હેર ટ્રાન્સપ્લાન્ટ માત્ર હોસ્પિટલોમાં જ થઇ શકશે : નવી માર્ગદર્શિકા જાહેર

28 September 2022 11:02 AM
Health India
  • હેર ટ્રાન્સપ્લાન્ટ માત્ર હોસ્પિટલોમાં જ થઇ શકશે : નવી માર્ગદર્શિકા જાહેર

વર્કશોપ કે યુ-ટ્યુબ ચેનલ જોઇને ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા નહીં કરવા ટકોર

નવી દિલ્હી,તા. 28
નેશનલ મેડીકલ કમિશન દ્વારા પ્રથમ વખત હેર ટ્રાન્સપ્લાન્ટ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને માત્ર રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે.

હેર ટ્રાન્સપ્લાન્ટ કોણ કરી શકે અને તેના માટે કેવા મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનિવાર્યતા રહેશે સહિતના પાસાઓને સ્પષ્ટ કરતી માર્ગદર્શિકા નેશનલ મેડીકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે અને સાથોસાથ તેમાં એવી ટકોર કરવામાં આવી છે કે વર્કશોપ કે યુ-ટ્યુબ ચેનલ પરથી જોઇને હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા નહીં કરી શકાય.

હેર ટ્રાન્સપ્લાન્ટમાં શરીરનાં અન્ય ભાગમાંથી વાળના સુક્ષ્મ કટકા મેળવીને માથા પરની ટાલની જગ્યા પર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો થતો હોય છે. પ્લાસ્ટીક સર્જરીમાં એમસીએચ-બીએનબી જેવી સર્જીકલ ટ્રેનીંગ ધરાવતા અથવા ડર્મેટોલોજીમાં એમડી કે બીએનબીની તાલીમ ધરાવતા સર્જન જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે.

હેર ટ્રાન્સપ્લાન્ટ સહિતની કોસ્મેટીક પ્રક્રિયા કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને મેનપાવરની અનિવાર્યતા વિશે પણ માર્ગદર્શિકામાં વિસ્તૃત વિગતો જારી કરવામાં આવી છે. ઇન્ડોર પેશન્ટની સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. માત્ર ડે-કેર સર્જરીની સુવિધા ધરાવતી ક્લીનીકોએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો નજીકમાં જ આઈસીયુ અને ક્રિટીકલ કેર સુવિધા ધરાવતી હોસ્પિટલો સાથે ગઠબંધન કરવું પડશે. બોગસ દવાઓ સાથે પ્રચાર કરવા જેવી પ્રક્રિયા નહીં થઇ શકે.

દિલ્હીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન બેદરકારીના કારણે 35 વર્ષિય યુવકનું મોત થયા બાદ નેશનલ મેડીકલ કાઉન્સીલે સમગ્ર પ્રક્રિયાને ગંભીર ગણીને આ માર્ગદર્શિકા જાહેર કરી છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર તથા દિલ્હી સરકારને બારોબાર થતી હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા પર વોચ રાખવા સુચવ્યું હતું. તબીબોના કહેવા પ્રમાણે નવી ગાઈડલાઈનનું કડક ધોરણે પાલન કરવું પડે તો માત્ર ક્લીનીક ધરાવતા તબીબો આ પ્રકારની પ્રક્રિયા નહીં કરી શકે.


Related News

Advertisement
Advertisement
Advertisement