુર રવાના કર્યા અને પક્ષના ધારાસભ્યોની બેઠકમાં એવું નિશ્ચિત કરવા જણાવાયું કે રાજ્યના નવા સુકાનીની પસંદગીમાં મોવડી મંડળને અધિકાર આપવામાં આવે છે પરંતુ ગેહલોત જૂથે વળતો દાવ ખેલીને આ ધારાસભ્યોની બેઠક મળે જ નહીં તે નિશ્ર્ચિત કરી લીધું. કારણ કે એક વખત આ બેઠક મળી જાય તો સચિન પાયલોટને મુખ્યમંત્રી બનવાનું સરળ બની જશે અને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી પણ અશોક ગેહલોત તેને રોકી શકશે નહીં.

ગેહલોતે તેની રણનીતિમાં પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રતાપસિંહ, સંસદીય કાર્યમંત્રી ધારીવાલનો રાજકીય ઉપયોગ કર્યો અને રવિવારે પક્ષના ધારાસભ્યોની બેઠક મળે જ નહીં તેવું નિશ્ચિત કરીને પોતે જેસલમેરમાં તનોટ માતાના મંદિરે પહોંચી ગયા અને હવે કોંગ્રેસ મોવડી મંડળ કઇ રીતે રાજસ્થાનનુ કોકડુ ઉકેલે છે તેના પર સૌની નજર છે. જો અશોક ગેહલોતને રાષ્ટ્રીય પ્રમુખ ન બનાવાય તો પણ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવી શકાશે કે કેમ તે પ્રશ્ન છે અને અશોક ગેહલોત કેમ્પ પણ કોઇપણ બાંધછોડના મૂડમાં નથી. સચિન પાયલોટ સિવાય અન્ય કોઇને મુખ્યમંત્રી બનાવીને પણ સચિન પાયલોટને મંત્રી મંડળમાં જગ્યા ન મળે તે નિશ્ચિત કરશે.

વાસ્તવમાં કોંગ્રેસમાં જે કાંઇ બન્યું તે માટે કોંગ્રેસ ખુદ જ અને ખાસ કરીને ગાંધી કુટુંબ જવાબદાર છે. પંજાબમાં કેપ્ટન અમરીન્દસિંહ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતના રાજકીય વારસદાર નિશ્ર્ચિત કરવામાં કોંગ્રેસે પહેલા પંજાબ ખોયું અને રાજસ્થાન પણ બચાવી શકશે કે કેમ તે પ્રશ્ર્ન છે. બીજી તરફ એક બાદ એક રાજ્યમાં કોંગ્રેસ પોતે પોતાના જ પક્ષના પડકારોનો સામનો કરી રહી છે. કોંગ્રેસ નબળી પડતી જાય છે અને તેમા સતામાં રહેલા જૂથો મજબૂત બનતા જાય છે.

ભુતકાળમાં ગોવામાં પણ કોંગ્રેસ મોવડી મંડળ નિર્ણય લેવામાં વિલંબ કરતાં ભાજપે તે પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો અને હવે રાજસ્થાનમાં ભાજપ એ નિશ્ચિત કરશે કે કોંગ્રેસ પક્ષ એ આંતરિક લડાઈના કારણે લોહીલુહાણ થાય પછી તેનો સફાયો કરતાં સમય નહીં લાગે. કોંગ્રેસ પક્ષ તેની ભૂલોમાંથી શીખવા જ માગતું નથી. એક તરફ ગુજરાત કે જ્યાં કોંગ્રેસ પોતાને મુખ્ય વિપક્ષ ગણાવી શકે તેવા એક રાજ્યમાં ચૂંટણી લડવા જઇ રહી છે તે સમયે કોંગ્રેસ મોવડી મંડળ નહીં કોંગ્રેસના તમામ શક્તિશાળી નેતાઓનું ધ્યાન ગુજરાત ભણી હોવું જોઇએ તેના બદલે દરેક નેતાઓ પોતાની ખુરશીની ચિંતા કરે છે.

બીજી તરફ કોંગ્રેસમાં જે લોકો પક્ષ છોડીને ગયા છે તેઓએ વર્ષો સુધી કોંગ્રેસનું નમક ખાધુ છે અને હવે તેઓને કોંગ્રેસ પક્ષ પાસેથી કાઇ લેવાનું રહેતું નથી તે સમયે તેઓ પોતાનો રાજકીય વજૂદ જે કાંઇ હોય તે બચાવવા માટે પ્રયત્ન કરે છેજેમાં એક સમયે કેપ્ટન અમરીન્દરસિંહે પંજાબમાં અલગ ચોકો કર્યો પણ નિષ્ફળ રહ્યા અને હવે ગુલામ નબી આઝાદે નવી ડેમોક્રેટીક આઝાદ પાર્ટીની રચના કરી છે પણ કદાચ બહુ જલ્દી તે પણ ભાજપનો એક ભાગ બની જશે.


Related News

Advertisement
Advertisement
Advertisement