‘જમ્મુ એક્સપ્રેસ’ ઉમરાન મલિક સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાં મચાવશે ધમાલ: શનિવારથી સૌરાષ્ટ્ર સામે મુકાબલો

28 September 2022 11:56 AM
Rajkot Sports
  • ‘જમ્મુ એક્સપ્રેસ’ ઉમરાન મલિક સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાં મચાવશે ધમાલ: શનિવારથી સૌરાષ્ટ્ર સામે મુકાબલો

◙ રેસ્ટ ઑફ ઈન્ડિયા-સૌરાષ્ટ્ર વચ્ચે જઈઅ સ્ટેડિયમ પર શનિવારથી પાંચ દિવસ સુધી રમાશે ઈરાની કપ: રેસ્ટ ઑફ ઈન્ડિયાની કમાન હનુમા વિહારી સંભાળશે; મયંક અગ્રવાલ, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, પ્રિયાંક પંચાલ સહિતના ખેલાડીઓ રમશે

◙ આજથી ખેલાડીઓ રાજકોટ પહોંચશે: ટીમ સૌરાષ્ટ્રની તનતોડ પ્રેક્ટિસ

રાજકોટ, તા.28
રાજકોટનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ વધુ એક ઐતિહાસિક મુકાબલાનું સાક્ષી બનવા માટે સજ્જ બની ગયું છે. અહીં શનિવારથી રેસ્ટ ઑફ ઈન્ડિયા અને ટીમ સૌરાષ્ટ્ર વચ્ચે ઈરાની કપનો પાંચ દિવસીય મુકાબલો રમાશે. આ મેચમાં ‘જમ્મુ-એક્સપ્રેસ’ના નામથી પ્રખ્યાત એવા ઝડપના જાદૂગર ઉમરાન મલિક સહિતના સ્ટાર ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે. ઉમરાન રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમમાં સામેલ છે જેની કમાન હનુમા વિહારી સંભાળશે.

આ ઉપરાંત ટીમમાં મયંક અગ્રવાલ, યશસ્વી જયસ્વાલ સહિતના ખેલાડીઓ પણ સામેલ હોવાથી મેચ કાંટે કી ટક્કર સમી બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ મુકાબલાનો પ્રારંભ શનિવારે સવારે 9:30 વાગ્યાથી થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

શનિવારથી શરૂ થનારી મેચ માટે આજથી રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમના ખેલાડીઓનું રાજકોટ આગમન થવા લાગશે. ટીમમાં સામેલ ખેલાડીઓ અલગ-અલગ રીતે રાજકોટ પહોંચીને નેટમાં પરસેવો પાડશે. ટીમમાં પ્રિયાંક પંચાલ, અરઝાન નગવાસવાલા સહિતના ગુજરાતી ખેલાડીઓ સામેલ હોવાથી તેઓ વહેલા પહોંચી જશે. જ્યારે અન્ય ખેલાડીઓ પણ કાલ સુધીમાં રાજકોટ આવી પહોંચશે. બીજી બાજુ સૌરાષ્ટ્ર ટીમ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જ એકઠી થઈને આ મેચ માટે પ્રેક્ટિસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનનારી ટીમ સામે રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમની ઈરાની કપમાં દર વર્ષે ટક્કર થાય છે. 2019-20ની રણજી સીઝનમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન બની હતી અને ત્યારપછી ઈરાની કપ રાજકોટમાં રમાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ મુકાબલો રમાય તે પહેલાં જ કોવિડકાળ આવી જતાં મેચને સ્થગિત કરવામાં આવી હતી.

દરમિયાન હવે સ્થિતિ થાળે પડતાં બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ આ મેચને ફરીથી રમાડવાનું એલાન કરતાં તેની ફાળવણી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમને કરી હતી. ઈરાની કપની આ મેચ 1 ઑક્ટોબરથી 5 ઑક્ટોબર વચ્ચે રાજકોટમાં રમાશે. દરમિયાન ચાલું વર્ષની રણજી સીઝનમાં મધ્યપ્રદેશની ટીમ ચેમ્પિયન બની હોવાથી રેસ્ટ ઑફ ઈન્ડિયાની ટીમ સૌરાષ્ટ્ર સામે ઈરાની કપ રમ્યા બાદ માર્ચ મહિનામાં મધ્યપ્રદેશ સામે રમશે.

રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમ
હનુમા વિહારી (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, પ્રિયાંક પંચાલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ, યશ ધૂલ, કે.એસ.ભરત, ઉપેન્દ્ર યાદવ (વિકેટકિપર), કુલદીપ સેન, ઉમરાન મલિક, મુકેશ કુમાર, અરઝાન નગવાસવાલા, જયંત યાદવ, સૌરભ કુમાર


Related News

Advertisement
Advertisement
Advertisement