મુળ ગુજરાતના મહુવાના વતની ગુજરાતી પરિવારની પુત્રી આશા પારેખની અનેરી સિદ્ધિ

27 September 2022 05:19 PM
Entertainment India
  • મુળ ગુજરાતના મહુવાના વતની ગુજરાતી પરિવારની પુત્રી આશા પારેખની અનેરી સિદ્ધિ
  • મુળ ગુજરાતના મહુવાના વતની ગુજરાતી પરિવારની પુત્રી આશા પારેખની અનેરી સિદ્ધિ

બોલીવુડની ‘ધી હિટ ગર્લ’ આશા પારેખ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાશે

► સતત હિટ અને સુપરહિટ ફિલ્મો આપનાર આશા પારેખને ફિલ્મ ઉદ્યોગમાં વિશિષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનીત કરાઈ: 30મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં વીતેલા જમાનાની પીઢ અભિનેત્રીને એવોર્ડ અર્પણ કરાશે: બાળપણથી જ અભિનયની કારકિર્દી શરૂ કરનાર આશા પારેખના ખાતામાં ‘કટી પતંગ’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘મેરે સનમ’ જેવી હિટ ફિલ્મો: ગુજરાતી ફિલ્મો- ‘અખંડ સૌભાગ્યવતી’, ‘કુળવધુ’માં પણ કામ કરેલુ

નવી દિલ્હી તા.27
વીતેલા જમાનાની લોકપ્રિય હિરોઈન આશા પારેખને ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. 30 સપ્ટેમ્બરે નેશનલ ફિલ્મ પુરસ્કારમાં આશા પારેખને આ વર્ષના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાશે. આ એવોર્ડ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પાયોનિયર દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા ફિલ્મ ક્ષેત્રે અતુલનીય યોગદાન બદલ આપવામાં આવે છે. આશા પારેખને દાદાસાહેબ ફાળકે સન્માન અંગેની જાહેરાત આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી હતી.

આશા પારેખે વર્ષો સુધી હિન્દી ફિલ્મોમાં રાજ કર્યું હતું અને પોતાના જમાનાની ટોપ હીરોઈન હતી. તેણે ફિલ્મોમાં વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા. તેમની પોપ્યુલર અને હિટ ફિલ્મોમાં ‘કટી પતંગ’, ‘તીસરી મંઝીલ’, ‘આયા સાવન ઝુમકે’, ‘લવ ઈન ટોકીયો’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

આશા પારેખનો જન્મ 2 ઓકટોબર 1942માં મુંબઈમાં થયો હતો. તેનો પરિવાર ગુજરાતના મહુવાનો વતની હતો. ગુજરાતી પરિવારમાંથી આવનાર આશા પારેખ બાળ કલાકારથી કારકિર્દીની શરૂઆત કરી હતી.
જાણીતા ફિલ્મ નિર્દેશક બિમલ રોયે બાળ આશા પારેખને એક સ્ટેજ સમારોહમાં નૃત્ય કરતી જોઈ હતી અને 10 વર્ષની આશાને ‘મા’ ફિલ્મમાં ભુમિકા આપી હતી,

બાદમાં તેને ‘બાપ-બેટી’ ફિલ્મમાં પણ લીધી હતી. જો કે આ બાળ કલાકાર તરીકે મળેલી ફિલ્મોની નિષ્ફળતાથી આશા નિરાશ થઈ ગઈ હતી. પરંતુ 16 વર્ષની વયે તેણે ફરી અભિનય કરવાની કોશીશ કરી અને હીરોઈન તરીકે શરૂઆત કરી તેને ગુજરાતી નિર્માતા નિર્દેશક વિજય ભટ્ટે પોતાની ફિલ્મ ‘ગુંજ ઉઠી શહેનાઈ’ (1959) માટે સાઈન કરી પરંતુ વિજય ભટ્ટે- તે પ્રસિદ્ધ અભિનેત્રી બનવાને કાબેલ નથી તેમ કહી ફિલ્મમાંથી કાઢી નાખી હતી.

આ ફિલ્મમાં તેની જગ્યાએ અમિતાને લેવામાં આવી હતી. આ ઘટનાના આઠ દિવસ બાદ આશાને બીજી ઓફર મળી. ફિલ્મ નિર્માતા સુબોધ મુખર્જી અને લેખક નિર્દેશક નાસીર હુસેને તેને શમ્મીકપુર સામે ‘દિલ દે કે દેખો’ (1959)માં હીરોઈન તરીકે લીધી. આ ફિલ્મની સફળતાએ આશા પારેખને સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ બાદ તેનો નાસીર હુસેન સાથે લાંબુ જોડાણ રહેલું. તેમણે પોતાની 6 ફિલ્મો- ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (1961), ‘ફિર વહી દિલ લાયા હું’ (1963), ‘તીસરી મંઝીલ’ (1966), ‘બહારોં કે સપને’ (1963), ‘બહારોં કે સપને’ (1967), ‘પ્યાર કા મોસમ’ (1969), ‘કાંરવા’ (1971) ફિલ્મો આશા પારેખને જ હીરોઈન તરીકે લીધી હતી. છેલ્લે નાસીર હુસેનની ફિલ્મ ‘મંઝીલ મંઝીલ’ (1984)માં તેમણે કેમિયો રોલ કરેલો.

આશા પારેખે અન્ય નિર્દેશકો- રાજ ખોસલાની ફિલ્મો- ‘દો બદન’ (1966), ‘ચિરાગ’ (1969), ‘મૈં તુલસી તેરે આંગન કી’ (1978) જેવી ફિલ્મોમાં કામ કરેલું. શક્તિ સામંતની સુપરહિટ ફિલ્મો- ‘પગલાં કહીં કા (1970) ‘કટી પતંગ’ (1970)માં નાયિકાની ભૂમિકામાં લીધી હતી.

ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું: આશા પારેખે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘અખંડ સૌભાગ્ય વતી’, ‘કુળવધુ’ જેવી કેટલીક ગુજરાતી ફિલ્મોમાં તેમણે કામ કરેલું.
માન-સન્માન: 1992માં તેમને પદ્મશ્રીથી સન્માનીત કરાયા હતા. ત્યારબાદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (2002), ‘કટી પતંગ’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર 1971માં અપાયો હતો. આ સિવાય અનેક ઢગલાબંધ એવોર્ડથી આશા પારેખ સન્માનીત થયા છે.

સેન્સર બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ: સેન્સર બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. આ સમયગાળામાં તેમણે અનેક મજબૂત નિર્ણયો લીધા હતા. કેટલીક ફિલ્મો અશ્ર્લીલ હોવાથી તેમણે પાસ નહોતી કરી. આ મામલે શેખર કપુરની ‘એલિઝાબેથ’ના અશ્ર્લીલ દ્દશ્યોને લઈને વિવાદ થયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement